Editorial

કિન ગાંગ વિવાદ: ચીનના રહસ્યમય પ્રકરણોમાં વધુ એકનો ઉમેરો

વિશ્વનું અગ્રણી અર્થતંત્ર અને લશ્કરી મહાસત્તા બની ચુકેલો ચીન દેશ શેષ વિશ્વ માટે તો હજી પણ એક રહસ્યમય દેશ જ રહ્યો છે. ત્યાંની સામ્યવાદી સરકારે રચેલી કઠોર નિયમો અને રોકટોકની લોખંડી દિવાલમાંથી બાકીની દુનિયાને માટે  ચીનની ઘણી માહિતી બહાર આવી શકતી નથી. ઘણી બધી માહિતી ચીનની સરકારી સમાચાર સંસ્થાઓ જે રજૂ કરે તે જ બાકીના વિશ્વને જાણવા મળે છે, ખરેખર ત્યાં શું થઇ રહ્યું છે અને શું સ્થિતિ છે તેની પુરેપુરી અને સચોટ કહી શકાય અને  ખાતરીપૂર્વક જેના પર વિશ્વાસ મૂકી શકાય તેવી માહિતી કે વિગતો તો જાણવા મળતી જ નથી. કોરોનાવાયરસજન્ય કોવિડ-૧૯નો રોગચાળો ચીનના વુહાનમાંથી શરૂ થયો હોવાનું કહેવાય છે.

આ રોગચાળો ત્યાં શરૂ થયો તેના ઘણા સમય  પછી બાકીની દુનિયાને તેની જાણ થઇ, આ રોગચાળાએ ધીમે ધીમે આખા વિશ્વને ભરડો લઇ લીધો અને લાખો લોકોના મોત થયા તે પછી પણ ચીનમાં ખરેખર કયા કારણોસર આ રોગચાળો શરૂ થયો હતો તેની કોઇ ચોક્કસ વિગતો મળી શકી  નથી કારણ કે ચીનની સરકાર પોતે પુરતી માહિતી આપતી નથી અને આંતરરાષ્ટ્રીય તપાસકર્તાઓને પૂરતી તપાસ કરવા દેતી નથી. ચીનની બીજી ઘણી બાબતોમાં પણ રહસ્યનો પડદો ઢંકાયેલો રહે છે પછી તે ચીનના ટોચના અબજપતિ જેક  મા લાપતા થઇ જવાની ઘટના હોય કે ખુદ ચીનના પ્રમુખ ઝી જિનપિંગને સત્તા પર દૂર કરાયા હોવાની અફવાઓ હોય, ઝડપભેર સાચી અને યોગ્ય માહિતી દુનિયાને મળતી જ નથી. હાલમાં આમાં એક નવું પ્રકરણ ઉમેરાયું છે અને તે ટૂંકા  સમય માટે ચીનના વિદેશ મંત્રીપદે રહી ચુકેલા કિન ગાંગના રહસ્યમય રીતે લાપતા થવા અંગેનું અને હોદ્દા પરથી તેમની હકાલપટ્ટીનું છે.

ડિસેમ્બરમાં જ જેની નિમણૂક ચીનના વિદેશ મંત્રી તરીકે થઇ હતી તે  કિન ગાંગની ચીની સરકારે મંગળવારે હકાલપટ્ટી કરી હતી અને અગાઉ વિદેશ મંત્રી રહી ચુકેલા ટોચના રાજદ્વારી વાંગ યીની આ હોદ્દા પર ફરીથી નિમણૂક કરી હતી, જ સાથે  દિવસોથી ચાલી રહેલા મૂંઝવણ કરાવનારા નાટકનો અંત આવ્યો હતો. જો કે નાટકનો ખરેખર તો પુરો અંત આવ્યો ન હતો. આ હકાલપટ્ટી પછી પણ કિંગ ગાંગ ક્યાં છે અને તેમને કયા કારણોસર હોદ્દા પરથી દૂર કરાયા તેની કોઇ માહિતી તરત  મળી ન હતી. કિન ગાંગ છેલ્લા અનેક સપ્તાહોથી જાહેરમાં દેખાયા ન હતા અને તેમના અંગે જાત જાતની અટકળો ચાલતી હતી.

આ વચ્ચે તેમને હોદ્દા પરથી દૂર કરવાનું અચાનક પગલું  ચીનની રબર સ્ટેમ્પ સંસદની ટોચની નિર્ણય લેનારી  સંસ્થા દ્વારા લેવામાં આવ્યુ હતું. પ૭ વર્ષીય કિનને ગયા ડિસેમ્બરમાં જ વિદેશ મંત્રી બનાવાયા હતા. એક બોલકા રાજદ્વારી તરીકે જાણીતા એવા કિન ગાંગ ચીનના ઇતિહાસમાં આ હોદ્દા પર જાણીતા એવા સૌથી યુવા નિયુક્તોમાંના એક હતા.  કિનને અચાનક વિદાય આપી દેવાઇ તે માટે કોઇ કારણ અપાયું નથી. આ હાઇ પ્રોફાઇલ રાજદ્વારી ૨૫ જૂનથી જાહેરમાં દેખાયા ન હતા, તેઓ છેલ્લે શ્રીલંકા, વિયેટનામ અને રશિયાના અધિકારીઓને મળ્યા ત્યારે જોવા મળ્યા હતા.

કિનના  પુરોગામી એવા વાંગ યી ફરીથી ચીનના વિદેશ મંત્રી બન્યા છે. ચીનની સંસદે તેમની ફરીથી નિમણૂક કરી છે જેને જાન્યુઆરીમાં સીપીસીના વિદેશી બાબતોના ડિરેકટર તરીકે બઢતી અપાઇ હતી. કિન ગાંગ જાહેરમાં સપ્તાહોથી દેખાતા ન  હોવાથી તેમના વિશે જાત જાતની અટકળો શરૂ થઇ હતી. એવી વાત હતી કે તેઓ બિમાર છે, પછી એવી અફવાઓ પણ ફેલાઇ હતી કે હોંગકોંગના ફોનીક્ષ ટીવી ચેનલની એક પ્રેઝન્ટેટર સાથે તેમને પ્રેમ સંબંધો બંધાયા છે. એવી પણ ચર્ચા શરૂ  થઇ હતી કે તેઓ ભ્રષ્ટાચારના કેસોમાં સંડોવાયા છે.

ચીની સરકારની ગુપ્તતાની લોખંડી દિવાલોને કારણે ચીન અંગે બીજા દેશોમાં કેટલીક ખોટી અફવાઓ પણ કેટલીક વખતે ઉડે છે. હમણા કેટલાક મહિનાઓ પહેલા એવી વાતો ચાલી હતી કે ચીની પ્રમુખ જિન પિંગ સામે બળવો થયો છે અને તેમને હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે. એક સમિટમાં ભાગ લેવા વિદેશ ગયેલા ઝી જિનપિંગ જ્યારે આ સમિટમાંથી પરત ફર્યા તેના પછી તરત જ એરપોર્ટ પરથી તેમની ધરપકડ કરી લેવાઇ અને તેમને અજ્ઞાત સ્થળે લઇ જવાયા છે એવી અટકળો શરૂ થઇ હતી.

પરંતુ આ તમામ અટકળો ખોટી અફવા સાબિત થઇ, જિનપિંગ પ્રમુખપદે ચાલુ જ હતા અને સીપીસીના અધિવેશનમાં ડિસેમ્બરમાં જિનપિંગને ફરીથી પ્રમુખપદ મળ્યું! જો કે પ્રમુખ જિનપિંગ અંગે ફેલાયેલી અફવાઓને રદિયો આપવાની તસ્દી પણ ચીની સરકારે લીધી નહીં. શેષ વિશ્વને ચીન ગણકારતું જ નથી એવું તેનું વર્તન હતું. અલબત્ત, અહીં કહેવું જોઇએ કે આજે વૈશ્વિકરણના યુગમાં કોઇ પણ દેશ માટે ગુપ્તતાની આવી લોખંડી દિવાલ કોઇ રીતે ઇચ્છનીય નથી. આવી ગોપનીયતાની દિવાલ તે દેશને પોતાને અને બાકીના સમસ્ત વિશ્વને માટે પણ હાનિકારક છે અને કોવિડના રોગચાળાના સંદર્ભમાં આ વધુ સારી રીતે સમજી શકાય તેમ છે.

Most Popular

To Top