કતરના વડા પ્રધાન શેખ મોહમ્મદ બિન અબ્દુલ રહેમાન અલ થાનીએ કહ્યું છે કે ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ દોહામાં હમાસના નેતાઓને નિશાન બનાવીને ઇઝરાયલી હુમલા દ્વારા ગાઝામાં બંધકોને મુક્ત કરવાની ‘દરેક આશા ખતમ’ કરી દીધી છે. શેખ મોહમ્મદે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં હાજરી આપતા પહેલા આ તીક્ષ્ણ નિવેદન આપ્યું હતું. આ ઇઝરાયલી હુમલાને લઈને ખાડી દેશો, ખાસ કરીને આરબ દેશોમાં વધી રહેલા અસંતોષને દર્શાવે છે. આ હુમલામાં ઓછામાં ઓછા છ લોકો માર્યા ગયા હતા.
શેખ મોહમ્મદે શું કહ્યું?
બુધવારે મોડી રાત્રે સીએનએનને આપેલા ઇન્ટરવ્યુમાં શેખ મોહમ્મદે કહ્યું, “હુમલાની સવારે, હું એક બંધકના પરિવારને મળ્યો. તે લોકો સંપૂર્ણપણે યુદ્ધવિરામ અને મધ્યસ્થી પર નિર્ભર હતા. તેમની પાસે બીજી કોઈ આશા નહોતી. પરંતુ મને લાગે છે કે નેતન્યાહૂએ જે કર્યું તેનાથી તે બંધકોને મુક્ત કરવાની દરેક આશા ખતમ થઈ ગઈ છે.” કતાર અને ઇજિપ્ત ગાઝામાં યુદ્ધવિરામ માટે મધ્યસ્થી કરવાના મોટા પ્રયાસોમાં સામેલ રહ્યો છે.
ઇઝરાયલી વડા પ્રધાને શું કહ્યું?
અમેરિકાના આગ્રહ પર કતાર વર્ષોથી દોહામાં હમાસના રાજકીય નેતૃત્વને આશ્રય આપી રહ્યું છે, જેથી ઇઝરાયલ અને હમાસ વચ્ચે વાટાઘાટોની શક્યતાઓ જીવંત રહે. શેખ મોહમ્મદની ટિપ્પણી પર નેતન્યાહૂ તરફથી કોઈ તાત્કાલિક પ્રતિક્રિયા આવી નથી. જોકે તેમણે હુમલાઓનો બચાવ કરતા કહ્યું કે જો કોઈ દેશ આતંકવાદીઓને આશ્રય આપે છે તો “કાં તો તેણે તેમને બહાર કાઢવા જોઈએ અથવા તેમને ન્યાયના કઠેડામાં લાવવા જોઈએ, નહીં તો અમે કાર્યવાહી કરીશું.”
ગાઝા આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ઇઝરાયલની બદલો લેવાની લશ્કરી કાર્યવાહીમાં અત્યાર સુધીમાં 64,600 થી વધુ પેલેસ્ટિનિયન માર્યા ગયા છે. મંત્રાલય સ્પષ્ટ કરતું નથી કે તેમાંથી કેટલા નાગરિકો છે અને કેટલા લડવૈયાઓ છે પરંતુ તેના મતે માર્યા ગયેલા લોકોમાંથી લગભગ અડધા મહિલાઓ અને બાળકો છે. ગાઝા યુદ્ધ ઓક્ટોબર 2023 માં શરૂ થયું હતું, જ્યારે હમાસના નેતૃત્વ હેઠળના આતંકવાદીઓએ દક્ષિણ ઇઝરાયલ પર હુમલો કર્યો હતો જેમાં 1,200 લોકો માર્યા ગયા હતા અને 251 લોકોનું અપહરણ કર્યું હતું.