પેરિસઃ બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુએ પેરિસ ઓલિમ્પિકની મહિલા સિંગલ્સ ઈવેન્ટમાં એસ્ટોનિયાની ક્રિસ્ટીન કુબાને સીધી ગેમ્સમાં 21.5, 21.10થી હરાવીને નોકઆઉટ રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. રિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ અને ટોક્યોમાં બ્રોન્ઝ મેડલ જીતનારી સિંધુએ આ એકતરફી મેચ 34 મિનિટમાં જીતી લીધી હતી. આ રીતે 29 વર્ષની સિંધુએ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. આ પહેલા તેણે ગ્રુપ Mની છેલ્લી મેચમાં માલદીવની ફાતિમા નબાહા અબ્દુલ રઝાકને હરાવી હતી.
ભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ પેરિસ ઓલિમ્પિકમાં સતત બીજી જીત હાંસલ કરી છે. સિંધુએ 28 જુલાઈના રોજ મહિલા સિંગલ્સના ગ્રુપ-Mમાં તેની પ્રથમ મેચમાં માલદીવની ફાતિમા નબાહા અબ્દુલ રઝાકને સરળતાથી હરાવી હતી. સિંધુએ આ મેચ વિશ્વની 111 નંબરની ખેલાડી સામે 21-9, 21-6થી જીતી હતી. તે સમયે આ મેચ માત્ર 29 મિનિટ ચાલી હતી.
સિંધુએ રિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ અને ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જો તે પેરિસ ઓલિમ્પિકમાં પોડિયમ સુધી પહોંચવામાં સફળ થાય છે, તો તે મેડલની હેટ્રિક પુરી કરનાર પ્રથમ ભારતીય ખેલાડી બની જશે.
સિંધુએ આ ખેલાડીઓનો સામનો કરવો પડશે
સિંધુનો પ્રથમ મોટો પડકાર રાઉન્ડ ઓફ 16માં આવશે, જ્યારે તેનો સામનો ચીનની હી બિંગજિયાઓ સાથે થશે, જે ટોક્યો ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડલ મેચમાં તેની પ્રતિસ્પર્ધી છે. બિંગજિયાઓને તે મેચમાં સિંધુએ આસાનીથી 21-13, 21-15થી પરાજય આપ્યો હતો.
જો કે, બિંગજિયાઓએ 2022 એશિયન ગેમ્સમાં સિંધુ સામેની તેની અગાઉની મેચ જીતી હતી. હેડ ટુ હેડની વાત કરીએ તો સિંધુ સામે બિંગજિયાઓનો રેકોર્ડ 11-9નો છે. જો સિંધુ બિંગજિયાઓને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પહોંચે છે, તો તેની સામે ચીનની ખેલાડી ચેન યુફેઈ હશે.
ભારતીય સુપરસ્ટાર ઓલિમ્પિક અને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ચીનના કોઈપણ શટલર સામે કોઈ મેચ હારી નથી, પરંતુ યુફેઈ શાનદાર ફોર્મમાં છે. વર્તમાન ઓલિમ્પિક ચેમ્પિયને આ મહિનાની શરૂઆતમાં ઇન્ડોનેશિયા ઓપન જીતી હતી અને ફાઇનલમાં વિશ્વની નંબર 1 એન સેઉંગને હરાવી હતી.
સિંધુ અને યુફેએ અત્યાર સુધી એકબીજા સામે 6-6 મેચ જીતી છે. સેમિફાઇનલમાં સિંધુનો મુકાબલો સ્પેનિશ દિગ્ગજ કેરોલિના મારિન સામે થઈ શકે છે, જે હંમેશા તેની સૌથી મોટી હરીફ રહી છે. મારિન સામે સિંધુનો રેકોર્ડ સારો નથી, જેમાં તે 5-12થી પાછળ છે. આ જ મારિને 2016 ઓલિમ્પિકની ફાઇનલમાં સિંધુને હરાવી હતી.