Business

પુતીન ઢીલા પડ્યા, શું સૌ સારાં વાનાં થશે?

એ હવે કોઈને શીખવવાની જરૂર નથી કે રશિયા અને પશ્ચિમ વચ્ચે અણુયુધ્ધ થાય તો જગતનો સર્વનાશ થાય. હમણાં અમેરિકા પ્રમુખ જો બાઈડને જાહેરમાં મંચ પર બોલતી વેળા દુનિયાના આખરી વિનાશ માટેના યુધ્ધ સંદર્ભમાં શબ્દો ઉચ્ચાર્યા અને તે માટે સજ્જતા દાખવી ત્યારે બાઈડેનની ઘરઆંગણે ખૂબ ટીકા થઈ. નિષ્ણાતો અને વિવેચકોએ લખ્યું કે દુનિયાના એક સર્વશક્તિમાન રાષ્ટ્રના વડાએ જાહેરમાં આવા શબ્દો ઉચ્ચારવા ન જોઈએ. કારણ કે તેના ઘણા સૂચિતાર્થો નીકળી શકે છે અને દુષ્પરિણામો આવી શકે છે. વ્લાદીમીર પુતીને અણુશસ્ત્રનો વિકલ્પ અજમાવવાની ધમકી આપી તેનો બાઈડન પ્રત્યુત્તર આપી રહ્યા હતા. ખુદ અમેરિકન લેખકો, સંપાદકોએ બાઈડનને મર્યાદા જાળવવાની અપીલ કરવી પડી.

એક સૂચિતાર્થ એવો નીકળે કે અમેરિકી સરકાર અને સીઆઈએ માને છે કે પુતીન સાથે અણુયુધ્ધ થઈને જ રહેશે. બીજો સૂચિતાર્થ એવો નીકળે છે કે અમેરિકા જેવા દેશ જગત પ્રત્યેની જવાબદારીને તડકે મૂકીને, અન્ય કોઈ વિકલ્પો અજમાવ્યા વગર અણુયુધ્ધને જ અગ્રતા અને પ્રાધાન્ય આપ્યા. હંમેશા એ સાચું પડે છે કે સુખી અને સંપન્ન રાજરજવાડાં કે રાષ્ટ્રને યુધ્ધ કરવાનું પોસાય નહીં. નરેન્દ્રભાઈ મોદીએ પુતીનને સમજણ આપી તેમ હવે યુધ્ધનો જમાનો રહ્યો નથી. અગાઉ શક્તિશાળી રજવાડાંના અભિમાની રાજાઓ વગર વિચાર્યે યુધ્ધ કરતા.

વર્ષોથી અમેરિકાની નીતિ રહી છે કે જે અમેરિકાને છંછેડે તેની સાથે જ અમેરિકા યુધ્ધ આદરે છે. કોઈ સાચે ખોટે ડરાવે તેની પાછળ પણ એ પડી જાય છે. પરંતુ ગોલાચોવના ક્રાન્તિકારી નિર્ણય બાદ રશિયાએ અમેરિકાને સતાવવાનું બંધ કર્યું હતું. શીત યુધ્ધનો અંત આવ્યો હતો અને એ મોરચે હમણાં સુધી શાંતિ હતી. પુતીને પણ નારોના ભયથી યુક્રેન પર આક્રમણ કર્યું, પણ આક્રમણ માટેનું આ એકમાત્ર અને વાજબી કારણ નથી. પરંતુ બન્ને બળિયાઓ, નાટો, યુક્રેન એક તરફ અને રશિયા બીજી તરફ, લગભગ નવ નવ મહિનાઓ સુધી લડ્યા. પુતીને જાનમાલની મોટી ખુવારી ભોગવી. લગભગ બન્ને પક્ષે મળીને સવા લાખ જેટલાં નાગરિકો અને સૈનિકો માર્યા ગયા છે તેમાં રશિયાના જ એક લાખ જેટલા છે.

ઘરઆંગણે પુતીનની ખૂબ ફજેતી થઈ. એમ હતું કે હાર્યો જુગારી બમણું રમશે અને પુતીન અણુશસ્ત્ર વાપરશે. રશિયન પરગણટ ચેચેમ્યાના સુબેદાર રમઝાન કાદીરોવે પુતીનને મર્યાદિત શક્તિવાળાં અણુશસ્ત્રો વાપરવાની સલાહ આપી હતી. પણ હવે લાગે છે કે સુબહ કા ભૂલા પુતીન વર્ષાન્તે ઘર તરફ પાછા ફરી રહ્યા છે. આ એક એવું યુધ્ધ છે જેમાં પક્ષકારો ન હોય એવાં રાષ્ટ્રો પણ મહામુસીબતમાં મૂકાઈ ગયા  છે કારણ કે જાગતીકરણ બાદનું બે મોટી તાકાતો વચ્ચેનું આ પ્રથમ યુધ્ધ છે. દુનિયા ઓવરઓલ પ્રગતિ કરી રહી છે ત્યારે યુધ્ધની કોઈ જરૂર નથી અને દુનિયાની આમ જનતાનો આ અવાજ હવેની આઈટી ટેક્નોલોજીએ પ્રબળ બનાવ્યો છે. તેમાં પુતીન અને બાઈડેનનાં ઉચ્ચારણો અમેરિકા અને જગતને ડરાવી મૂકે.

એવું નથી કે અણુયુધ્ધ ટાળવા અમેરિકાએ ખાનગીમાં કોઈ પ્રયત્નો કર્યા નથી. ખાનગી ચેનલો દ્વારા વાતચીતો ચાલુ રાખીને પુતીનને વારંવાર અણુશસ્ત્રોથી દૂર રહેવા માટે સમજાવાયા હતા. તેમાં ગયા સપ્તાહમાં ક્રિમયા અને રશિયાને જોડતો ખાડી પરનો પૂલ યુક્રેન તરફી લડાકુઓએ તોડી પાડ્યો ત્યારે ધૂંઆપૂંઆ થઈને પુતીને યુક્રેન પર મિસાઈલો વડે યુધ્ધનો સૈથી મોટો હુમલો કર્યો અને ડઝનબંધ નિર્દોષ યુક્રેનીઓને મારી નાખ્યા. તે સાથે પુતીનને એ પણ સમજાયું હશે કે ડિફેન્સિવ હતું ત્યારે પણ યુક્રેન આકરું પડી રહ્યું હતું તો અગ્રેસિવ બનશે તો શું થશે?

2014માં યુક્રેન  પાસેથી કિમિયા આંચકી લીધું હતું તે પણ ગુમાવવાનો વખત આવે. નાટો દેશોએ લડવા માટેની તૈયારીઓ વધુ આક્રમકતાથી આદરી દીધી છે અને યુકેમાં યુરોપના હજારો જવાનોને લશ્કરી તાલીમ અપાઇ રહી છે. અમેરિકાએ વધુ આધુનિક અને મોબાઇલ મિસાઇલ અને મિસાઇલ  ડિફેન્સ સિસ્ટમો યુક્રેનને હમણાં જ પૂરી પાડી. એટલે પુલ તૂટયા પછીનો ગુસ્સો ઊતાર્યો પણ આ બીજા સપ્તાહમાં જ પુતીન અને પુતીનના શબ્દો નરમ પડવા માંડયા છે. પુતીનને એમ હતું કે રશિયાના ગેસ પુરવઠા વગર યુરોપ જીવી નહીં શકે.

પણ યુરોપિયનોએ શકય એટલી વૈકલ્પિક વ્યવસ્થાઓ કરી છે અને જરૂર પડે તો ગેસ વગર ચલાવી લેવાનો નિર્ધાર કર્યો છે. પુતીનને પણ તકલીફ પડી રહી છે. યુરોપ ગેસ ન ખરીદે તો નાણાં લાવવા કયાંથી? આમેય રશિયાની ઇકોનોમી પ્રતિબંધોને કારણે ખાડે ગઇ છે. ભલે ચીન, ભારત અમેરિકાને પ્રતિબંધોમાં સાથ ન આપે તો પણ માત્ર પશ્ચિમ દ્વારા પ્રતિબંધો પળાય તો પણ રશિયાનું અર્થતંત્ર બેસી જાય. અને થયું છે પણ એવું આથી પુતીને સામે ચાલીને જર્મનીને નોર્દસ્ટ્રીમ ટુ પાઇપલાઇન દ્વારા ગેસ પુરવઠો આપવાની ઇચ્છા બતાવી. ચાલુ પાઇપલાઇન સમારકામના કોઇક બહાનાંઓ કાઢીને રશિયાએ બંધ કરી દીધી છે અને તેના વડે પુતીન યુરોપનું પાણી માપવા માગતા હતા. પુતીનને હતું કે યુરોપ મજબૂરીમાં તાબે થશે. પણ થયું છે ઉલટું. જર્મનીએ નવી પાઇપલાઇન દ્વારા પણ ગેસ લેવાનો ઇનકાર કરી દીધો. પુતીન માટે આ એક મોટી નિરાશા પુરવાર થઇ. સાદું યુધ્ધ જીતી શકાતું નથી તેમાં અણુયુધ્ધની કયાં માંડવી?

શુક્રવારે પુતીનના શબ્દો અને વર્તનમાં રીતસરની નરમાશ જોવા મળી. કઝાખસ્તાન ખાતે એક પરિષદમાં હાજરી આપવા ગયા હતા. ત્યાં પત્રકારોને સંબોધતાં એમણે કહ્યું રશિયાનો ઇરાદો કયારેય યુક્રેનનો નાશ કરવાનો રહ્યો નથી. એવી ઇચ્છા બિલકુલ ન હતી અને નથી. એમ પણ કહ્યું કે રશિયન દળોમાં અનામત સૈનિકોની ભરતીની કામગીરી પણ બે સપ્તાહ બાદ બંધ કરી દેવાશે. પછીથી નવી ભરતી કરાશે નહીં. એમણે એ વાતનો પણ વારંવાર પુનરોચ્ચાર કર્યો રશિયા વાટાઘાટો કરવા તૈયાર છે અને જો યુક્રેન પણ વાટાઘાટો માટે, સમાધાન માટે હોય તો દુનિયાના દેશોએ મધ્યસ્થી તરીકેની કામગીરી કરવી પડશે. પુતીનનો નિર્દેશ યુરોપ-અમેરિકા તરફ હોઇ શકે.

હમણાં કીવ પર હુમલો કર્યો એ કૃત્યને પુતીને બદલો લેવા માટે આચરવામાં આવેલું કૃત્ય ગણાવ્યું. એમણે થોડો આત્મસંતોષ એ લીધો કે જે લક્ષ્યાંકો રશિયાએ ધાર્યા હતા તે લગભગ પૂર્ણ થયા છે તેથી હવે યુક્રેન પર કોઇ મોટો હુમલો કે યુધ્ધ કરવાની જરૂર નથી. દરમિયાન અમેરિકામાં નાયબ નાણાં મંત્રીએ બત્રીસ દેશોના અધિકારીઓની એક બેઠક બે દિવસ પહેલાં વોશિંગ્ટનમાં બોલાવી હતી અને રશિયા પર વધુ કડક પગલાં લાદવાનો કાર્યક્રમ નક્કી કર્યો હતો. આ પ્રકારની આ પ્રથમ અસરકારક બેઠક હતી. જેમાં રશિયાના શસ્ત્ર કારખાનાંઓને માલ પૂરો પાડતાં દેશોનો પણ આર્થિક બહિષ્કાર કરવાનું નક્કી થયું.

પુતીન યુધ્ધ પૂર્વે બોલીને માત્ર એક સપ્તાહમાં ફરી ગયા હતા. પણ આ વખતે માર ખાવાના અનુભવ પછી બોલ્યા છે એટલે ફરી નહીં જાય. નિષ્કર્ષ એ જ કે આજના સમયમાં અણુયુધ્ધ શકય નથી. આ બોધપાઠમાંથી દુનિયાના ઘણા હેકડી બતાવતા શાસકોની સાન ઠેકાણે આવશે. યુધ્ધનો અંત આવે તો પુતીનના શા હાલ થશે એ તો એમનું નસીબ જાણે, પણ દુનિયામાં ભૂખમરો અને અસુવિધાથી પીડાઇ રહેલાં અબજો નાગરિકો રાહતનો દમ ભરશે. સૌથી મહત્ત્વની શોધ એ થઇ ગણાશે કે અણુશસ્ત્રો કોઇ કામનાં નથી.

       – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top