SURAT : ધી કુંભારીયા વિભાગ વિવિધ કાર્યકારી સહકારી મંડળીના કારભારીઓ દ્વારા ખેડૂતોને આપવામાં આવતું સબસિડરાઈઝ રાસાયણિક ખાતર બોગસ બીલો બનાવી બારોબાર વેચવાના 66 લાખના કૌભાંડમાં મંડળીના સભાસદોએ સુરતના જિલ્લા રજિસ્ટ્રારને આવેદનપત્ર આપી મંડળીને ડૂબતી બચાવવા અને ખોટમાંથી બહાર કાઢવા સુરત ડિસ્ટ્રીકટ કો.ઓપ.બેંકને વહીવટદાર બનાવવા માંગ કરી છે.
22 માર્ચે સુરતની પુણા પોલીસે બે આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી ત્યારે ખાતરનો સ્ટોક 8 લાખનો રહ્યોં છે તે જોતા સહકારી અધિનિયામની કલમ 81 હેઠળ આ મંડળીમાં વહીવટદાર મુકવામાં આવે તો રિકવરી સાથે મંડળી કાર્યરત રહી શકે છે.65 સભાસદોએ વહીવટદાર મુકવા માંગ કરતા રજિસ્ટ્રારએ કાર્યવાહી શરૂ કરી છે.સભાસદોનો આક્ષેપ છે કે મંડળીમાં કૌભાંડ પકડાયા પછી ખેતીવાડી અધિકારીએ મંડળીનું લાયસન્સ રદ કર્યું હતું.તે પછી પોલીસ ફરિયાદ થતા મંડળીના પ્રમુખ ઈશ્વર ગોપાલ પટેલ અમેરિકા જતા રહ્યાં હતાં.
મંડળીના ઉપપ્રમુખ હાજર છતાં પોલીસે માત્ર એક ડિરેક્ટર ભરત પટેલનું નિવેદન લઈ ચાર્જશીટ રજૂ કરી દઈ શંકાસ્પદ રીતે પ્રમુખની તમામ જવાબદારીઓ છતાં પુણા પીઆઇ યુ.વી.ગડરિયાએ બે કારકુનોની ધરપકડ કરી, માત્ર એક ડિરેક્ટરનું નિવેદન નોંધી ચાર્જશીટ રજૂ કરી દીધી હતી. એ રીતે મોટા ગજાના નેતાને બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે મંડળીના ડિરેક્ટરોએ કારોબારી બોલાવી મંડળીના પ્રમુખની જવાબદારી નક્કી કરતો ઠરાવ કર્યો હોવા છતાં તેને પોલીસે નજર અંદાજ કર્યો હતો.કૌભાંડીઓએ સબસીડી વાળું ખાતર એનઆરઆઈ સભાસદો અને મૃતક સભાસદોને નામે બોગસ બીલથી ખરીદી બતાવી ઓપન માર્કેટમાં તગડા નફા સાથે વેચી દીધું હતું.મામલો હવે પોલીસ પછી રજિસ્ટ્રાર સમક્ષ જતા મંડળીમાં વહીવટદારની નિમણૂક થશે તો નવેસરથી કાર્યવાહી થઈ શકે છે.