કલ્પના વૈદ, ચર્ચાપત્રમાં ખરુ જ કહે છે કે કચરાપેટીઓ આડેધડ હટાવી લેવાથી, સુરત શહેર વધુ ગંદુ બનતું જાય છે. બે વર્ષ પહેલાં એકી ઝાટકે, તત્કાલિન મનપાના કમિશનરશ્રીએ, શહેરની નવસો જેવી મોટી કચરાપેટીઓ હટાવી દીધી હતી. પરિણામે નાગરિકોની ધારણા પ્રમાણે ઠેર-ઠેર કચરાઓના ઢગલા થવા લાગ્યા હતા. આજે અનેક જગ્યાએ, ખૂણે-ખાંચરે કે ફુટપાથો ઉપર કચરાના પોટલાં જોઈ શકાય છે. નાનાં-નાનાં ડસ્ટબીન મુકેલા હતાં.
પણ, ઢગલાબંધ કચરા સામે, એ ડસ્ટબીનનો કોઈ ક્લાસ નથી. કચરાગાડીઓ, કચરો લેવા ફરે છે, પણ, એ ગાડીઓ નિયમિત નથી. ગમે તે સમયે કચરો ઉઘરાવવા આવી જતી હોય છે. એટલે કેટલાંક ઘરોનો કચરો રહી જતો હોય છે. એ કચરો ફૂટપાથો ઉપર ઠલવાય છે. શહેરના કુલ કચરાના જથ્થાને ઉચકવા માટે કચરાગાડીઓની સંખ્યા ઓછી પડે છે. આ સ્થિતિએ બધી જગ્યાએ નહીં, પણ અમુક-અમુક જગ્યાએ મોટી કચરાપેટીઓ ફરીથી મુકાવી જોઈએ, જેથી, લોકો એમાં, એમનો રહી ગયેલો કચરો નાંખી શકે.
સુરત -બાબુભાઈ નાઈ