રેડ સેન્ડલવુડ – રક્તચંદન, ભારતના પૂર્વ ઘાટમાં જ મળતાં ‘એન્ડેન્જર્ડ’ કેટેગરીમાં મૂકાયેલાં વૃક્ષ છે કારણ કે આખી દુનિયામાં એ આંધ્રપ્રદેશમાં જ થાય છે, ખાસ કરીને તાલકોના જંગલમાં. એનો ઉપયોગ ચીન અને જાપાનનાં મંદિરોમાં, ફર્નિચર બનાવવામાં, વાયોલિન અને ચેસ સેટ બનાવવામાં તેમ જ અમુક ઔષધિ તરીકે ઘણો થાય છે. એની અગરબત્તી પણ બને છે એટલે એના લાકડાની દાણચોરી મોટા પ્રમાણમાં ફાલી છે. ષટકોણના પચ્ચીસમાં એપિસોડમાં આ દાણચોરી વિશે વાત કરતી ‘પુષ્પા’ નામની મસાલા ફિલ્મની વાત કરીએ. જો કે એક કબૂલાત કરી દઉં – આ ફિલ્મ મને સમજ પડે એવી ભાષામાં નહીં પણ અંગ્રેજી સબ-ટાઇટલ સાથે પ્રાઈમ વીડિયો પર જ જોઈ છે એટલે અમુક વસ્તુઓ પર અભિપ્રાય ચોક્કસ ન કહી શકાય. તેલુગુ, તમિલ, મલયાલમ વગેરેમાં મળતી આ ફિલ્મ હિન્દીમાં પણ ડબ કરવામાં આવી છે અને કદાચ તમે આ વાંચતા હશો ત્યારે હિન્દીમાં ઓડીઓ સાથે એ જોઈ શકશો અને શ્રેયસ તલપડેના અવાજમાં અર્જુનના ડાયલોગ સાંભળી શકશો.
ક્રિકેટ ક્લાસિક ‘83’ સાથે રીલિઝ થયેલી ‘પુષ્પા’ બોક્સ ઓફિસ પર ‘83’ને બાજુ પર મૂકી સુપર હિટ ફિલ્મ બનવા જઈ રહી છે! એ વસ્તુ જ સમજ પડે એમ નથી. શું ભાષાના ફર્કને લીધે આમ હશે કે કલ્ચરલ ભેદ હશે – આ ફિલ્મ પાછળનું ગાંડપણ આપણને નવાઈ લાગે એવું છે – કમાણી 300 કરોડ?!. દક્ષિણ ભારતના ઘણા હીરો – રજનીકાંત હોય કે અલ્લુ અર્જુન, એમની સ્ટાઇલ માટે જ પ્રખ્યાત છે. ઘરમાં જ OTT પર જોવાનો ફાયદો એ છે કે ત્રાસ લાગે ત્યારે અટકાવી શકાય. આ ફિલ્મ પણ અમે બે દિવસે પૂરી કરી અને તે પણ આ લેખ પૂરો કરવાનો હતો એટલે! અને બાહુબલીની જેમ નિર્માતાએ પહેલેથી જ બે ભાગમાં બનાવવાનું નક્કી કર્યું છે!
ગામના પ્રતિષ્ઠિત માણસની સાથેના માતાના અનૈતિક પ્રેમસંબંધમાં જન્મેલો પુષ્પરાજ – પુષ્પા (અલ્લુ અર્જુન), એના પિતાના મૃત્યુ પછી એના સાવકા મોટા ભાઈને કારણે નાનપણથી જ તકલીફોનો સામનો કરે છે અને મજૂરી કરે છે પણ સીધીસાદી નહીં! રેડ સેન્ડલવુડની દાણચોરીના કામમાં ફૂલી તરીકે જોડાય છે. એની હિમ્મત અને હોંશિયારીથી એ પોલીસની રેડમાં સામાન બચાવે છે અને તેના બોસ ફેમિલીના ત્રણ ભાઈઓના સંપર્કમાં આવે છે. થોડા જ સમયમાં એ 4% નો ભાગીદાર બને છે અને ધીમે ધીમે એના દાણચોર શેઠ જેવા બીજા દાણચોરોની સિન્ડિકેટના બોસ, છત્રછાયા આપતા નેતા અને છેલ્લે ચેન્નાઈના મુખ્ય માણસ સાથે પણ સંપર્ક બનાવે છે. ‘પુષ્પા’ની આગળ વધવાની સાથે એ એના બોસ ફેમિલી અને ત્યાર પછી સિન્ડિકેટ લીડર સાથે સંઘર્ષમાં આવે છે. તેની પોલીસ સાથે ચકમક પણ ચાલ્યા જ કરે છે પણ પકડાયા પછી કલાકો પોલીસવાળા એને લાઠી મારતા થાકી જાય પણ એનું હસવાનું બંધ થતું નથી! એ પચાવવા માટે તમારે સુપરસ્ટારના ફેન હોવું જરૂરી છે.
પણ આ બધી તકલીફોમાં પણ સુપર હીરો પ્રેમ કરવા માટે સમય તો કાઢી જ લે છે અને ગીતો પણ ગાય છે. લડાઈમાં તો એને કોઈ પહોંચી શકે એવું છે જ નહીં – મોઢા પર કપડું ઢાંકેલું હોય અને હાથ પાછળ બાંધેલા હોય તો પણ પુષ્પા માઈલો ભાગી શકે અને કેટલાય ગુંડાઓને મારી શકે છે. હીરો અંતમાં કહે છે કે લોકો માને છે કે પુષ્પ એટલે ફૂલ પણ એ તો પુષ્પા એટલે આગ છે! અંત ભાગમાં એક નવો પોલીસ ઓફિસર શેખાવત આવ્યો છે જે શરૂઆતમાં પુષ્પાને ડરાવવામાં સફળ રહે છે પણ એના લગ્ન પહેલા જ પુષ્પા એની સાથે બેસી દારૂ પણ પીએ છે અને બાજી પલટાવે છે.
બ્રાન્ડની કે પિતાના નામની કોઈ જરૂર નથી એવું સાબિત કરવા બેઉ કપડાં કાઢી નાખે છે અને પછી એવા જ વેશે પુષ્પા લગ્ન કરવા આવે છે. બીજી બાજુ પોલીસ ઓફિસર કપડાં વગર પોલીસ સ્ટેશન પહોંચે છે જ્યાં એનો કૂતરો પણ એને ઓળખતો નથી. અહીં પહેલો ભાગ – ‘પુષ્પા ધ રાઇઝ’ પતે છે અને હવે બીજો ભાગ – ‘પુષ્પા, ધ રુલ’ આવવાનો છે એવું કહેવામાં આવ્યું છે એટલે બીજા ભાગમાં પુષ્પા અને શેખાવત વચ્ચે લડાઈ ચાલુ રહેવાની છે. આમ પ્રેક્ષકની જેમ વિચારવાનો પ્રયત્ન કરો તો અલ્લુ અર્જુન સરસ છે. જંગલોનું શૂટિંગ સરસ છે પણ ઘીસીપીટી મસાલા ફિલ્મની વાર્તા અને ઢંગધડા વગરની ફાઇટિંગ ફિલ્મને નબળી પાડે છે. ટોલીવુડના હીરો બૉલીવુડ કે હોલીવુડના સુપરસ્ટારને ક્યાંય પાછા મૂકી દે એવા સ્ટન્ટ કરી શકે છે. અલ્લુ અર્જુનની 200 કરોડથી વધુ કમાણી કરતી આ બીજી ફિલ્મ છે. એવું વિચારો કે અમિતાભની કોઈ ફિલ્મ 100 કરોડના બ્રેકેટમાં પણ નથી તો દક્ષિણના સુપરસ્ટારના પ્રભાવનો ખ્યાલ આવી શકે!