અતિ સુંદર રાજાની કુંવરી, મોહિની જેટલી સુંદર એથી વધુ બુદ્ધિશાળી તેના લગ્ન માટે સ્વયંવર ગોઠવાયો. કુંવરીએ કહ્યું, ‘‘પિતાજી હું સ્વયંવરમાં માત્ર જોઇને પસંદગી નહિ કરું. હું ત્રણ સવાલ પૂછીશ અને જે કુંવર સાચા જવાબ આપશે તેને વરમાળા પહેરાવીશ.’’ રાજાને પોતાની પુત્રીની બુદ્ધિમત્તા પર વિશ્વાસ હતો એટલે તેમણે તરત હા પાડી. સ્વયંવરનો દિવસ આવ્યો. દૂર દૂરથી રાજાઓ અને રાજકુંવરો આવ્યા હતા. કુંવરીએ પ્રવેશ કર્યો અને રાજાએ કહ્યું, ‘‘આજે આ સ્વયંવર સભામાં મારી કુંવરી મોહિની ત્રણ પ્રશ્નો પૂછશે અને જે ત્રણે પ્રશ્નોના જવાબ સાચા આપશે તેને કુંવરી પોતાના સ્વામી તરીકે પસંદ કરશે.’’ અમુક રાજાઓ આ સાંભળી ગુસ્સે થયા કે અમારી પરીક્ષા શા માટે…
અમુક પ્રશ્નો જાણવા આતુર બન્યા. કુંવરીએ કહ્યું, ‘‘આપણે બધા રોજ સવારે સ્નાન કરીએ છીએ જેનાથી આપણું તન શુદ્ધ થઈ જાય છે. તો હવે મારો પહેલો પ્રશ્ન છે કે આપણું ધન શુદ્ધ કરવા શું કરવું જોઈએ? બીજો પ્રશ્ન છે કે મન શુદ્ધ કરવા શું કરવું જોઈએ? ત્રીજો પ્રશ્ન છે કે જીવન શુદ્ધ કરવા શું કરવું જોઈએ?’’રાજકુમારીએ સભામાં ત્રણ નાના પ્રશ્નો પૂછ્યા અને પ્રશ્નો સાંભળીને જલ્દી કોઈ જવાબ આપવા ઊભું થયું નહિ. બધા એકબીજાની સામે જોઈ રહ્યા. ઘણો સમય વીતી ગયો. કોઈ પાસે ત્રણે પ્રશ્નોના જવાબ હતા નહિ. રાજા બોલ્યા, ‘‘શું કોઈ કુંવર એટલો બુદ્ધિશાળી નથી કે મારી બુદ્ધિશાળી દીકરીના પ્રશ્નોના જવાબ આપી શકે?’’ રાજાના મંત્રીએ ઊભા થઈને રાજાને કહ્યું, ‘‘આજે સ્વયંવર રાખ્યો છે તો કુંવરીના લગ્ન થવાં જરૂરી છે.
જો કોઈ રાજકુંવર જવાબ આપી શકતો ન હોય તો કુંવરી બા હા પાડે તો ઉપસ્થિત લોકોમાંથી કોઇ પણ યુવાનને જવાબ આપવાની છૂટ આપો.’’ કુંવરી મોહિની બોલી, ‘‘હું મારા પ્રશ્નોના જે સાચા જવાબ આપશે તે યુવાનને જ પરણીશ.’’રાજાએ જાહેરાત કરી કે જે યુવાનને પ્રશ્નોના જવાબ આવડે તે આગળ આવે. એક ગરીબ ખેડૂત યુવાન આગળ આવ્યો અને તેણે રાજાને પ્રણામ કરી કુંવરી મોહિની સામે જોઇને કહ્યું, ‘‘તમારા ત્રણ પ્રશ્નોના જવાબ મારી પાસે છે. પહેલા પ્રશ્નનો જવાબ છે મહેનતનો પરસેવો અને દાનની ભાવના ધનને શુદ્ધ કરે છે એટલે ધનને શુદ્ધ કરવા મહેનત કરીને કમાવું અને કમાયેલા ધનનું દાન કરી તેનો સદુપયોગ કરવો.
બીજા પ્રશ્નનો જવાબ છે સાચી લાગણી અને સહનશીલતા મનને શુદ્ધ કરે છે એટલે મનને શુદ્ધ કરવા દરેક પર સાચી પ્રેમ ભાવના રાખવી અને કોઈ દુઃખ પડે તો સહન કરી લેવું અને ત્રીજા પ્રશ્નનો જવાબ છે ઈશ્વર નામ અને ઈમાનદારીથી કામ જીવનને શુદ્ધ કરે છે એટલે જીવનને શુદ્ધ કરવા ઈશ્વર ભજન કરતાં રહેવું અને લોભ લાલચ છોડી ઈમાનદારીથી દરેક કામ કરવાં.’ આ જવાબ સાંભળી રાજા, માતરી રાજી થયા. કુંવરી મોહિનીએ ખેડૂત પુત્રના ગળામાં વરમાળા પહેરાવી. રાજાએ પોતાનું અડધું રાજ્ય ખેડૂત પુત્રને આપી તેને રાજા બનાવ્યો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.