National

તિરુપતિ મંદિર શુદ્ધિકરણ: 4 કલાક મહાશાંતિ યજ્ઞ, પ્રસાદનું રસોડું દૂધ, દહીં અને ગૌમૂત્રથી શુદ્ધ કરાયુ

આંધ્રપ્રદેશના શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિર (તિરુપતિ મંદિર)ના શુદ્ધિકરણ માટે મહાશાંતિ યજ્ઞ કરવામાં આવ્યો હતો. તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) બોર્ડના અધિકારીઓ સહિત 20 પુજારીઓએ સોમવારે સવારે 6 થી 10 વાગ્યા સુધી ચાલતા પંચગવ્ય પરીક્ષા (શુદ્ધિકરણ)માં ભાગ લીધો હતો. લાડુ અને અન્નપ્રસાદના રસોડાનો ધાર્મિક વિધિથી શુદ્ધ કરવામાં આવ્યું હતું.

આંધ્રના સીએમ ચંદ્રબાબુ નાયડુની પાર્ટી ટીડીપીએ 18 સપ્ટેમ્બરના રોજ આરોપ લગાવ્યો હતો કે રાજ્યમાં YSR કોંગ્રેસની સરકાર દરમિયાન તિરુપતિ મંદિરમાં પીરસવામાં આવતા લાડુ (પ્રસાદમ)માં પશુ ચરબીનું અને માછલીનું તેલ મિશ્રિત કરવામાં આવ્યું હતું. બીજા દિવસે ટીડીપીએ લેબ રિપોર્ટ બતાવ્યો અને તેના આરોપોની પુષ્ટિ કરવાનો દાવો કર્યો. આ વિવાદ બાદ રાજ્ય સરકારે તિરુપતિ મંદિરના લાડુની તપાસ માટે SITની રચના કરી છે. સીએમ ચંદ્રબાબુ નાયડુએ કહ્યું કે SIT રિપોર્ટના આધારે કાર્યવાહી કરવામાં આવશે.

પૂજારીએ કહ્યું- હવે મંદિર સંપૂર્ણ શુદ્ધ છે, પ્રસાદ ઘરે લઈ શકાય છે
મંદિરના મુખ્ય પૂજારીઓમાંના એક કૃષ્ણ શેશાચલ દીક્ષિતુલુ કહે છે, “સરકાર એક પ્રસ્તાવ લઈને આવી હતી કે મંદિરને શુદ્ધ કરવા માટે શું કરવું જોઈએ. તેથી અમે શાંતિ હોમ કરવાનો પ્રસ્તાવ લઈને મેનેજમેન્ટ પાસે ગયા. 6 વાગ્યે સવારે અમે બધા ભગવાન બાલાજીના આશીર્વાદ અને અનુમતિ લેવા માટે ગર્ભગૃહમાં ગયા, હવે બધું શુદ્ધ થઈ ગયું છે, હું બધા ભક્તોને ભગવાન બાલાજીના દર્શન કરવા અને પ્રસાદ લેવા માટે વિનંતી કરું છું.

આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડી અને અન્યો સામે કેસ નોંધવામાં આવ્યો છે. તેમના પર શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરની પવિત્રતાને નુકસાન પહોંચાડવા અને પ્રખ્યાત તિરુપતિ લાડુ પ્રસાદમમાં વપરાતા ઘીની ભેળસેળના આરોપો બાદ હિંદુ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. હૈદરાબાદના સૈદાબાદ પોલીસ સ્ટેશનમાં વકીલે આ ફરિયાદ નોંધાવી છે.

Most Popular

To Top