Columns

આહાર શુદ્ધિથી વિચાર શુદ્ધિ

વો આહાર તેવું મન’ અથવા ‘અન્ન તેવું મન’ એવું કહેવાય છે ત્યારે આહાર તેવા વિચાર એમ પણ કહી શકાય. હવે વિચારોની શુદ્ધતા માટે આહારની શુદ્ધિ પણ એટલી જ જરૂરી છે. ‘અન્ન તેવો ઓડકાર’ એમ કહીએ છીએ ત્યારે એટલું તો જરૂર છે કે ‘જેવું અન્ન ખાઓ, એવું તમારું મન, બુદ્ધિ અને શરીર ઘડાય.’ વિકૃત ભોજન આંતરિક વિકૃતિને ઉત્તેજીત કરે છે. ઘણા સમય પહેલાની વાત છે. અમદાવાદમાં એક સંત રહેતા હતા. તેમનું નામ હતું સરયૂદાસ. આ સંતના ભકતો અનેક હતા. એમાં એક શ્રીમંત ભકતે એક દિવસ આ સંતને પોતાને ત્યાં પધારવા નિમંત્રણ આપ્યું.

સાથે બીજા ઘણા સંતો અને અનુયાયીઓને પણ બોલાવ્યા. બધા સંતો સભામંડપમાં આવી ગયા હતા, જયાં મુખ્ય મહારાજ સરયૂદાસજીની રાહ જોવાતી હતી. તેમને આવતા વાર લાગી અને ભોજનનો સમય નીકળી જતો હતો. એટલે અન્ય સંતો અને ભકતોને ભોજન કરી લેવા જણાવ્યું. બધા સંતો બાજુના પંડાલમાં ભોજન કરવા બેસી ગયા. બધાને ઘીથી લસપસ લાપસી અને અન્ય વાનગીઓ પીરસવા માંડી. બધાએ મંત્રોચ્ચાર કરી ભોજન લેવાનું શરૂ કર્યું. એવામાં મહારાજશ્રી પધાર્યા. મુખ્ય યજમાન દોડતા ગયા અને તેમને લઇ આવ્યા. સંતને ગાદી પર બિરાજમાન કરાવી યજમાને પૂજન કર્યું. પછી ભોજન માટે વિનંતી કરી.

મહારાજ માટે થાળમાં ઘીથી લસપસ લાપસી વગેરે લાવ્યા. મહારાજે એ જોઇ કહ્યું, ‘મારે આ લાપસી નહિ ચાલે, મને લૂખા બે રોટલા અને શાક આપો.’ બધા આશ્ચર્ય પામ્યા. પણ મહારાજને શું કહેવાય? એમની ઇચ્છા મુજબ રોટલા આપ્યા. મહારાજ લુખા રોટલા ધીમે ધીમે ચાવીને ખાવા લાગ્યા. યજમાન આ જોઇ રહ્યા. એમનાથી ન રહેવાયું એટલે મહારાજને પૂછયું, ‘આમ કેમ?’ મહારાજે એક અરિસો મંગાવ્યો અને એના ઉપર પેલી લાપસી ચોપડી પછી કહ્યું, ‘જુઓ આમાં તમારું મોં દેખાય છે?’ યજમાને કહ્યું, ‘ના.’ પછી મહારાજે લુખા રોટલાથી દર્પણ સાફ કરી નાખ્યું અને કહ્યું, ‘હવે જુઓ.’ ત્યારે દર્પણમાં ચહેરો દેખાયો. સંતે કહ્યું, ‘આ જ ખરું રહસ્ય છે. જેને આત્મદર્શન કરવું હોય એને ચોખ્ખો અરિસો હોય તો જ દેખાય. એટલે સંત – મહાત્માઓએ સાદું ભોજન કરવું જોઇએ. સ્નિગ્ધ ભોજનથી ચિત્તશુદ્ધિ ન થાય. મનના દોષોને જોવા ન દે.’ માટે જેવો આહાર શુદ્ધ એવા વિચારો શુદ્ધ થાય. સંત – સાધુ અને દરેક માટે આ જરૂરી છે.

Most Popular

To Top