ગુ જરાતમાં વરસાદ સંતાકૂકડી રમે છે, મુંબઈ જળબંબાકાર છે, દક્ષિણ ભારત, આસામ જેવા પ્રદેશો વરસાદમાં હજી કેટલી તારાજી થશે તેની ચિંતામાં ભીંજવાઇ રહ્યા છે. આપણે, જે લોકો વરસાદમાં હેરાન થતા હોઇએ, વૉટરલોગિંગની ચર્ચાઓ કરતા હોઇએ તેમને એમ થાય કે માળું આપણે ત્યાં બધું આવું જ થાય છે. જરા સરખો વરસાદ પડે અને જનજીવન ઠપ! પરંતુ આવું તો એવા દેશોમાં પણ થાય છે અને અત્યારે થઇ રહ્યું છે જે દેશોને આપણે વિકસિત અને અત્યાધુનિક માનીએ છીએ.
જેમ કે ઑસ્ટ્રેલિયાના સિડનીમાં અને સિડનીની આસપાસના વિસ્તારોમાં પૂરનાં પાણી એવી રીતે ફરી વળ્યા કે 85000થી વધુ લોકોનાં ઘરો તારાજ થઇ જવાની વકી હતી. જુલાઇના પહેલા અઠવાડિયા પછી નદીઓના પાણી ઓસર્યા અને વરસાદનું જોર જરા ઓછું થયું. છતાં ય સિડનનીની ઉત્તર અને પશ્ચિમે આવેલી હોક્સબેરી-નેપિઅન નદીઓમાં પાણીનું સ્તર પૂરના સ્તરની નજીક જ રહ્યું. સિડનીના અમુક હિસ્સામાં રહેવાસીઓને તાત્કાલિક ઘરો ખાલી કરવાની સૂચના અડધી રાત્રે અપાઇ. ચીનમાં વરસાદે એવી તારાજી સર્જી છે કે ન પૂછો વાત. હોંગકોંગના દક્ષિણપૂર્વીય વિસ્તારોમાં પાણીમાંથી ડઝનેક મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા, આ દુર્ઘટના એટલા માટે ઘટી કે ચાબા ટ્રોપિકલ તોફાને એન્જિનિયર વેસલના બે કટકા કરી દીધા. ચાબા આ વર્ષે ચીનમાં આવેલો પહેલો ઝંઝાવાત – તોફાન છે.
જેના પગલે ભારે વરસાદ અને વંટોળિયો પણ આવ્યા અને જે વિસ્તારો વરસાદ અને વાવાઝોડાને કારણે પાણીમાં તરબોળ હતા તેણે બમણો કહેર ભોગવ્યો.ચીનના વિવિધ પ્રદેશોમાંથી મોટી સંખ્યામાં લોકોને તેમના ઘરો ખાલી કરાવાયા છે. 1961 પછી પહેલી વાર ચીનમાં આટલો બધો વરસાદ પડ્યો છે, ગયા વર્ષે ચીનમાં પૂરને કારણે લગભગ 400 જણનાં મોત થયા હતા. બીજી તરફ USAના યલોસ્ટોન નેશનલ પાર્કમાંથી પસાર થતી નદીમાં જૂન મહિનામાં ફ્લેશ ફ્લડ્ઝ આવ્યા રસ્તા અને પુલ ધોવાઇ ગયા, ગટર લાઇન્સ તૂટી ગઇ અને પાર્કનો સંપર્ક બહારના લોકો સાથે ભાંગી પડ્યો.
હજારો લોકોને પાર્કમાંથી બહાર કઢાયા. 100 વર્ષના ઇતિહાસમાં પાર્કમાં આ રીતે પૂરના પાણી નથી ફરી વળ્યા. વળી આ વર્ષની શરૂઆતમાં આફ્રિકાના ટાપુ દેશ માડાગાસ્કરમાં 40 હજારથી વધુ લોકો પૂરને કારણે બેઘર થઇ ગયા. પૂરની તારાજી સામે લડી રહેલા દેશોની યાદી બહુ લાંબી છે. મલેશિયા, પાકિસ્તાન, ઇક્યુડોર, ઓમાન, બાંગ્લાદેશ, ઇસ્ટ આફ્રિકા, યુરોપ તથા એશિયાઇ દેશો વગેરે. દરેક દેશમાં થયેલા જાનમાલના નુકસાનની યાદી પણ બહુ લાંબી છે. દુનિયાની કુલ વસ્તીના 23 % લોકો પૂરના જોખમનો સીધો સામનો કરતા હોય છે અને આ જોખમનો વિસ્તાર સમયાંતરે બહોળો થઇ રહ્યો છે.
પર્યાવરણમાં આવેલા મોટા ફેરફારો એટલે કે ક્લાઇમેટ ચેન્જ- ગ્લોબલ વૉર્મિંગ આ તારાજી કરતા પૂરનું કારણ છે. ક્લાઇમેટ ચેન્જ એક એવું પર્યાવરણીય નુકસાન છે જે માનવસર્જીત છે પરંતુ માત્ર પર્યાવરણમાં આવેલા ધરખમ ફેરફારો જ આ પ્રકારની કુદરતી આફતોનું કારણ નથી. અંગ્રેજીમાં એક શબ્દ છે ‘અર્બન ફ્લડીંગ’. હાલમાં જે રીતે અલગ અલગ દેશો પૂરનો સામનો કરી રહ્યા છે તેની પાછળ રેઢિયાળ રીતે બંધાયેલા શહેરો, વિચાર્યા વગર થયેલું ટાઉન પ્લાનિંગ, આડેધડ થયેલા ‘વિકાસ’ને કારણે જમીન પર આવેલા દબાણનો મોટો હાથ છે.
પાણીને જવાનો રસ્તો મળે જ નહીં તે રીતે ઊભા કરાયેલા શહેરી બાંધકામ અર્બન ફ્લડિંગનું કારણ બને છે. દુનિયા આખીમાં શહેરોનો વિસ્તાર થઇ રહ્યો છે એ તો ખરું જ પણ વસ્તીની સમસ્યા પણ મોટી થઇ રહી છે. લોકોને સમાવવા માટે માળખાકીય સુવિધાઓ ખડી થાય જેમાં નદી કિનારાના પ્રદેશો, અતિવૃષ્ટિ પછી પૂરના પાણીને વહેવા માટેના મેદાનો કે વેટલેન્ડઝને ગણતરીમાં લેવામાં નથી આવતા.
શહેરીકરણને આંકડાથી જાણવાનો પ્રયાસ કરીએ તો વિશ્વમાં 85 % જેટલા શહેરી વિસ્તારો છેલ્લા 4 દાયકામાં વિસ્તર્યા છે, જે વિસ્તાર 1985માં 6,93,000 Km. હતો તે 2015માં 1.28 મિલિયન થયો છે. 1,45,000 KM2 જેટલા વિસ્તાર એ રીતે વિકસ્યા હતા જ્યાં પૂરનું સીધું જોખમ છે – વળી આ તો 2015ના રિપોર્ટના આંકડા છે- તેમાં બીજા 7 વર્ષના વિસ્તરણનો ઉમેરો પણ કરી લેવો. 1985થી અત્યાર સુધીમાં વિશ્વના 122% જેટલા વિસ્તારો પૂરના જોખમ હેઠળ જીવી રહ્યા છે. ઇસ્ટ એશિયા અને પેસિફિક રિજનમાં જોખમી વિકાસ સૌથી વધુ ઝડપથી થયો છે. વધતી જતી વસ્તીને સમાવવા માટે આપણે જમીનની તંગીનો સામનો પણ કરી રહ્યા છીએ પણ તેમાં કુદરતી પ્રવાહોના આવન-જાવનની ગણતરી કરવાનું ચૂકી જઇએ છીએ. આગામી 30 વર્ષમાં વસ્તી બમણી થવાની છે અને કુદરતી આફતોની વાત કરીએ તો પૂર સૌથી મોટી આફત કહેવાય. પૂર ટાળી ન શકાય તેવું જોખમ છે અને તેનું જોર કેટલું હશે તે કળવું મુશ્કેલ હોય છે. માણસે કુદરત સાથે કરેલા ચેડાનું પરિણામ તેણે ભોગવવું જ રહ્યું અને દર વર્ષે પૂરનો સામનો કરતા દેશોને હવે આ સમજાય તો સારું.
વળી પૂર માત્ર જે-તે રાષ્ટ્રની અમુક વસ્તી પર જ અસર કરે છે તેમ નથી. ખેતી પર તેની અસર થાય એટલે આયાત-નિકાસ પર પણ તેનો પ્રભાવ પડે. જ્યાં આયાત-નિકાસને આધારે અર્થતંત્રની સ્થિરતાનો ક્યાસ કાઢી શકાતો હોય તેવા દેશોના અર્થતંત્ર પર પણ તેની અસર વર્તાય. કુદરતી આફતને કારણે કોઇ એક રાષ્ટ્રના નહીં પણ આખી દુનિયાના અર્થતંત્ર પર અસર પડે છે કારણ કે આ આખું ચક્ર ડોમિનો ઇફેક્ટની માફક ચાલે છે. વર્લ્ડ બૅંકના એક રિપોર્ટ અનુસાર જે વિશ્વના જે લોકો પૂરની અસરમાં આવશે તેમાંથી 89 % નિમ્ન તથા મધ્યમ આવક ધરાવતા દેશોમાં રહે છે. 9.8 ટ્રિલિયન ડોલર્સ જેટલી આર્થિક પ્રવૃત્તિઓ એવા વિસ્તારોમાં થઇ રહી છે જ્યાં પૂરની શક્યતાઓ છે. પૂર સામે રક્ષણ મળે તે માટે પગલાં લઇ શકાય તેવું તંત્ર મોંધું અને સમય માંગી લે તેવું છે, વળી જે બચાવ તંત્ર એક સ્થળે કે એક રાષ્ટ્ર માટે ચાલે તે બીજે ચાલી જ શકે કે લાગુ કરી જ શકાય તેવું જરૂરી નથી.
બાય ધ વેઃ
અન્ય કોઇ પણ કુદરતી આફતની સરખામણીએ પૂરની અસરો વૈશ્વિક સ્તરે વ્યાપક હોય છે. લાખોની સંખ્યામાં લોકો બેઘર થાય છે તો પૂરને કારણે થયેલા નુકસાનનો આંકડો કરોડો ડોલર્સમાં પહોંચે છે. આવનારા વર્ષોમાં દુનિયા આખી પર પૂરનું જોખમ વધી રહ્યું છે કારણ કે વિકાસ સતત થઇ રહ્યો છે, વળી જેટલો વિકાસ વધારે તેટલું નુકસાન પહોંચી શકે તેવી મિલકત, માણસો, તંત્ર બધું જ વધારે. ભૂખમરો, દુકાળ, યુદ્ધ, વાઇરસ પછીની આર્થિક અસ્થિરતા, બદલાતી સરકારો અને તેના ફિતૂરની સાથે સાથે પૂરનું જોખમ નિયંત્રિત કરી શકાય તે દિશામાં વૈશ્વિક સ્તરે ગંભીરતાથી વિચાર કરાય તે અનિવાર્ય છે.