Columns

સ્વપ્રકાશે ઝગમગતું પુંસરી ગામ

થોડા વર્ષો પૂર્વે પુંસરી ગામ ક્યાં આવેલું છે એમ કોઈ પૂછે તો આપણે જવાબ આપી શકતા ન હતા પણ આજે દેશભરમાં પુંસરી ગામ તેના ‘બાયોગેસીફાયર’ પ્લાન્ટને કારણે પ્રખ્યાત બન્યું છે. (દેશનું રોલ મોડેલ બની ચૂકેલું એ ગામ સાબરકાંઠાના તલોદ તાલુકામાં આવેલું છે) એ ગામની ગણતરી આમ તો ગ્રામીણ ઈલાકામાં થાય છે પણ શહેરને શરમાવે એવી વાઈ–ફાઈ કનેક્ટીવિટી ત્યાં ઊભી કરવામાં આવી છે. એ ઉપરાંત CCTV કેમેરા, એરકન્ડિશન્ડ સ્કૂલ, RRCના ખૂબ સુંદર રસ્તાઓ, તેમ જ RO પ્લાન્ટ જેવી અદ્યતન સુવિધાઓથી સજ્જ થયું છે.

એ ગામ હવે વીજળીની બાબતમાં પણ સ્વનિર્ભર બન્યું છે. આજકાલ મોદી આત્મનિર્ભર કે સ્વનિર્ભર શબ્દોનો વધુ ઉપયોગ કરે છે. તેમના શબ્દોને ખરા અર્થમાં એ ગામે સાર્થક કરી બતાવ્યા છે. પુંસરી ગામે પોતાની ગ્રામપંચાયત દ્વારા ‘બાયોગેસીફાયર’ પ્લાન્ટ ઊભો કર્યો છે. તેમાંથી ગામની 250 વોટની 60 સ્ટ્રીટ લાઈટ ચાલે છે. પુંસરી ગામ પોતાના પ્રકાશે ઝગમગી રહ્યું છે. એના રસ્તાઓ પરનું અજવાળું GEBનું ઓશિયાળું રહ્યું નથી. ગામના લગભગ તમામ ઈલેક્ટ્રિક ઉપકરણો આ પ્લાન્ટ દ્વારા ચાલે છે. દેશનું એ પહેલું એવું ગામ છે જેમાં ગ્રામપંચાયત દ્વારા એક મીની પાવરસ્ટેશન ઊભું કરવામાં આવ્યું છે જે દ્વારા ગામના તમામ ઈલેક્ટ્રિક ઉપકરણોને ઊર્જા મળે છે. એ કારણે ગ્રામ પંચાયતને દર મહિને 8થી 9 હજારનો ફાયદો પણ થાય છે. 

પુંસરી ગામ આપણા પાટનગર ગાંધીનગરથી 80 કિલોમીટર દૂર આવેલું છે. પ્રારંભે પૂરો વિકાસ થયો ન હતો ત્યારે (એટલે કે 2006 સુધી) ત્યાં અન્ય ગામોની જેમ જ રસ્તા, પાણી, લાઈટ વગેરેની અનેક સમસ્યાઓ હતી પણ ગામ લોકોના રચનાત્મક અભિગમને કારણે તેમણે સૌએ ભેગા મળી ગામને ગોકુળિયું ગામ બનાવવાનું સપનું સાકાર કર્યું છે. રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો ભરપૂર લાભ લઈ આજે ગામમાં અત્યાધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. આપને જાણીને આશ્ચર્ય થશે કે માત્ર 5500ની જનસંખ્યા ધરાવતું એ ગામ વીજળી બાબતમાં સંપૂર્ણ સ્વનિર્ભર બન્યું છે. ગ્રામ પંચાયતને કેન્દ્ર સરકારની ‘બેકવર્ડ રિજન્સ ગ્રાન્ટ’ ફંડ અંતર્ગત રૂ. 90 લાખનું દાન મળ્યું છે. જેમાંથી ગામલોકોએ 100 બાય 100 મીટર જગ્યામાં બાયોગેસીફાયર પ્લાન્ટ ઊભો કર્યો છે. 40 કિલોવોટ ક્ષમતાનો એ પ્લાન્ટ શરૂ થતાં આજે ગ્રામ પંચાયત તેમજ ગામની 250 વોટની 60 સ્ટ્રીટ લાઈટની જરૂરિયાત પૂરી થાય છે.

તાત્પર્ય એટલું જ કે એ પ્રોજેક્ટથી પુંસરી ગામની કાયાપલટ થઈ ગઈ છે. ગામમાં ઉત્પન્ન થતા ઘન કચરાના નિકાલની સમસ્યા ટળી ગઈ છે. ગ્રામ પંચાયતને વીજ બિલમાંથી સંપૂર્ણ મુક્તિ મળી છે. વધારાની વીજળીના વેચાણથી પંચાયતની આર્થિક સધ્ધરતા પણ મજબૂત બની છે. તે ઉપરાંત બાયોપ્રોડક્ટ કોલસી કિલોના ભાવે વેચવાથી ગામને વધારાની આવક પણ થાય છે તે ફાયદો વધારામાં. દોસ્તો, વિચારો.. દેશનું પ્રત્યેક ગામ આવું સ્વનિર્ભર બની રહે તો દેશને કેટલો ફાયદો થઈ શકે? એ માટે  સરકારે ખાસ પ્રયાસો કરવા જોઈએ કેમ કે દેશને નિ:શુલ્ક વીજળીની પહેલાં કદી ન હતી એટલી જરૂરિયાત આજે છે. દેશ 22મી સદી તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે. ત્યારે 15th ઓગસ્ટે ત્રિરંગાને 21 તોપોની સલામી આપીને બેસી રહેવા કરતાં સેંકડો શોધોને સલામી આપી તેનું ઉમળકાભેર સ્વાગત કરવું જોઈએ.

 થોડા વર્ષો પૂર્વે એલ્વિન ટોફલરની સુપ્રસિદ્ધ બુક ‘થર્ડ વેવ’ આવી હતી. એમાં લેખકે દુનિયાના ક્રમિક વિકાસનું સુંદર આલેખન કર્યું હતું. એમણે લખ્યું છે કે પહેલું મોજું હતું કૃષિ ક્રાન્તિનું. માણસના ભટકું જીવનને તેનાથી એક નવો આકાર મળ્યો. આખી દુનિયામાં ખેતીપ્રધાન સંસ્કૃતિ પેદા થઈ. તેમાં મનુષ્યનું દૈહિક બળ અને પશુબળ ઊર્જાના મુખ્ય સ્ત્રોત હતાં. કુંભારનો ચાકડો અને ગાડાનું પૈંડું નવી સંસ્કૃતિની આધારશિલા બની રહ્યા. બીજું મોજું આવ્યું ઔદ્યોગિક ક્રાંતિનું. તેનો વેગ એવો ધસમસતો હતો કે ઉદ્યોગવાદ અને ભૌતિકવાદે ભેગા મળી બધું જ બદલી નાખ્યું. એક બજારુ સંસ્કૃતિ ઊભી થઈ. એમાં કોલસો, ગૅસ અને તેલ ઊર્જાના મુખ્ય સ્ત્રોત હતાં. ફેક્ટરીના સંચાના ચક્રો નવી સંસ્કૃતિની આધારશિલા બની રહ્યા. હવે ત્રીજું મોજું ઊઠી રહ્યું છે માનવીય ક્રાન્તિનું. હવે બજારુતાનો અંત આવશે અને વિજ્ઞાન, ટૅક્નોલોજી, ઉદ્યોગ ધંધા.. બધાને જ માનવીય પરિમાણ સાંપડશે. જેને અસલ માનવીય કહી શકાય એવી નૂતન સંસ્કૃતિ પાંગરશે. ઊર્જાનો મુખ્ય સ્ત્રોત સૂર્ય બનશે. સમગ્ર સૃષ્ટિ તેમ જ બ્રહ્માંડ સાથેના સૂર્યના સુસંવાદથી સંસ્કૃતિનો ઝળહળતો વિકાસ થશે.’ (જોયું ટોફલર કેટલો સાચો હતો?)

ધૂપછાંવ
ડોર ટુ ડોર ઉઘરાવાતો ઘનકચરો, લાકડાનો વેસ્ટેજ, તેમ જ પ્લાન્ટના કન્વર્ટરની મદદથી ગોબર વગેરેને બોયલરમાં નાખીને સળગાવવામાં આવે છે. તેમાંથી ઉત્પન્ન થતાં ગેસથી જનરેટ થતી વીજળી પેનલ મારફતે સપ્લાય કરવામાં આવે છે. રોજ સવારે છ થી સાંજે છ સુધી પ્લાન્ટ કાર્યરત રહે છે. જેની દેખરેખ માટે પુંસરી ગામના યુવાનોને ખાસ ટ્રેનિંગ પણ આપવામાં આવે છે.

Most Popular

To Top