નવી દિલ્હી: પંજાબમાં (Punjab) ખાલિસ્તાન (Khalistan) સમર્થક અમૃતપાલ સિંહ સામે પોલીસ (Police) મોટા એકશનો લઈ રહી છે. અમૃતપાલ સિંહને પોલીસે ગુનેગાર જાહેર કરી દીધો છે અને સમગ્ર પંજાબમાં તેની શોધખોળ કરવામાં આવી રહી છે. અમૃતપાલના 78 જેટલા સમર્થકોની પોલીસે ધરપકડ કરી છે. આ ઉપરાંત અમૃતપાલના ગનર અને ફાઈનાન્સરની પણ પોલીસે ધરકપડ કરી લીધી છે. આ ઉપરાંત પંજાબ સરકારે સમગ્ર રાજયમાં 20માર્ચ એટલે કે સોમવાર સુધી બપોરના 12 વાગ્યા સુધી ઈન્ટરનેટ સેવા બંધ કરી દીધી છે. આ ઉપરાંત પંજાબ પોલીસે અમૃતપાલને ભાગેડુ જાહેર કર્યો છે.
પંજાબ સરકારના ગૃહ ન્યાય મંત્રાલ પાસેથી જાણકારી મળી આવી છે કે પંબાજમાં જનતાના કલ્યાણ માટે મોબાઈલ ઈન્ટરનેટ સેવા, SMSસેવા અને વોયસ કોલને છોડીને મોબાઈલ નેટવર્ક પર મળતી તમામ ડોંગલ સેવા સોમવાર બપોરે 12 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે. રવિવારના રોજ અમૃતપાલ સિંહના ડ્રાઈવરની જલંધરથી ધરપકડ કરવામાં આવી છે. જેના આધારે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે અમૃતપાલ પણ જલંધરમાં જ હોવો જોઈએ. પોલીસની ચાંપતી નજર દરેક જગ્યાએ છે તેમજ તમામ ગાડીઓની પણ તપાસ કરવામાં આવી રહી છે. ઉપરાંત પંજાબમાં આજથી બે દિવસ માટે સરકારી બસ સેવાઓ પણ બંધ રહેશે. સરકારી આદેશ અનુસાર, સોમવાર અને મંગળવારે પંજાબ રોડવેઝ અને પનબસની કોઈ બસ દોડશે નહીં.
જલંધરના સીપી કેએલ ચહલે જાણકારી આપી છે કે લગભગ 20થી 25 કિલોમીટર સુધી પોલીસે અમૃતપાલનો પીછો કર્યો હતો પણ તે ભાગવામાં સફળ રહ્યો હતો. પરંતુ પોલીસના હાથે તેની 2 ગાડી અને ધણાં હથિયારો હાથ લાગ્યા હતા. પોલીસ પાસેથી જાણકારી મળી આવી છે કે તેઓ તેની તપાસમાં લાગી છે અને ટૂંક જ સમયમાં તેને પકડી લેશે.
જાણો કોણ છે અમૃતસિંહ પાલ અને શા માટે કરવામાં આવી રહી છે તેની ધરપકડ
‘વારિસ પંજાબ દે’ સંસ્થાના ચીફ અમૃતપાલ સિંહ ખાલિસ્તાનના સમર્થનમાં આંદોલન ચલાવે છે. તેના પર આરોપ છે કે તે પંજાબના યુવાનોને કટ્ટરપંથી બનાવે છે અને અલગ ખાલિસ્તાન દેશ માટે ઉશ્કેરે છે. અમૃતપાલ વિરુદ્ધ કાર્યવાહી ગઈકાલે બપોરે જ શરૂ થઈ ગઈ હતી. 23 ફેબ્રુઆરીના રોજ અમૃતપાલે તેના સમર્થકો સાથે તેના એક સાથીને છોડાવવા માટે અમૃતસરના અજલાના પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો. આ જ કેસમાં હવે પોલીસ એક્શનમાં છે. તેની તલાશીની સાથે સરહદી વિસ્તારમાં પણ સતર્કતા રાખવામાં આવી રહી છે.
અમૃતસરમાં G20 દેશોની લેબર લો પર બે દિવસીય સંમેલન
રવિવારથી અમૃતસરમાં G20 દેશોની લેબર લો પર બે દિવસીય સંમેલન પણ શરૂ થઈ રહ્યું છે. મોટાભાગના વિદેશી પ્રતિનિધિઓ સંમેલનમાં ભાગ લેવા માટે શનિવારે જ અમૃતસર પહોંચ્યા હતા. આ કોન્ફરન્સ અમૃતસરની ખાલસા કોલેજ અને ગુરુ નાનક દેવ યુનિવર્સિટી (GNDU)માં યોજાઈ રહી છે. જેને લઈને કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસે અમૃતસરના તમામ મુખ્ય માર્ગો પર નાકાબંધી કરી દીધી છે.