Charchapatra

માત્ર એક કવિતામાં સજા!

ભારતમાં પ્રાચીન કાળથી વાણી સ્વાતંત્ર્યને સ્થાને છે જ અને લોકશાહીમાં તેનો સ્વીકાર પણ છે. કણાદ જેવા નાસ્તિકને પણ સ્થાન આપીને તેના વિચારો કે વાણીને સાચવીને આજ સુધી તે મુજબ મૂલ્યાંકન થાય જ છે. આ વાત એટલા માટે યાદ આવી કે હમણાં હમણાં ડો. મનોજ હરિલાલ જોષી જે સૌરાષ્ટ્ર યુનિ.ના ગુજરાતી ભવનના અધ્યક્ષ છે તેને પોતાની કવિતા ‘રોજ રોજ કૌભાંડો જ આવે બોલ ભાઇ ભજીયા શે ભાવે, કોઇ ફસાયા કેસ મહીં તો કોઇ થયા સસ્પેન્ડ’ ડો. જોષીને આ કવિતા લખવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા!

બોલો હવે આમાં કોઇ વ્યકિત, સંસ્થા, સમાજ કે રાજકીય (કે એવી) પાર્ટીને ઉદે્શીને કયાં લખાયું છે? ભળતી પાઘડી કે ટોપી પહેરી લેનારને શું કહેવું? આ રીતે શું કામ કોઇએ પોતાને જ લાગુ પડે છે તેમ માની માથે લેવું જોઇએ? આ તો નર્યો ખેલદિલીનો અભાવ જ છે. કૌભાંડો થાય કે બહાર આવે (હું તો કહું છું કે કૌભાંડો બહાર લાવવા જ જોઇએ) તો પ્રતિક્રિયા થાય જ. એકશન અને રીએકશન એ તો સામાજિક તો ઠીક છે પણ વૈજ્ઞાનિક બાબત છે. આ તો પહેલી કહેવત છે ને કે નબળો ધણી બૈરી પર શૂરો?! ડો. મનોજ જોષીને સમાજમાંથી સાથ સહકાર મળવો જોઇએ. વીર નર્મદ કે જ્ઞાની કવિ અખો કે સુધારાવાદી રાજા રામમોહન રાય, લોકમાન્ય તિલક, જયપ્રકાશ નારાયણ કે મહાન સંત કબીર સાહેબ વગેરેની હરોળમાં બેસે એવું લખાણ કે વિચાર ડો. મનોજ જોષીના છે!

હું તો પૂછીશ કે ગુજરાતના સ્પષ્ટવકતા જય વસાવડા ગુણવંત શાહ વગેરે કેમ ચૂપ છે? (ચંદ્રકાંત બક્ષી બક્ષીનામાની યાદી આવી જ જાય) જો અત્યારે ઝવેરચંદ મેઘાણી કે ગાંધીજી  જીવિત હોય તો કવિતા બદલ કવિને જરૂર બિરદાવે જ! પીઠ પણ થાબડે જ! ખેર, આ વિષયે હજુ જોઇએ એવો વાવંટોળ શરૂ નથી થયો તે પણ ગુજરાતી વિચારકો, સમાજસુધારોની આળસ કે આપણે શું એવી વૃત્તિ સૂચવે છે? આશાછે ડો. જોષીને યોગ્ય ન્યાય મળશે જ.
બોટાદ   – મનજીભાઇ ડી. ગોહિલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

વરસાદની ઋતુ માણતાં શીખો
વરસાદની મોસમ એટલે આમ તો કેટલાકને મન તો કાદવ કિચ્ચડ ગંદકી મચ્છર માખી અને બિમારીના ઉપદ્રવની મોસમ. વાતમાં તથ્ય પણ છે જ, પણ પ્રત્યેક જીવન માટે વરસાદ અનિવાર્ય જરૂરિયાત છે અને દરેકની જેમ જ વરસાદનાં સારાં-નરસાં બંને જ પાસાં હોવાના અને છે જ. ઉનાળુ ગરમી વેઠી પાનખર પામેલાં વૃક્ષોને વરસાદમાં નહાતાં જોઈએ પુન: લીલી કૂંપળો પામતાં જોઈએ ત્યારે કુદરતની અદભુત લીલોતરી લીલાનો અનુભવ અનેરો જ આનંદ આપે છે. તો વળી પહેલા વરાસદ થકી ભીંજાતાં ધરતી માતાથી પ્રસરતી મધુર મહેક અનોખી તાજગી આપે.

તો વળી વરસાદમાં પવનના સુસવાટા થકી છત્રી આપણી કે બીજાની કાગડો થઈ જવું હોઠ પર હાસ્યની લેહરખી સાથે તો નાનાં બાળકોનું ભરાયેલ પાણીમાં છબછબિયાં કરવું મોટેરાને બચપનની યાદોનાં ઝૂલે ઝુલાવી જાય તો પાસેથી પસાર થતાં વાહનો જ્યારે કીચડથી નવડાવી દે ત્યારે મગજને ઉશ્કેરી પણ મૂકે. મદમસ્ત મોસમ અને યુવાનીનું છલકતું યૌવન ભીનીભીની કવિતા કરવાનું કવિ માટે પ્રેરણા બની રહે તો પ્રેમીજનો માટે તો વરસાદ યોગ-વિયોગના સંદેશનો ‘મેઘદૂત’બની રહે છે. એમ વર્ષાઋતુ તો વર્ષા રાણી જ કહી શકાય. છતાં એક કહેવત બોલાય ‘વરસાદ’અને વહુને જશ નથી હોતો’જે હોય તે પણ જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ પણ અમસ્તું નથી કહેવાયું.
નવસારી – ગુણવંત જોષી  – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top