આણંદ: બોરસદ નગરમાં અનેક પાણી ટાંકી હોવા છતા રહીશો દ્વારા પાણીના નળ ખુલ્લા રાખી દેતા પાણીની અછત સર્જાતી હોવાની બુમ ઉઠી રહી છે. સાથે સાથે પાણી ઢોળાતા ગંદકી પણ ફેલાઈ રહી છે. જેના પગલે બોરસદ નગરપાલિકા પ્રમુખ તથા અન્ય કાર્યકારોએ પાણીનો બગાડ અટકાવવા પગલા ભરવાની ચીમકી આપી છે. બોરસદ નગરમાં અમુક પરીવાર દ્વારા નળ ખુલ્લા રાખી દેતા પાણીનો બગાડ કરે છે જેના કારણે ગંદકી ફેલાઈ રહી હતી અને આ પાણીના ખાબોચ્યા ભરાતા શહેરમાં ડેંગ્યુ જેવા રોગચાળો ફેલાઈ રહ્યા છે.
આથી, બોરસદ નગરપાલિકા પ્રમુખ આરતી પટેલ, સેનેટરી ઈન્પેક્ટર રાજેશભાઈ બ્રહ્મભટ્ટ, ટેક્ષ વિભાગના પ્રશાંત, પાલીકા કર્મચારી રીતેશ ઠાકર તથા અન્ય કર્મચારીઓ દ્વારા સવારના 6 વાગ્યાથી બોરસદ શહેરમાં ફરીને લોકોને પાણીનો બગાડ ન કરવા તથા શહેરને સ્વચ્છ રાખવા માટે સમજાવ્યા હતા. આ વિશે બોરસદ નગરપાલિકા પ્રમુખએ જણાવ્યું હતું કે, બોરસદ તાલુકાના રહીશોને પાણીના બગાડ માટે પ્રથમ પણ નોટીસ આપવામાં આવી હતી પરતું સ્થિતિમાં ફરક જણાયો ન હતો. જેના સદર્ભમાં રહીશને પાંચ વખત નોટીસ આપ્યા બાદ તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે જેમાં તેમના ઘરમાં પાણીના મીટર બેસાડવામાં આવશે.