SURAT

પુણાના સમ્રાટ એપાર્ટમેન્ટને રાતોરાત ખાલી કરાવાયું, રહીશો રસ્તા પર રઝળતા થઈ ગયા

સુરત: ખાડી કિનારે ગેરકાયદે રીતે તાણી દેવાયેલા સમ્રાટ એપાર્ટમેન્ટમાં તિરાડો પડતાં મોડી સાંજે પુણા વિસ્તારમાં દોડાદોડી થઈ જવા પામી હતી. મનપાએ તાકીદના ધોરણે આ એપાર્ટમેન્ટમાં રહેતા ચાર પરિવારને કોમ્યુનિટી હોલ સહિતના શેલ્ટર હોમમાં મોકલી દીધા હતા. જ્યારે કેટલાક પોતાના સંબંધીઓના ઘરે જતાં રહ્યા હતા.

  • ખાડીના બીમની નીચેથી ડ્રેનેજ લાઈન પસાર કરવામાં આવતાં ઘટના બની
  • એપાર્ટ.ની દુકાનોમાં તિરાડો પડી, એક ભાગ બેસી જતાં દિવાલ અને પતરું ખાડીમાં પડ્યા
  • મનપાના અધિકારીઓએ તાત્કાલિક દોડવું પડ્યું, ચાર ફ્લેટ ખાલી કરાવાયા
  • ચાર પરિવારના 20 જેટલા સભ્યોને કોમ્યુનિટી હોલમાં શિફ્ટ કરવામાં આવ્યા

ડ્રેનેજ લાઈન નાખવા માટે ખાડીના બીમ ખોદીને તેમાંથી લાઈનો નાખવામાં આવી હોવાને કારણે એક તરફનો ભાગ બેસી જતાં આ એપાર્ટમેન્ટનો પાયો પણ હલી ગયો હતો. જેને પગલે કોઈ મોટી હોનારત સર્જાય તે પહેલા જ તકેદારીના ભાગરૂપે એપાર્ટમેન્ટને ખાલી કરાવી દેવામાં આવ્યો હતો.

ઘટનાની વિગતો પ્રમાણે, પૂણા વિસ્તારમાં સમ્રાટ એપાર્ટમેન્ટથી અશોક વાટિકાથી સહયોગ સોસાયટી તરફની ડ્રેનેજ લાઈન નાખવામાં આવી હતી. ડ્રેનેજ લાઈનની ઊંડાઈ 20થી 22 ફૂટ હતી. ખાડી ઉપરથી ડ્રેનેજ લાઈન લઈ જવાનો પ્રયાસ કર્યો પરંતુ તેનું લેવલ મળતું ન હોવાથી ખાડીના નીચેથી 20થી 22 ફૂટ ખોદીને ડ્રેનેજ લાઈન લઈ જવામાં આવી છે.

ખાડીના જે બીમ હતા તે જેસીબીથી ખોદી નાખવામાં આવ્યા અને નીચેથી પાઇપલાઈન નાખવામાં આવી હતી. જેથી ખાડીનો જે એક સાઈડનો ભાગ હતો તે એકાએક બેસી ગયો હતો. કોર્પોરેશન દ્વારા ત્યાં ખાડી ઉપર જે જગ્યા બેસી ગઈ હતી ત્યાં પુરાણ કરીને કપચી વગેરે નાખી તત્કાલિક પુરાણ કામ કર્યું હતું.

જોકે, ડ્રેનેજ લાઈનની કામગીરી બાદ ખાડીનો એક ભાગ બેસી જવાથી સુરત મનપાના ઈસ્ટ-એ ઝોનની દબાણ શાખાના કર્મચારીઓએ તાત્કાલિક ધોરણે સમ્રાટ એપાર્ટમેન્ટ પહોંચી ફ્લેટને બંધ કરાવવાનું શરૂ કરી દીધું હતું. નાના નાના બાળકો અને મહિલાઓ સાથે 4 પરિવારોના અંદાજે 20 જેટલી વ્યક્તિઓને એપાર્ટમેન્ટમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાંથી કેટલાકને કોમ્યુનિટી હોલમાં શિફ્ટ કરાયા હતા. જ્યારે કેટલાક પોતાના ફ્લેટ ખાલી કરીને પોતાના નજીકના સંબંધીઓને ઘરે પહોંચ્યા હતા.

ઘટનાસ્થળે એક રહીશે જણાવ્યું હતું કે જ્યારે તેમના દ્વારા દબાણ ખાતાના કર્મચારીઓને પુછવામાં આવ્યું ત્યારે આ દબાણ ખાતાના સુપરવાઈઝર ભાવિને એવું જણાવ્યું હતું કે, આ એપાર્ટમેન્ટને શા માટે ખાલી કરાવવામાં આવ્યો તેની તેમને ખબર નથી. ઉપરી અધિકારીઓએ કહ્યું કે, એપાર્ટમેન્ટ ખાલી કરાવો અને પરિવારોને શિફ્ટ કરો, તેને કારણે અમે ખાલી કરાવી રહ્યા છે.

ઘટનાની કેવી રીતે ખબર પડી…?
સુરત મહાપાલિકા દ્વારા આ સ્થળે ખાડી કિનારે પ્રોટેકશન વોલ અને તેની સાથે પતરું મારવામાં આવ્યું હતું. આ પતરું આજે સાંજના સમયે ખાડીમાં પડી ગયું હતું. જેને કારણે અધિકારીઓ ત્યાં જોવા જતાં એવું ધ્યાને આવ્યું હતું કે, જમીન બેસી રહી છે. એપાર્ટમેન્ટનો પાયો હલી ગયો છે. એપાર્ટમેન્ટમાં તપાસ કરવામાં આવતા એપાર્ટમેન્ટની દુકાનોમાં પણ તિરાડો જોવા મળી હતી. જેને કારણે ઉપરી અધિકારીઓને જાણ કરાઈ હતી અને બાદમાં આખો સ્ટાફ દોડ્યો હતો અને એપાર્ટમેન્ટને ખાલી કરાવ્યો હતો.

એક માળના આ એપાર્ટમેન્ટમાં તમામ ભાડુઆતો જ રહે છે
આ અંગે તપાસ કરવામાં આવતા એવું જાણવા મળ્યું હતું કે, આ ગ્રાઉન્ડ ફ્લોર અને એક માળના એપાર્ટમેન્ટને ખાનગી માલિક દ્વારા ગેરકાયદે રીતે જ તાણી દેવામાં આવ્યું હતું. આ સમ્રાટ એપાર્ટમેન્ટમાં ભોંયતળિયે દુકાનો હતી. જ્યારે ઉપરના માળે ફ્લેટ બનાવવામાં આવ્યા હતા. આ તમામ ફ્લેટ ભાડે આપવામાં આવ્યા હતા. ઘટના બન્યા બાદ એપાર્ટમેન્ટ ખાલી કરાવવામાં આવતા મકાનમાલિક આવીને એપાર્ટમેન્ટમાં તાળા મારી ગયો હતો.

ઘટના અંગે સઘન તપાસ કરવામાં આવશે
ઝોનના ઉચ્ચ અધિકારીઓએ ઘટના અંગે જણાવ્યું હતું કે, ગેરકાયદે ઊભા કરી દેવામાં આવેલા આ એપાર્ટમેન્ટની તપાસ કરવામાં આવશે. જરૂર જણાશે તો એપાર્ટમેન્ટને તોડી પાડવામાં આવશે. આ માટે મકાનમાલિકને નોટિસ પણ આપવામાં આવશે. હાલમાં આ એપાર્ટમેન્ટ ખાડીપૂરની અસરમાં આવે જ છે. જેથી ગમે ત્યારે તેનું ડિમોલિશન કરવાનું જ હતું.

સુરત: અક્ષરધામ એપાર્ટમેન્ટના 85 ફ્લેટ સીલ, રહેવાસીઓ બેઘર
સુરતના છાપરાભાઠા-અમરોલી રોડ પર આવેલા અક્ષરધામ એપાર્ટમેન્ટના 9 જર્જરિત બિલ્ડિંગોમાં જાનહાનીના ભયને પગલે સુરત મહાનગરપાલિકાએ કડક પગલાં લીધા. કતારગામ ઝોનની ટીમે રિપેરિંગની નોટિસ આપી હતી, પરંતુ રહીશો કે સંચાલકો દ્વારા સમયસર કાર્યવાહી ન થતાં 23 જુલાઈએ 85 ફ્લેટ સીલ કરી વસવાટ ખાલી કરાવ્યો.

ટાઉન પ્લાનિંગ સ્કીમ નં. 70 હેઠળના આ બિલ્ડિંગોના સ્ટ્રક્ચરમાં તિરાડો અને ધસારા જોવા મળ્યા હતા. કાર્યવાહી દરમિયાન હાઇડ્રોલિક, ડ્રેનેજ, વીજળી અને ગેસ જોડાણો કાપી દેવાયા. રહેવાસીઓએ મુગલીસરા પાલિકા કચેરીએ વિનંતી કરી, પરંતુ સહકાર ન મળતાં નિરાશ થયા. આ કાર્યવાહી જોખમ ટાળવા માટે અનિવાર્ય હતી

Most Popular

To Top