Business

દેશની પહેલી સોલાર કાર ‘ઈવા’ લોન્ચ, કિંમત માત્ર 3.25 લાખ

દેશની રાજધાની દિલ્હીમાં ચાલી રહેલા ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પો (BMGE 2025)નો આજે તા. 18 જાન્યુઆરીએ બીજો દિવસ પણ ખૂબ જ આકર્ષક રહ્યો હતો. એક્સ્પોમાં પૂણે સ્થિત ઇલેક્ટ્રિક વાહન સ્ટાર્ટ-અપ કંપની વેવી મોબિલિટી (Vayve Mobility) એ આજે ​​સત્તાવાર રીતે દેશની પહેલી સૌર ઉર્જાથી ચાલતી કાર વેવી ઈવા (Vayve Eva) વેચાણ માટે લોન્ચ કરી છે. આ ઈલેક્ટ્રિક કારની શરૂઆતી કિંમત માત્ર 3.25 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) નક્કી કરવામાં આવી છે.

આ ઈલેક્ટ્રિક કારનું પ્રોટોટાઈપ મોડલ ગયા ઓટો એક્સપોમાં દુનિયા સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું. જોકે, કંપનીએ આ કારમાં અગાઉના મોડલની સરખામણીમાં ઘણા ફેરફાર કર્યા છે. તેની પહોળાઈ વધારવામાં આવી છે અને પાછળના ટાયરને પણ રિપોઝિશન કરવામાં આવ્યું છે. જે કેબિનની જગ્યા વધારવામાં મદદ કરે છે.

સ્ટાર્ટ-અપ કંપનીનો દાવો છે કે આ દેશની પ્રથમ સૌર ઉર્જાથી ચાલતી ઇલેક્ટ્રિક કાર છે. આ કારને શહેરી વિસ્તારોમાં ડેઈલી મુસાફરીને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે, જે તમારી દૈનિક ટૂંકી સફર માટે એક પરફેક્ટ વિકલ્પ સાબિત થઈ શકે છે.

કારનો લુક અને ડિઝાઇન
વેવી ઈવા (Vayve EVA)માં આગળની તરફ સીંગલ સીટ આપવામાં આવી છે જે ડ્રાઈવર માટે છે. પાછળની સીટ થોડી પહોળી રાખવામા આવી છે, જેના પર એક પુખ્ત અને બાળક બેસી શકે છે. ડ્રાઇવિંગ સીટની બાજુમાં દરવાજાની અંદરની તરફ ફોલ્ડિંગ ટ્રે આપવામાં આવી છે, જેના પર લેપટોપ વગેરે રાખી શકાશે. આ ડ્રાઇવિંગ સીટ 6-વે એડજસ્ટેબલ છે, આ સિવાય કારમાં પેનોરેમિક સનરૂફ છે.

કારની સાઈઝ
કારની સાઈઝની વાત કરીએ તો તેની લંબાઈ 3060 mm, પહોળાઈ 1150 mm, ઊંચાઈ 1590 mm અને ગ્રાઉન્ડ ક્લિયરન્સ 170 mm છે. તેમાં આગળના ભાગમાં ડિસ્ક બ્રેક અને પાછળના વ્હીલમાં ડ્રમ બ્રેક્સ છે. ઇલેક્ટ્રિક પાવર સ્ટીયરિંગથી સજ્જ આ કારની ટર્નિંગ રેડિયસ 3.9 મીટર છે. આ રીઅર વ્હીલ ડ્રાઇવ કારની ટોપ સ્પીડ 70 કિલોમીટર પ્રતિ કલાક છે.

કારનું ઈન્ટિરિયર
નાની કાર હોવા છતાં કારના ઈન્ટીરીયરમાં સારી જગ્યા આપવાના તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે. તેમાં એર કંડીશન સાથે એપલ કાર પ્લે અને એન્ડ્રોઇડ ઓટો કનેક્ટિવિટી સિસ્ટમ છે. તેની પેનોરેમિક સનરૂફ કારના ઈન્ટિરિયરને વધુ સ્પેસિયસ લુક આપે છે. જ્યારે તમે કારની અંદર બેસો છો, ત્યારે તમને એવું લાગતું નથી કે તે નાની છે.

ડ્રાઇવિંગ રેન્જ
આ એક પ્લગઇન ઇલેક્ટ્રિક કાર છે અને તેમાં 14Kwh ક્ષમતા (Li-iOn) બેટરી પેક છે. તેમાં લિક્વિડ કૂલ્ડ ઇલેક્ટ્રિક મોટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે 12kWનો પાવર અને 40Nmનો ટોર્ક જનરેટ કરે છે. સિંગલ સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સથી સજ્જ આ કારમાં રિજનરેટિવ બ્રેકિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે બેટરીની શક્તિમાં થોડો વધારો કરે છે. કંપનીનો દાવો છે કે આ કાર સિંગલ ચાર્જ પર 250 કિલોમીટર સુધીની ડ્રાઈવિંગ રેન્જ આપે છે. તેમાં આપવામાં આવેલી સોલાર પેનલનો ઉપયોગ કારના સનરૂફની જગ્યાએ કરી શકાય છે.

ચાર્જિંગ
આ કારને શહેરની અંદર શોર્ટ ડિસ્ટન્સ માટે ડિઝાઇન કરવામાં આવી છે. આ કારનું કુલ વજન 800 કિલો છે અને તે વધુમાં વધુ 250 કિલો વજન ઉપાડવામાં સક્ષમ છે. કારની બેટરીને સામાન્ય ઘરગથ્થુ (15A) સોકેટમાંથી સરળતાથી ચાર્જ કરી શકાય છે. તેની બેટરીને ડોમેસ્ટિક સોકેટમાંથી સંપૂર્ણ ચાર્જ થવામાં અંદાજે 4 કલાક લાગે છે, જ્યારે ડીસી ફાસ્ટ ચાર્જર (CCS2)થી તેને સંપૂર્ણપણે ચાર્જ થવામાં માત્ર 45 મિનિટનો સમય લાગશે.

Most Popular

To Top