National

પુણે પોર્શ કાંડ: સગીર આરોપીના દાદાની પોલીસે ધરપકડ કરી, ડ્રાઇવરે કરી હતી ફરિયાદ

નવી દિલ્હી: પૂણે પોર્શ કાર (Pune Porsche car) હિટ એન્ડ રન કેસમાં (Hit and run case) પોલીસે સગીર આરોપીના દાદાની ધરપકડ કરી હતી. સગીરના દાદા પર ડ્રાઈવરને (Driver) ખોટુ નિવેદન આપવા માટે ધમકાવવાનો આરોપ હતો. આરોપીના પરિવારજનો ઇચ્છતા હતા કે ડ્રાઇવર પોલીસને નિવેદન આપે કે અકસ્માત (Accident) સમયે તે કાર ચલાવતો હતો. આ પહેલા કોર્ટે મુખ્ય આરોપી અને સગીરના પિતા વિશાલ અગ્રવાલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા હતા.

પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, સગીરના દાદા સુરેન્દ્ર અગ્રવાલે ડ્રાઈવરને ધમકી આપી હતી અને તેને ઘરે જવા દીધો ન હતો. જેના કારણે ડ્રાઈવરે સુરેન્દ્ર અગ્રવાલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, આ ફરિયાદના આધારે સુરેન્દ્ર અગ્રવાલ પર અપહરણનો આરોપ પણ લગાવવામાં આવ્યો હતો. તેમજ આઈપીસીની કલમ 365, 366 અને અન્ય કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયો છે
અગાઉ આ કેસમાં અન્ય 5 આરોપીઓને પણ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. તમામ આરોપીઓની પોલીસ કસ્ટડી પુરી થયા બાદ તેમને ફરી એકવાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન કોર્ટે તેમની જ્યુડિશિયલ કસ્ટડી વધારી દીધી હતી.

આ સાથે જ કોર્ટે સગીર આરોપી વિશાલને જુવેનાઈલ રિમાન્ડ હોમમાં મોકલી દીધો હતો. આ પહેલા શુક્રવારના રોજ અકસ્માત સમયે સગીરના પરિવારનો ડ્રાઈવર કાર ચલાવી રહ્યો હોવાની માહિતી મળી હતી, જે ડ્રાઈવરે પૂછપરછ દરમિયાન સ્વીકારી ન હતી. જો કે આ પછી સીપી અમિતેશ કુમારે પ્રેસ કોન્ફરન્સ કરી અને જણાવ્યું હતું કે અકસ્માત સમયે સગીર આરોપી કાર ચલાવી રહ્યો હતો.

પ્રેસ કોન્ફરન્સમાં અધિકારીઓએ કહ્યું…
સીપી અમિતેશ કુમારે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું હતું કે આ ઘટના રાત્રે 2:30 વાગ્યે બની હતી. સવારે 8 વાગ્યે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. કલમ 304 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. આ સંદર્ભે આરોપીઓના બ્લડ રિપોર્ટની માહિતી લેવામાં આવી રહી છે.

આ કેસની તપાસ કરી રહેલા સીપી અમિતેશ કુમારે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે અકસ્માતની રાત્રે અજિત પવાર જૂથના ધારાસભ્ય સુનીલ ટિંગ્રે પોલીસ સ્ટેશન આવ્યા હતા. આમાં કોઈ શંકા નથી કે તેઓ રેકોર્ડ પર છે. પરંતુ પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી અને કેવી રીતે કરવામાં આવી તે અંગે હાલ કંઈ કહેવું યોગ્ય રહેશે નહીં.

Most Popular

To Top