SURAT

સુરતના પૂણા પોલીસ મથકનો પીએસઆઇ લાંચ લેતા ઝડપાયો

સુરત (surat ) ગુજરાતની પોલીસ ઉપર એમ પણ લઠ્ઠાકાંડ (Lathha Kand)) મામલે માછલા ધોવાઇ રહ્યાં છે અને ઉચ્ચ અધિકારી(Higher authority) ઓ છબી સુધારવાની કોશિશ કરી રહ્યાં છે. પરંતુ કેટલાક પોલીસ કર્મચારીઓ(police officer) પોલીસની છબી ખરાબ થાય તેવું વર્તન કરતાં અચકાંતા નથી. આવો જ એક કિસ્સો સુરતના પૂણા પોલીસમથકમાંથી બહાર આવ્યો છે. અહીં એક પોલીસ સબ ઇન્સ્પેકટર અને તેનો ટાઉટ લાંચ લેતા રંગે હાથે ઝડપાઇ ગયા છે. આ લાંચની રકમ પણ નાની નથી. 1.30 લાખ જેટલી મસમોટી છે. એક દારૂના કેસમાં લક્ઝરી સંચાલક પાસે ગુનો નહીં નોંધવા માટે લાંચ માગવામાં આવી હતી. અને જો લાંચ નહીં આપે તો દારૂના કેસમાં સંડોવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ બાબતની ફરિયાદ થતાં લાંચ રૂસ્વત વિરોધી શાખાએ સબ ઇન્પેક્ટરને રંગે હાથે ઝડપી લીધો હતો. તેની પાસે લાંચની તમામ રકમ પણ રિકવર કરવામાં આવી છે.

લાંચના 1.70 લાખ તો લઇ પણ લીધા હતાં

આ બનાવની મળતી માહિતી અનુસાર જેમણે આ લાંચની ફરિયાદ કરી હતી તે વ્યક્તિ ટ્રાન્સપોર્ટ અને ટ્રાવેલ્સનો ઘંધો કરે છે. પુણા પોલીસ સ્ટેશનની હદમાં લક્ઝરી બસમાં દારૂ મળી આવતા ગુનો દાખલ થયો હતો. આ કેસમાં પુણા પોલીસમથકના પીએસઆઇ જયદિપસિંહ હસમુખસિંહ રાજપુત અને તેનો ટાઉટ જીયાઉદ્દીન અબુલરહીમ સૈયદ ઉર્ફે જીવાભાઇ, (ખાનગી વ્યક્તિ) તેને પોલીસ સ્ટેશનમાં બોલાવ્યો હતો અને ધમકી આપી ટ્રાવેલ્સના માલીકનું નામ આપવા દબાણ કર્યું હતું જેથી ફરીયાદીએ ટ્રાવેલ્સના માલીકનું નામ આપતા પોલીસ સબ ઇન્સ્પેક્ટરે દારૂના કેસમાં ટ્રાવેલ્સના માલિકનું નામ દાખલ ના કરવા ફરીયાદી પાસે રૂપિયા ૫,૦૦,૦૦૦/- ની લાંચની માંગણી કરી હતી. ત્યારબાદ રકઝકના અંતે છેલ્લે રૂપિયા ૩,૦૦,૦૦૦/- આપવાના નક્કી થયું હતું. આ રૂપિયા ફરીયાદીએ ટ્રાવેલ્સના માલિકને આ અંગે વાત કરતા ટ્રાવેલ્સના માલિકે રૂપિયા ૧,૭૦,૦૦૦/- ફરીયાદીને મોકલાવેલા હતા જે રૂપિયા ૧,૭૦,૦૦૦/- પીએસઆઇને આપવા માટે ટાઉટ જીયાઉદ્દીને સ્વીકાર્યા હતા.

લાંચના 1.30 લાખ આપવા નહીં માગતા હોવાથી એસીબીમાં ફરિયાદ થઇ

ત્યારબાદ બાકીના 1.30 લાખ રૂપિયાની લાંચ ફરિયાદી આપવા માંગતાં ના હોય, ફરીયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરીયાદ આપેલ. જે ફરીયાદીની ફરીયાદ આધારે લાંચના છટકાનું આયોજન કરતા, આ કામના આરોપીઓએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, રૂપિયા ૧,૩૦,૦૦૦/- ની લાંચની રકમ સ્વિકારતા બંને આરોપીઓ રંગે હાથે ઝડપાઇ ગયા હતાં. આ સમગ્ર કાર્યવાહી ટ્રેપીંગ અધિકારી એસ.એચ.ચૌધરી, પીએસઆઇ તાપી એસીબી પો.સ્ટે. તથા સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી જ્યારે તેનું સુપરવિઝન એન.પી.ગોહિલ, મદદનીશ નિયામક, એસીબી સુરત એકમ, સુરત દ્વારા કરવામાં આવ્યું હતું.

Most Popular

To Top