સુરત: પુણા પોલીસ દ્વારા આજરોજ રિક્ષામાં એકલા પેસેન્જર (passenger) ને બેસાડી અવાવરૂ જગ્યાએ લઈ જઈ ચપ્પુની અણીએ લુંટી લેનાર બે આરોપીઓને ઝડપી પડ્યા હતા. અને તેમની પુછપરછમાં લૂંટ અને ચોરી સહિત બે ગુનાના ભેદ ઉકેલી કાઢવામાં આવ્યા હતા. જાણવા મળ્યું છે કે આરોપીઓ પોતાના મોજ શોખ માટે રૂપિયા એકઠ્ઠા કરવા આ પ્રકારની મોડસ ઓપરેન્ડી (modes operand)થી લુંટ કરતા હતા.
રિક્ષામાં પહેલેથી જ એક પેસેન્જર બેસેલો હતો
પુણા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ નિકુંજ ધીરૂભાઇ ગોહિલ (ઉ.વ.૨૪, રહે. રાધાકૃષ્ણ કોમ્પલેક્ષ, સત્યનારાયણ સોસાયટી પુણાગામ) ઉત્તરાયણ (kite fest)ની રાત્રે રેલ્વે સ્ટેશનથી પોતાના ઘરે મુર્ઘાકેન્દ્ર કાપોદ્રા જવા માટે એક રિક્ષામાં બેઠા હતા. ત્યારે રિક્ષામાં પહેલેથી જ એક પેસેન્જર બેસેલો હોવાથી રિક્ષા ડ્રાઈવરે પોતાની રિક્ષા પુણા કેનાલ રોડ પોલારીસ મોલની આગળ અવાવરૂ જગ્યાએ લઈ ગયો હતો. અને પેસેન્જર સાથે ચલાવી હતી લૂંટ.
રિક્ષા ડ્રાઈવરે ચપ્પુ બતાવ્યું સાથેના પેસેન્જરે તમાચા માર્યા
પોતાની રિક્ષા અવાવરૂ જગ્યાએ લઈ જઈને રિક્ષા ડ્રાઈવરે (auto rickshaw driver) ચપ્પુ બતાવી સાથેના પેસેંજર સાથે મળી નિકુંજને ગાળ ગલોચ કરી બે ત્રણ તમાચા મારી આંગળી મચડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અને નિકુંજની બેગ, મોબાઈલ, પર્સમાંથી રોકડા ૨૫૦૦ તથા આધાર કાર્ડ ડોક્યુમેંટ મળી કુલ ૭૫૦૦ ની મત્તાના મુદ્દામાલની લુંટ કરી હતી.
બે આરોપીની ધરપકડ કરતી પુણા પોલીસ
પુણા પોલીસના સર્વેલન્સ (surveillance) સ્ટાફે બાતમીના આધારે ગઈકાલે અંગદસિંગ અર્જુનસિંગ ઠાકુર (ઉ.વ.૨૨, રહે.પટેલનગર સોસાયટીના ગોડાદરા આસપાસ ઓવરબ્રીજ નીચે ગોડાદરા લીંબાયત. મુળ રહે.ઉત્તરપ્રદેશ) તથા વિશાલસિંગ ઉમાશંકર સિંગ રાજપુત (ઉ.વ.૨૨, રહે. પુર્ણીમાનગર રામજી મંદિરની પાસે ગોડાદરા) ને પકડી પાડ્યા હતા. સાથે જ આરોપીઓ પાસેથી એક ઓટો રિક્ષા (GJ-05-BW-8830), અલગ અલગ કંપનીના 6 મોબાઈલો, રોકડા ૨૧૦૦ તથા અલગ – અલગ અસલ ડોક્યુમેંટ, બેગ, પર્સ મળી ૬૩,૬૦૦ નો મુદ્દામાલ કબજે લીધો હતો. આરોપીઓની પુછપરછ કરતા તેને એક ઓટો રિક્ષા ચોરી કરેલાનું કબૂલ્યું હતું.
એપ્લીકેશનના ઉપયોગથી ભેદ ઉકેલાયો
સામાન્યરીતે પોલીસ દરેક ગુનાનો ભેદ ઉકેલવા પોતાના બાતમીદાર અથવા તો મોબાઈલના માધ્યમથી આરોપીના પગેરું મેળવતા હોય છે, જો કે આ કિસ્સામાં પોલીસે એક એપ્લીકેશનનો ઉપયોગ કરી આરોપીને પકડવામાં સફળતા મેળવી હતી. મળતી વિગત મુજબ સર્વેલન્સની ટીમએ પોકેટ કોપ (pocket cop) મોબાઈલ એપ્લીકેશનનો ઉપયોગ કરી લુંટ તથા ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી કાઢ્યો હતો.