સુરત: પુણા (Puna)માં ઓનલાઇન ક્રિકેટ (cricket) મેચ ઉપર સટ્ટો (Online batting) રમાડતા બે વેપારીને પકડી પાડી પોલીસે રૂ.2.10 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સટ્ટામાં રમાડેલા રૂપિયા રાજકોટ (Rajkot)થી આંગડિયા મારફતે સુરત આવતા હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે બંને વેપારીની ધરપકડ (arrest) કરી હતી. આ સટ્ટામાં જે-તે ગ્રાહકનું ક્રોસ વેરિફિકેશન (varification) યુપી (UP)થી ફોન મારફત કરાતું હતું. આ ક્રોસ વેરિફિકેશન પછી જ સટ્ટા માટે પરમિશન અપાતી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ સીતાનગર ચોકડી બ્રિજ નીચે બે વેપારી મોબાઇલમાં ક્રિકેટ સટ્ટો રમાડતા હોવાની માહિતી પુણા પોલીસને મળી હતી. જેના આધારે પોલીસે વોચ ગોઠવી ત્યાંથી કાપોદ્રા રામકૃપા સોસાયટીમાં રહેતા હિરેન બળવંતરાય પંડ્યા તેમજ પુણા આઇમાતા રોડ ઉપર શુભમ એવન્યુમાં રહેતા નિલેશ ઉર્ફે બી.કે. મનસુખ રૂપારેલીયાને પકડી પાડ્યા હતા. તેમનો મોબાઇલ ચેક કરતાં તેઓ ગૂગલ ક્રોમમાં એસડીએમ એક્સચેન્જ-99 નામની વેબસાઇટ ઉપર ઓનલાઇન ક્રિકેટનો સટ્ટો રમાડી રહ્યા હતા. આ સટ્ટામાં બ્રિજેશ ઉર્ફે કાના સુદામા નામના યુવકે આઇડી જનરેટ કરી હતી. ત્યારબાદ ગ્રાહકોને ઓનલાઇન એપ્લિકેશનમાં એન્ટ્રી મળતી હતી અને તેઓ સટ્ટો રમતા હતા. આ સટ્ટામાં હારજીતના રૂપિયા રાજકોટના મેહુલ પરમાર નામનો યુવક આંગડિયા મારફતે ટ્રાન્સફર કરતો હતો. પોલીસે સટ્ટો રમાડનાર નિલેશ તેમજ સટ્ટો રમનાર હિરેન પંડ્યાની ધરપકડ કરી તેમની પાસેથી રોકડા રૂ.1.99 લાખ તેમજ બે મોબાઇલ મળી કુલ રૂ.2.10 લાખની મતા કબજે કરી હતી.
કેવી રીતે સટ્ટો રમાતો હતો
નિલેશ અલગ અલગ સટ્ટો રમાડતા અનેક સટોડિયા સાથે સંકળાયેલો હતો. જે કોઇ વિસ્તારમાં રહેતા લોકો નિલેશનો સંપર્ક કરીને સટ્ટો રમવા માટે કહેતા હતા ત્યારે નિલેશ જે-તે વિસ્તારનું એડ્રેસ આપતો અને ત્યાં રૂપિયા આપી દેવા માટે કહેતો હતો. રૂપિયા મળી ગયા બાદ ઉત્તરપ્રદેશથી મોબાઇલ મારફતે વેરિફિકેશન થતું હતું અને બાદ સટ્ટો રમવા માટે એક આઇડી જનરેટ થતી હતી. આ આઇડી મારફતે સટોડિયાઓને ઓપન માર્કેટમાં એન્ટ્રી મળતી હતી. જેમાં નેપાળમાં કેટલાક યુવકો ઓનલાઇન જુગાર રમતા હતા, તેમની સાથે એન્ટ્રી થઇ જતી હતી. સટ્ટો રમનાર યુવકે પહેલાથી જ રૂપિયા આપી દેતા હોય છે. જો સટ્ટો હારી જાય તો રૂપિયા ગયા, અને જો જીતી જાય તો જે જગ્યા ઉપર રૂપિયા આપ્યા હોય ત્યાંથી જ રૂપિયા લઇ આવવા માટે નિલેશ કહેતો હતો.
નિલેશ શહેરના અલગ અલગ વિસ્તારમાં સટોડિયાઓ સાથે જોડાયેલો હતો. ઓનલાઇનના આ જુગારમાં અનેક માથાં બહાર આવે તેમ છે. હાલ તો પુણા પોલીસે નિલેશ અને હિરેન પંડ્યાની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે.