Charchapatra

જાહેરમાં પ્રદર્શિત સમૂહો

જાહેર માર્ગો અને મેદાનો પર વખતોવખત પારિવારિક, સામાજીક, ધાર્મિક, રાજકીય કારણે સામૂહિક રીતે પ્રદર્શન જોવાય છે, ટ્રાફિક જામ થઈ જાય છે. પરિવારમાં લગ્ન પ્રસંગે બેન્ડવાજા સાથે વરઘોડો નીકળે છે, ધૂમ ફટાકડા ફૂટે છે. ધ્વનિપ્રદૂષણ, વાયુ પ્રદૂષણની ચિંતા ત્યારે હોતી નથી, ઘોંઘાટ સાથે આનંદોલ્લાસ સૌ મ્હાણે છે. ધાર્મિક તહેવારો હોય કે ધર્મગુરુયાત્તા હોય, ત્યારે પણ ભક્તોનો સમૂહ ઊમટી પડે છે, રાજકીય પક્ષો, નેતાઓની રેલીઓ નીકળે છે. ચૂંટણીના દિવસોમાં શોરબકોર સાથે સમૂહો જાહેરમાં પ્રચાર કરે છે. લોકો પોતાના મનગમતા નાયકોને જોવા ટોળે વળે છે, ફૂલડે વધાવે છે.

ચૂંટણી પછી વિજેતાઓની વિજય રેલીઓ નીકળે છે. વરઘોડા, સરઘસ,રેલીઓ જોવા ટોળે વળે છે, ફૂલડે વધાવે છે. ચૂંટણી પછી વિજેતાઓની વિજય રેલીઓ નીકળે છે. વરઘોડા, સરઘસ, રેલીઓ જોવા લોકો ઉમટે છે, મનોરંજન થાય છે, છબીઓ પડાવાય છે. રાહતફંડ કે જાગૃતિ માટે રોડ શો યોજાય છે. પ્રજામાં પણ ભીડપ્રીતિ તો હોય છે જ. રાજકીય હેતુસરની સભા કે રેલી માટે ભાડુતીભીડ પણ એકત્રિત કરાય છે. લોકશાહી બજારુ બનતી જાય છે. વસ્તી વિસ્ફોટથી ધમધમતાં મહાનગરોમાં હવે ડિજીટલ સભા યોજવા વિચારવું જોઈએ. વરઘોડા, એ લગ્ન પ્રસંગના કોઈ પરિવારનો વિષય છે, તેમાં પોતાને ત્યાંના લગ્નપ્રસંગનો વટ સાથે જાહેર દેખાવ કરવાની ભાવના રહે છે.

આવાં સામૂદાયિક પ્રદર્શનો દ્વારા અન્યોને ત્રાસ ન થાય, જનજીવન ન ખોરવાય તેનો ખ્યાલ પણ રખાવો જોઈએ, ખાસ કરીને હોસ્પિટલો પાસે તો વિશેષ ધ્યાન રખાવું જોઈએ. ઘણીવાર તો આવા જાહેરમાં પ્રદર્શિત સમૂહોમાં ઘર્ષણ, ઝઘડા અને હિંસાચાર પણ થાય છે. દુર્ભાગ્યે રમખાણો પણ થઈ શકે છે. આથી જાહેરમાં સમૂહ પ્રદર્શનો સાથેની ઉજવણી ટાળવી જોઈએ. લગ્નપ્રસંગે રીસેપ્શન હોલ કે વાડીમાં ગૌરવભેર થઈ શકે. સ્વતંત્રતા સ્વચ્છંદતામાં નહીં પરિણમે તેની કાળજી લેવાવી જોઈએ. ધનવાનો ધનનો ધુમાડો કરે કે જનસાધારણ કરજ કરીને પણ ફરજ સમજીને ઉજવણી કરે છે તેમાં સંયમ, સમજદારીની આવશ્યકતા છે. મહામારીની કુદરતી આફત વેળા તો વિશેષ કાળજી લેવાય.
સુરત     – યૂસુફ એમ. ગુજરાતી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top