ગાંધીનગર : આજે નાણાં મંત્રીએ વિધાનસભામાં વિગતો આપતા જણાવ્યું હતું કે, રાજયનું જાહેર દેવુ (Public debt) 3,20,812 કરોડ જેટલું થયું છે. પોરબંદરના (Porbandar) કોંગીના (Congress) સિનિયર સભ્ય અર્જુન મોઢવાડિયાના પ્રશ્નના લેખિત જવાબમાં નાણાં મંત્રીએ કહ્યું હતું કે વર્ષ 2021-22ના સુધારેલા અંદાજ મુજબ રાજયનું જાહેર દેવુ 3.20 લાખ કરોડ જેટલુ થયુ છે. જેમાં 17,812 કરોડ જાહેર નાણાકીય સંસ્થાઓની લોન, 2,64,703 કરોડ બજાર લોન, 28,497 એનએસએસએફ લોન 28,497 કરોડ અને કેન્દ્રીય દેવુ 9799 કરોડ જેટલુ છે. નાણા મંત્રીએ કહ્યું હતું કે, રાજય સરકારે છેલ્લા બે વર્ષમાં 45,086 કરોડ વ્યાજ તથા 42,374 કરોડ મુદ્દલ ચૂકવી છે.
કેન્દ્ર સરકાર તરફથી વળતર પેટે ૪૨૧૯.૭૩ કરોડ અને લોન પેટે ૧૭,૦૪૫.૧૩ કરોડ મળ્યા છે. રાજ્ય સરકારની આવકમાં ઘટાડો થતાં જીએસટી કાયદા અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા વળતર ચૂકવાય છે. દેશભરના તમામ રાજ્યોનો એક સરખો વિકાસ થાય તે માટે ‘વન નેશ વન ટેક્સ’ તરીકે જી.એસ.ટી. કાયદો અમલમાં આવ્યો હતો, તેમ વિધાનસભા ગૃહ ખાતે નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું.
વિધાનસભા ગૃહમાં કોંગીના અર્જુન મોઢવાડિયાના પ્રશ્નના જવાબમાં જી.એસ.ટી. કાયદા અંતર્ગત મળતા વળતર અંગે પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા કનુભાઇ દેસાઇએ કહ્યું હતું કે, કોઈપણ રાજ્યની આવકમાં ઘટાડો થાય તો પાયાના વર્ષ ૨૦૧૫-૧૬માં દર વર્ષે ૧૪ ટકાનો ગ્રોથ ઉમેરીને કેન્દ્ર સરકાર તરફથી રાજ્ય સરકારને વળતર ચૂકવવામાં આવે છે.
તેમણે કહ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં ઊભી થયેલી કોરોના જેવી મહામારીના કારણે ગુજરાતની આવકમાં ઘટાડો થયો હતો. જે અંતર્ગત તારીખ ૦૧-૦૧-૨૦૨૧ થી ૩૦-૬-૨૦૨૨ સુધીમાં રાજ્ય સરકારે વળતર પેટે કેન્દ્ર સરકાર પાસેથી કુલ ૩૦,૪૦૧.૧૨ કરોડ રકમ લેવાની થાય છે. જેની સામે કેન્દ્ર સરકાર તરફથી તા.૨૪-૧૧-૨૦૨૨ની સ્થિતિએ રૂપિયા ૪૨૧૯.૭૩ કરોડ રકમ વળતર તરીકે મળી છે, જ્યારે બાકીની રકમ સામે લોન પેટે રૂપિયા ૧૭,૦૪૫.૧૩ કરોડ મળ્યા છે. આ લોનના વ્યાજ સહિતની ચૂકવણી કેન્દ્ર સરકાર શેષ ફંડમાંથી કરશે, તેમ તેમણે ઉમેર્યું હતું.
દેસાઈ વધુમાં જણાવ્યું હતું કે, મહામારી દરમિયાન કેન્દ્ર સરકારની આવકમાં પણ ઘટાડો થયો હોવાથી બાકીની રકમ લોન પેટે આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, વળતર પેટે અને લોન પેટે કેન્દ્ર સરકાર તરફથી મળેલી રકમ ઉપરાંત આ સ્થિતિમાં રાજ્ય સરકારને હજુ પણ ૯,૧૩૬.૨૬ કરોડની રકમ મળવાની બાકી છે. કેન્દ્ર સરકાર દ્વારા ટૂંક સમયમાં જ રૂ. ૩૩૭૭ કરોડ રકમની ચૂકવણી કરવામાં આવશે.
બે વર્ષમાં પેટ્રોલના વેટ પેટે 12,048.70 કરોડની આવક થઇ
રાજયમાં છેલ્લા બે વર્ષમાં એટલે કે 2021-22 તથા 2022-23 દરમ્યાન પેટ્રોલ,ડીઝલ, સીએનજી અને પીએનજી પર વેટ પેટે કરોડોની આવક થવા પામી છે. આજે વિધાનસભામાં આઁકલાવના ધારાસભ્ય તથા કોંગ્રેસના વિધાનસભા પક્ષના નેતા અમિત ચાવડાના પ્રશ્નના લેખિત જવાબમાં નાણાં મંત્રીએ કહ્યું હતું કે રાજયમાં પેટ્રોલ પર 13.7 ટકા વેટ, ડીઝલ પર 14.9 ટકા વેટ, સીએનજી (હોલસેલર ) 15 ટકા વેટ સીએનજી (રીટેઈલર ) 5 ટકા વેટ, પીએનજી (કોમર્શિયલ) 15 ટકા, પીએનજી (હાઉસ હોલ્ડ ) 5 ટકા વેટ વસૂલ કરવામાં આવે છે.
નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે, 2021માં પેટ્રોલ પર વેટ પેટે 6040.01 કરોડ, ડીઝલ પર વેટ પેટે 12731 કરોડ, સીએનજી પર વેટ પેટે 191.75 કરોડ અને પીએનજી પર વેટ પેટે 68.31 કરોડ સરકારને આવક થઈ છે. જયારે સરકારને 2022માં પેટ્રોલ પર વેટ પેટે 6008.69 કરોડ, ડીઝલ પર વેટ પેટે 13951.27 કરોડ, સીએનજી પર વેટ પેટે 198.44 કરોડ અને પીએનજી પર વેટ પેટે 58.09 કરોડ આવક થઈ છે.
મનરેગામાં રહી ગયેલા તળાવો સુજલામ સુફલામ યોજના હેઠળ ઊંડા કરાશે : મુકેશ પટેલ
ગાંધીનગર : ગ્રામ્ય સ્તરે પશુઓને પીવાનું પાણી તેમજ સિંચાઈ માટે પાણીની સુવિધા ઉપલબ્ધ બને એ માટે રાજ્ય સરકારે વર્ષ ૨૦૧૮થી સુજલામ સુફલામ યોજના હેઠળ તળાવો ઊંડા કરવાની કામગીરી હાથ ધરી છે. આ યોજના હેઠળ ફેબ્રુઆરી માસથી કામગીરી શરૂ કરી દેવાઇ છે, તેવું વિધાનસભામાં પ્રશ્નના લેખિત જવાબમાં પાણી પુરવઠા રાજ્ય મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું. મુકેશ પટેલે વધુમાં કહ્યું હતુ કે રાજ્યભરમાં મનરેગા યોજના હેઠળ અથવા અન્ય જિલ્લા કક્ષાએ આ યોજનામાં જે તળાવ ઊંડા કરી શકાયા ન હોય તેવા તમામ તળાવો આ અભિયાન હેઠળ ઊંડા કરવામાં આવશે. જેનો મહત્તમ લાભ લેવા અનુરોધ કરાયો છે. ઝાલોદ તાલુકામાં કડાણા જળાશય આધારિત ૧૨ ગામના ૧૮ તળાવો છેલ્લા એક વર્ષમાં પાણીથી ભરવામાં આવ્યા છે. આ ઉપરાંત દાહોદ જિલ્લામાં વિવિધ પાણી પુરવઠા યોજના હેઠળ ૧૬,૯૫૦ હેક્ટર વિસ્તારને સિંચાઈની સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે તેમ તેમણે ઉમેર્યું હતું.
અમદાવાદના ૧૮,૦૩૮ કુટુંબને એનએફએસએ હેઠળ આવરી લેવાયા : ભીખુસિંહ પરમાર
ગાંધીનગર : નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ અમદાવાદ શહેરમાં ૩૧/૦૧/૨૩ની સ્થિતિ એ છેલ્લા એક વર્ષમાં ૧૮,૦૩૮ લાભાર્થી કુટુંબને આવરી લઈને ૬૯,૬૩૫ લોકોને લાભાન્વિત કરાયા છે. અમદાવાદ શહેરમાં આ યોજના હેઠળ છેલ્લા એક વર્ષમાં ૨૪,૪૬૮ અરજી મળી હતી તે પૈકી ૧૮,૦૩૦ અરજી મંજૂર કરી હતી અને ૪,૩૨૭ નામંજૂર કરાઈ છે જ્યારે ૧,૯૦૭ અરજીઓ પડતર છે, તેવું વિધાનસભામાં પ્રશ્નના લેખિત જવાબમાં અન્ન નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારે જણાવ્યું હતુ. રાજ્યમાં કોરોના કાળ બાદ અમુક વિસ્તારોમાં આવા પરિવારો આ યોજનાનો લાભ લઇ શક્યા નથી તેવા પૂરક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, રાજ્યભરમાં કોઈપણ સ્થળે આવા પરિવારો હોય તો આપની કક્ષાએ સર્વે કરાવીને સરકારને જાણ કરવામાં આવશે તો રાજ્ય સરકાર આ અંગે ચોક્કસ હકારાત્મક અભિગમ દાખવીને યોગ્ય નિકાલ કરશે.
મેશ્વો નહેર થકી ખેડાની ૧૧,૧૯૫ હેક્ટર જમીનને પિયતની સુવિધા આપી : જળ સંપતિ મંત્રી
ગાંધીનગર : મેશ્વો નહેર થકી ગુજરાતના ખેડા અને અમદાવાદ જિલ્લામાં પિયતની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જેમાં તા. ૩૧ ડિસેમ્બર ૨૦૨૨ની સ્થિતિએ ખેડા જિલ્લામાંથી પસાર થતી ૧૨૯.૪૨ કિ.મી.લંબાઈ ધરાવતી મેશ્વો નહેરના માધ્યમથી ૧૧,૧૯૫ હેક્ટરથી વધુ વિસ્તારને પિયતનો લાભ મળે છે. તેવુ વિધાનસભામાં માતરના ધારાસભ્ય કલ્પેશ પરમારના પ્રશ્નના લેખિત જવાબમાં જળ સંપત્તિ રાજ્ય મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું. મેશ્વો મુખ્ય નહેર તથા તેની પેટા નહેરોનું સમારકામ આગામી સમયમાં કરવાનું આયોજન છે. તેના માટે અંદાજે રૂ. ૬૦ કરોડથી વધુનો ખર્ચ પણ થનાર છે. આ કામગીરી સંભવિત જૂન ૨૦૨૩માં પૂર્ણ કરવાનું આયોજન છે તેમ પણ મંત્રીએ ઉમેર્યું હતું.
વર્ષ ૨૦૨૪ સુધીમાં ઘરે ઘરે નળમાંથી પીવાનું પાણી મળતું થઇ જશે : કુંવરજી બાવળિયા
ગાંધીનગર : નલ સે જલ યોજના અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં થયેલી કામગીરી અંગે વિધાનસભામાં પુછાયેલા પ્રશ્નના લેખિત જવાબમાં પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે, હર ઘર જલ યોજના અંતર્ગત ગુજરાતમાં નિર્ધારિત લક્ષ્યાંક પહેલા જ ઘરે ઘરે શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવા ‘હર ઘર નલ સે જલ’ મિશન સાથે પૂરજોશમાં કામગીરી ચાલી રહી છે. વર્ષ ૨૦૨૪ સુધીમાં રાજ્યના દરેક ઘરમાં નળ હશે અને તે નળમાં શુદ્ધ પાણી આવતું હશે.
હાલ મોટા ભાગના વિસ્તારોમાં ઘરે ઘરે નળ લાગી ગયા છે. રાજ્યમાં આ યોજનાની અમલવારી બાદ બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમાં ૬,૨૯,૩૭૯ ઘરોમાં નળનું જોડાણ આપી દેવામાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લાના ૧૪ તાલુકાના કુલ ૯૭૦ ગામોમાં નળ સે જલ યોજનાના અમલીકરણ પછી દરેક ઘરે નળથી પાણી પહોંચાડવામાં આવ્યું છે.
છોટાઉદેપુરમાં ૩૩૭ મિની પાણી પુરવઠા યોજનાઓ પૂર્ણ : પાણી પુરવઠા મંત્રી
ગાંધીનગર : વિધાનસભામાં છોટાઉદેપુર જિલ્લામાં મિની પાણી પુરવઠા યોજના અંગેના પ્રશ્નનના લેખિત જવાબમાં પાણી પુરવઠા મંત્રીએ જણાવ્યું કે, તા.૩૧/૧૨/૨૨ની સ્થિતિએ વર્ષ ૨૦૨૨-૨૩માં ૩૩૭ મિની પાણી પુરવઠા યોજનાઓનું આયોજન કરવામાં આવ્યું હતું તે પૈકી તમામ પૂર્ણ કરવામાં આવી છે. આ મિની પાણી પુરવઠા યોજનાઓમાં ૨૨૭ સોલાર મિની પાણી પુરવઠા યોજનાઓ તથા ૧૧૦ પાવર મિની પાણી પુરવઠા યોજનાઓનો સમાવેશ થાય છે. આ યોજનાઓ અંતર્ગત રૂ।. ૨૭૦૬ લાખ ખર્ચ કરવામાં આવશે. આ યોજનાના નિભાવ અને મરામત માટે નિપુણતા ધરાવનારને કામ આપવામાં આવે છે. જે વિસ્તાર બાકી હશે, ત્યાં સરવે કરી ઝડપથી યોજનાનો લાભ મળે તેવું આયોજન કરવામાં આવશે.