Gujarat Election - 2022

જાહેર વાત ખાનગીમાં

વલસાડ જિલ્લામાં ભાજપના નિરીક્ષક બનીને આવતા નેતાઓ પૈકી મંત્રીની ટિકિટ કપાતી હોવાનો યોગાનુયોગ
વલસાડ જિલ્લાના વિધાનસભાના ઉમેદવારો નક્કી કરવા જે ભાજપના નિરીક્ષકો આવે છે તેમાં ખાસ કરીને રાજ્ય સરકારમાં મંત્રી પદે રહ્યા હોય તેવા નિરીક્ષકોની વિધાનસભાની ચૂંટણીમાં ટિકીટ જ કપાઈ જાય છે. તેવો યોગાનુયોગ જોવા મળ્યો છે. ૨૦૧૭માં વલસાડ જિલ્લાના ભાજપના ઉમેદવારોને નક્કી કરવાના પાર્ટીના કાર્યકરો તેમજ દાવેદારોના સેન્સ લેવા પારડીના મોરારજીભાઈ દેસાઈ ઓડિટોરીયમમાં ભાજપના નિરીક્ષક તરીકે નાનુભાઈ વાનાણી, નિરંજન ઝાંઝમેરા અને દર્શનાબેન દેશમુખ આવ્યા હતા. ત્યારબાદ મંત્રી પદે રહેલા નાનુભાઈ વાનાણીને ૨૦૧૭માં પાર્ટીએ ટિકિટ આપી ન હતી. તેમના સ્થાને વિનુભાઈ મોરવડિયાને ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. આ વખતે ૨૦૨૨ના વલસાડ જિલ્લાના પાંચ વિધાનસભાના ઉમેદવાર નક્કી કરવા ત્રણ નિરીક્ષકો આવ્યા હતા. જેમાં રાજ્ય સરકારના મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી તેમજ રાજેશભાઈ પટેલ અને નયનાબેન પટેલ આવ્યા હતા. હવે આ વખતે મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની ટિકીટ કપાઈ જવા પામી છે.

સુરત પૂર્વ પરથી આપના ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું તો દેવગઢ બારિયા પરથી એનસીપીના ઉમેદવાર ફોર્મ પરત લઈ લીધું
આ વખતે એવું લાગતું હતું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ત્રિ-પાંખિયો જંગ થશે. ભાજપ અને કોંગ્રેસની સાથે સાથે આપ દ્વારા પણ ઉમેદવારો ઉતારવામાં આવ્યા પરંતુ વાત એવી થઈ કે સુરત પૂર્વ બેઠક પરથી આપના ઉમેદવાર કંજન ચરીવાળાએ ફોર્મ પરત ખેંચી લેતા આપનો એક ઉમેદવાર ઘટી જવા પામ્યો. દક્ષિણ ગુજરાતમાં આ ઘટના બની પરંતુ તેની સાથે સાથે મધ્ય ગુજરાતમાં પણ નવી ઘટના બની. મધ્ય ગુજરાતમાં દેવગઢ બારીયા બેઠક કોંગ્રેસ અને એનસીપીની સમજૂતિમાં એનસીપીને મળી હતી. એનસીપીએ પોતાના ઉમેદવાર મારફત ફોર્મ પણ ભરાવ્યું હતું પરંતુ એવું થયું કે એનસીપીના આ ઉમેદવારે પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું. પરિણામે હવે એવું થયું કે આ બેઠક પર ચૂંટણી જંગ હવે ભાજપ અને આપ વચ્ચે જ ખેલાશે. એટલે કે 182 બેઠકની આ ચૂંટણીમાં એક બેઠક પર આપનો ઉમેદવાર નહીં હોય અને એક બેઠક પર કોંગ્રેસ-એનસીપીનો ઉમેદવાર નહીં હોય. એનસીપીના ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લેતા આદિવાસી બેઠક પર હવે ભાજપને જીતની મોટી આશા દેખાઈ રહી છે. જોકે, આપનો ઉમેદવાર કેટલું જોર કાઢે છે તેની પર આ બેઠકનું પરિણામ નક્કી થશે. આપને પણ બેઠો લાડવો મળી ગયો છે કારણ કે હવે તેણે માત્ર ભાજપ સાથે જ લડવાનું રહેશે. કોંગ્રેસ આ બેઠક એનસીપીને આપીને હવે પસ્તાઈ રહી છે.

Most Popular

To Top