SURAT

સુરતમાં પોલીસનો કોઈ ધાક જ નથી, ડીંડોલીમાં ચાના સ્ટોલ પાસે જાહેરમાં મારામારી, વીડિયો વાયરલ

સુરત(Surat): સુરત શહેરમાં સવા મહિનાથી નિયમિત પોલીસ કમિશનર (Police Commissioner) નથી. કમિશનર વિનાના શહેરમાં જાણે પોલીસનો કોઈ ધાક જ રહ્યો નહીં હોય તેવી સ્થિતિનું સર્જન થયું છે. અસામાજિક તત્વો, ટપોરીઓ, બૂટલેગરો બેફામ બન્યા છે. શહેરમાં ખુલ્લેઆમ રસ્તા પર દારૂ વેચાઈ રહ્યો છે. ટપોરીઓ તલવાર લઈ રોડ પર લોકોને ધમકાવે છે અને હવે તો અસામાજિક તત્વો જાહેરમાં મારામારી પણ કરતા થયા છે. લુખ્ખાંઓની દાદાગીરીનો આવો જ એક વીડિયો સામે આવ્યો છે.

  • ડીંડોલીમાં અસામાજિક તત્વોનો આતંક
  • ચાના સ્ટોલ પાસે બે વ્યક્તિને ફટકાર્યા

સુરતના ડીંડોલી વિસ્તારમાં સરાજાહેર મારામારીની ઘટના સામે આવી છે. ડિંડોલીમાં નુક્કડ ચા ના સ્ટોલ બહાર બબાલ થઈ હતી. ટોળાંએ ભેગા થઈ બે ઈસમોને જાહેરમાં માર માર્યાની ઘટના ચાના સ્ટોલના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. વીડિયો ફૂટેજમાં જોઈ શકાય છે કે ટપોરીઓને પોલીસનો કોઈ ડર ન હોય તે જાહેરમાં મારામારી કરી રહ્યાં છે. ઘટનામાં બે લોકો ઇજાગ્રસ્ત થયા છે. જ્યારે ડિંડોલી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

શહેરમાં અસામાજિક તત્વો ફાટીને ધુમાડે ગયા છે. પોલીસ સામે અસામાજિક તત્વોનો ખુલ્લો પડકાર ફેંક્યો છે. આ અગાઉ પણ અસામાજિક તત્વો દ્વારા જાહેરમાં બબાલ મચાવતાં જ્યારે જ્યારે કેદ થયાં હોય ત્યારે પોલીસ દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવતી હતી. ત્યારે આ કેસમાં પણ પોલીસ ઝડપથી આરોપીઓને ઝડપી લઈને યોગ્ય પગલાં ભરે તે જરૂરી બની ગયું હોવાનું લોકો કહી રહ્યાં છે.

Most Popular

To Top