Gujarat

બીબાઢાળને બદલે ઇન્ક્લુઝિવ-ઇક્વિટેબલ શિક્ષણ પૂરું પાડવું સમયની માંગ : મુખ્યમંત્રી

કોઈપણ રાષ્ટ્ર, રાજ્ય કે સમાજના વિકાસના પાયામાં શિક્ષણ, સ્વાસ્થ્ય અને સુરક્ષા મુખ્ય બાબત છે. બીબાઢાળ અને કાલ બાહ્ય શિક્ષણના સ્થાને ઇન્ક્લુઝિવ અને ઇક્વિટેબલ શિક્ષણ પૂરું પાડવું તે સમયની માંગ છે. રાષ્ટ્રના બાળકો અને આવનારી પેઢીને આવું સમયાનુકુલ શિક્ષણ આપવાની પ્રતિબદ્ધતા સાથે આ નવી શિક્ષણ નીતિ આપી છે, તેવું ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગ અને ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા યોજાઈ રહેલી દ્વિ-દિવસીય ‘નેશનલ કોન્ફરન્સ ઓન સ્કૂલ એજ્યુકેશન’માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં કહ્યું હતું કે આપણી સંસ્કૃતિમાં વિદ્યાધન એ સર્વશ્રેષ્ઠ ધન છે, ત્યારે ટિચિંગ અને લર્નિંગની પ્રોસેસને સતત રિડિફાઇન અને રિડિઝાઈન કરતા રહેવાની આવશ્યકતા સમજીને ૩૪ વર્ષ જૂની શિક્ષણ નીતિમાં બદલાવ લાવી સમયાનુકૂળ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ તૈયાર કરવામાં આવી છે. સૌને સમાન અને ઉચ્ચ ગુણવત્તાવાળું શિક્ષણ આપવાના રાષ્ટ્રીય શિક્ષણ નીતિના ધ્યેયને સિદ્ધ કરવા સમગ્ર દેશ કાર્ય કરી રહ્યો છે.

છેલ્લા ત્રણ વર્ષમાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત ૧૬,૦૦૦ જેટલા સ્માર્ટ વર્ગખંડો શરૂ થયા છે. માઈક્રોસોફ્ટ ટીમ દ્વારા વર્ષ ૨૦૨૦-૨૧ માં ૬ કરોડથી પણ વધુ વર્ચ્યુઅલ ક્લાસરૂમ લેવામાં આવ્યા છે, જેમાં ગુજરાત સમગ્ર વિશ્વમાં ત્રીજા ક્રમે છે. મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ તરીકે રાજ્યની ૧૫,૦૦૦ સરકારી પ્રાથમિક શાળાઓને કાર્યરત કરવામાં આવશે.

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે, શાળા શિક્ષણ એ જ્ઞાન આધારિત સમાજનો પાયો છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) નો ઉદ્દેશ સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવા તેમજ દરેક માટે શિક્ષણને સુલભ બનાવવાનો છે. આપણે આઝાદીના અમૃત કાળમાં છીએ ત્યારે વૈશ્વિક કલ્યાણ માટે પ્રતિબદ્ધ એવા જ્ઞાન અર્થતંત્ર તરીકે ભારતને સ્થાપિત કરવા માટે આગામી 25 વર્ષ આવનાર પેઢી માટે ખૂબજ નિર્ણાયક રેહશે.

શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, રાષ્ટ્રીય શિક્ષા નીતિ તજજ્ઞો દ્વારા અભ્યાસપૂર્વક તૈયાર કરવામાં આવેલી નીતિ છે. જેના અમલીકરણથી સમાજમાં આપણે નવો બદલાવ જોઈ શકીશું. રાષ્ટ્રીય શિક્ષા નીતિ – દેશની આવતી કાલ અને નવા ભારતનો મહત્વનો દસ્તાવેજ સાબિત થશે. સમાજ માટે આપણું સૌથી મોટું દાયિત્વ શિક્ષણ છે.

નેશનલ કોન્ફરન્સ ઓફ સ્કૂલ એજ્યુકેશન મિનિસ્ટર્સ-૨૦૨૨માં મહાત્મા મંદિર ખાતે નેશનલ એજ્યુકેશન પોલિસી-૨૦૨૦ના ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન કે. કસ્તૂરીરંગન દ્વારા NEP-૨૦૨૦ના ઉદ્દેશ્યો રજૂ કર્યા હતા.

આ ઉપરાંત શાળા શિક્ષણ અંતર્ગત ‘ગુજરાત શોકેસિંગ ધ બેસ્ટ પ્રેક્ટિસિસ’, ભારત સરકાર દ્વારા અમલી NEP-૨૦૨૦ની વર્તમાન સ્થિતિ તેમજ નેશનલ એજ્યુકેશનલ ટેકનોલોજી ફોરમ અને નેશનલ ડિજિટલ એજ્યુકેશન આર્કિટેક્ચર વિષય પર વિસ્તૃત પ્રેઝન્ટેશન રજૂ કરાયા હતા.

Most Popular

To Top