ગુજરાત માટે ગૌરવની ક્ષણ આવી છે. વર્ષ 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સની યજમાની અમદાવાદને સોંપવાનો નિર્ણય લેવાયો છે. આ અંગે સત્તાવાર જાહેરાત થઈ છે. સ્કોટલેન્ડ ગ્લાસગોમાં યોજાયેલી કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની બેઠકમાં આ ઐતિહાસિક નિર્ણય લેવાયો છે. નાઈજીરીયાને પછાડીને ભારતે યજમાની હાંસલ કરી છે. આ ગર્વીલી ક્ષણના સાક્ષી બનવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં ભારતનું એક ડેલિગેશન સ્કોટલેન્ડ ગયું હતું.
વિશ્વના કોઈ પણ દેશ માટે કોમનવેલ્થ ગેમ્સનું આયોજન તેમના દેશમાં કરવું એ ખૂબ જ ગૌરવની બાબત છે. રમતગમતના દ્રષ્ટિકોણથી જ નહીં આંતરરાષ્ટ્રીય સ્તરે તે દેશની સ્મૃદ્ધિ, વિઝન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની પણ નોંધ લેવાતી હોય છે.
અત્યાર સુધી ઓસ્ટ્રેલિયા, કેનેડા, ઈંગ્લેન્ડ, ભારત, ન્યુઝીલેન્ડ સહિત 9 અલગ અલગ દેશો કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરી ચૂક્યા છે. ઓસ્ટ્રેલિયાએ સૌથી વધુ 5 વખત કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કર્યું છે.
ભારત 2036માં ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરવા માંગે છે. કોમનવેલ્થ ગેમ્સનું અમદાવાદમાં આયોજન થવું એ તે દિશામાં એક સકારાત્મક પગલું છે.
ભારતે છેલ્લે 2010 માં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કર્યું હતું, જ્યારે આ ઇવેન્ટ દેશની રાજધાની દિલ્હીમાં યોજાઈ હતી. આ વખતે આ ઇવેન્ટ ગુજરાતના અમદાવાદમાં યોજાશે, જ્યાં છેલ્લા ઘણા વર્ષોથી રમતગમતના માળખાગત સુવિધાઓ સુધારવા માટે કામ ચાલી રહ્યું છે.
તાજેતરના વર્ષોમાં અમદાવાદમાં અનેક રમતગમત કાર્યક્રમો યોજાયા છે, જેમાં AFC અંડર-17 એશિયન કપ ક્વોલિફાયર અને કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપનો સમાવેશ થાય છે. ભવિષ્યમાં અહીં અનેક ટુર્નામેન્ટ્સ (એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ, એશિયા પેરા-તીરંદાજી કપ, વગેરે સહિત) પણ યોજાશે. શહેરમાં 3,000 ખેલાડીઓને સમાવવા માટે એક એથ્લેટ્સ વિલેજ કોમ્પ્લેક્સ પણ બનાવવામાં આવશે.

જણાવી દઈએ કે કોમનવેલ્થ ગેમ્સની આગામી આવૃત્તિ 2026 માં ગ્લાસગો, સ્કોટલેન્ડમાં યોજાશે. ત્યાર બાદ 2030માં અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થશે.
કોમનવેલ્થ ગેમ્સની 24મી આવૃત્તિ અમદાવાદમાં યોજાશે
2030 કોમનવેલ્થ ગેમ્સને સત્તાવાર રીતે XXIV કોમનવેલ્થ ગેમ્સ તરીકે ઓળખવામાં આવે છે. આ ટુર્નામેન્ટની 24મી આવૃત્તિ હશે, જેમાં વિશ્વભરના 74 દેશોના ખેલાડીઓ ભાગ લેશે. આ ત્રીજી વખત હશે જ્યારે એશિયામાં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે. અગાઉ, આ ઇવેન્ટ્સ 2010માં દિલ્હીમાં અને 1998માં કુઆલાલંપુરમાં યોજાઈ હતી.

ઓલિમ્પિકનું આયોજન કરવાના સ્વપ્ન તરફ એક મોટું પગલું
ભારત 2036 ઓલિમ્પિકનું આયોજન કરવાના દાવેદારોમાંનું એક છે. દેશ પણ આ મુખ્ય ઇવેન્ટનું આયોજન કરવા માંગે છે. જો આવું થાય તો તે પહેલી વાર હશે જ્યારે ભારત ઓલિમ્પિક રમતોનું આયોજન કરશે. 2030 કોમનવેલ્થ ગેમ્સનું આયોજન એ સ્વપ્ન તરફ એક મુખ્ય સીમાચિહ્નરૂપ છે.