ગાંધીનગર : ગુજરાત વિધાનસભામાં લોકગાયક કલાકરોને બોલાવીને તેમનું સન્માન કરવામાં આવ્યુ હતું. જોકે આ રાજકીય ઘટના બાદ હવે રાજકીય વિવાદ છેડાયો છે. ઠાકોર સમાજના કલાકાર વિક્રમ ઠાકોરને વિધાનસભામાં નહીં બોલાવવાના મુદ્દે હવે ઠાકોર સમાજના કાર્યકરોમાં નારાજગી પેદા થવા પામી છે. ગુજરાત વિધાનસભામાં ઠાકોર સમાજના કલાકારોની અવગણનાને લઈને બનાસકાંઠામાં રોષ જોવા મળ્યો છે. ક્ષત્રિય ઠાકોર સેનાના કાર્યકરોએ અમીરગઢ હાઈવે પર દેખાવ કર્યા હતા. આબુ રોડ પાલનપુર નેશનલ હાઈવે પર દેખાવ કરતા ઠાકોર સમાજના લોકોને પોલીસે રોક્યા હતા. અમીરગઢના ઠાકોર સમાજના આગેવાન અરવિંદ ઠાકોરે કહ્યું હતું કે, ‘હાથમાં છે વ્હીસ્કીને આંખોમાં પાણી…’ ગાનાર કલાકારોનું વિધાનસભા અધ્યક્ષ સન્માન કરે છે.
જાણીતા કલાકાર વિક્રમ ઠાકોરે જણાવ્યું હતું કે, ‘વિધાનસભામાં કલાકારોને બોલાવ્યા તેનો વિરોધ નથી, પરંતુ ઠાકોર સમાજને સ્થાન નથી મળતું એનો વિરોધ છે. દરેક કલાકારનું સ્વાગત કર્યું સારી બાબત છે, મારા સમાજના કલાકારોની વાત આવી એટલે મેં ધ્યાન દોર્યું છે. કલાકારને નાત-જાત નથી હોતી, સરકારે દરેક જાતિના કલાકારનું સન્માન કરવું જોઈએ. શંકરભાઈ ચૌધરીએ તમામ કલાકારને બોલાવ્યા હતા. સરકારી ઇવેન્ટોમાં પણ ઠાકોર સમાજને સરકારી કામ નથી મળતું. સરકારે ઠાકોર કલાકારને પ્રોત્સાહન આપવું જોઈએ.’
સમગ્ર વિવાદ અંગે રાજય સરકારના કેબીનેટ પ્રવકત્તા ઋષિકેશ પટેલે કહયું હતું કે ‘કલાકારોની કોઇ જ્ઞાતિ હોતી નથી. આ અચાનક ઉભો થયેલો પ્રસંગ હતો, અચાનક યાદ આવ્યું એટલે આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન જેટલા કલાકારો યાદ આવ્યા તેમને આમંત્રણ આપી દેવામાં આવ્યું હતું. કોઇ વ્યક્તિ વિશેષ કે કોઇ જાતિ વિશેષ કાર્યક્રમ ન હતો. અચાનક કરાયેલા આયોજનના લીધે ભૂલાઈ ગયા હશે’.
તાજેતરમાં હોળી – ધૂળેટી પહેલા ગુજરાત વિધાનસભા ગૃહમાં કાર્યવાહી નિહાળવા માટે ગુજરાતના પ્રખ્યાત લોકસાહિત્યકાર – લોકગાયક કલાકારોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. જેમાં જાણીતા લોકસાહિત્યકાર પદ્મશ્રી ભીખુદાન ગઢવી, ગીતા રબારી, કિંજલ દવે, માયાભાઈ આહીર, રાજભા ગઢવી, કિર્તીદાન ગઢવી સહિતના કલાકારોને બોલાવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ઠાકોર સમાજના કોઈપણ કલાકારોને બોલાવવામાં ન આવતા અભિનેતા વિક્રમ ઠાકોરે નારાજગી વ્યક્ત કરી હતી.
