SURAT

ભાજપ-આપ ભાઈ ભાઈ, ગટરનું પાણી રોડે જાય જાય…,ના પોસ્ટર સાથે પુણામાં લોકોનું વિરોધ પ્રદર્શન

સુરતઃ શહેરનું તંત્ર ખાડે ગયું છે. વરસાદ બાદ મોટા ભાગના રસ્તાઓ પર ખાડા પડી ગયા છે, જે રિપેર કરાતા નથી. બીજી તરફ ભાજપ શાસકોના નાની નાની વાતે કાન આમળતા વિપક્ષ આપના કોર્પોરેટરો પણ પોતાના વોર્ડ વિસ્તારમાં કોઈ કામગીરી ન કરતા હોવાનું બહાર આવ્યું છે. પુણા વિસ્તારમાં છ મહિનાથી ગટર ઉભરાઈ રહી હોય તેનો કોઈ ઉકેલ નહીં આવતા આજે કોંગ્રેસના સહકારથી સ્થાનિક રહીશોએ ભાજપ-આપ ભાઈ ભાઈના પોસ્ટર ગટર પર લગાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

પુણા વિસ્તારમાં છેલ્લા છ મહિનાથી ઉભરાતી ગટર સામે કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ સ્થાનિકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. પુણાગામ ખાતે પીર દરગાહની સામે આવેલા રસ્તા પરની લક્ષ્મીનગર સોસાયટી, કૃષ્ણનગર સોસાયટી, મારુતિ નગર સોસાયટી, નિરાંત નગર સોસાયટી, સાંઈનગર સોસાયટી ની વચ્ચેથી પસાર થતા જાહેર રસ્તા ઉપર છેલ્લાં છ મહિનાથી ગટર લાઈન ઉભરાઈ રહી છે એનું પાણી રોડ ઉપર વહી રહ્યું છે.

સ્થાનિક આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો અને ભાજપના કોર્પોરેટરોને સોસાયટીના રહીશો દ્વારા વારંવારની રજૂઆતો કરવા છતાં પણ કોઈ પણ નિરાકરણ ન આવતા આજ પુણા કોંગ્રેસ સમિતિની આગેવાનીમાં આ ભાજપ – આપ ભાઈ ભાઈ ગટરનું પાણી રોડે જાય જાય ના નારા સાથે ગટરના ઢાંકણા પર બંને પાર્ટીના ઝંડા લગાવી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે.

આ વિરોધ પ્રદર્શન હેઠળ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય સુરેશભાઈ સુહાગીયા કોંગ્રેસના અગ્રણી ચેતનભાઇ રાદડિયા જયેશભાઈ દોમદિયા સહિત સ્થાનિકો અને મહિલાઓ ઉપસ્થિત રહ્યાં હતાં. ખાસ કરીને આ પુણાં વોર્ડ નંબર 16 કે જે વિરોધ પક્ષના નેતાનો વોર્ડ છે અને વિરોધ પક્ષના નેતા દ્વારા સમગ્ર સુરત શહેરની અંદર બહાર જઈને ફોટા પાડવામાં આવે છે. બીજા વોર્ડમાં જાય અને કેક કાપી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવે છે પરંતુ પોતાના વોર્ડમાં ધ્યાન આપવામાં ન આવતા લોકો દ્વારા આજે રોષ ઠાલવવામાં આવ્યો છે.

Most Popular

To Top