ચીનમાં લોકડાઉન અને જિનપિંગ સામે વિરોધ અને કોરોનાને લીધે ફરી દુનિયાનો જીવ અદ્ધર
ચીન અત્યાર સુધી ઝીરો કોવિડ નીતિ અપનાવતું અને એકાદ કેસમાં પણ લૉકડાઉન લાદી દેતું. કોરોના સામે ચીનની આ કિલ્લેબંધીથી લોકો નારાજ થયા. એમાં એક આગની દુર્ઘટનામાં લોકડાઉનને લીધે ફાયરને મુશ્કેલી પડી એનાથી લોકોએ કોવિડ નિયંત્રણો સામે દેખાવો શરૂ કર્યા. જિનપિંગ સામે પણ દેખાવો થયા. ચીનમાં આ પ્રકારના દેખાવો અસામાન્ય અને દુર્લભ હતા અને એનાથી તિયાનમેન સ્કેવરના દેખાવોની યાદ તાજી થઈ. કોરું એ4 સાઇઝનું કાગળ ચીનમાં વિરોધનું પ્રતીક બની ગયું અને આખરે ચીને મોટા ભાગના પ્રતિબંધો ઉઠાવી લેવા પડ્યા અને પરિણામ એ આવ્યું કે ચીનમાં કોરોના વકરી ગયો અને લોકો મરવા લાગ્યા. ચીન સહિત વિશ્વના કેટલાક દેશોમાં કોરોનાના કેસો ફરી વધતા વર્ષના અંતે દુનિયાનો જીવ અદ્ધર થઈ ગયો છે કે ત્રણ વર્ષે પણ આણે ફરી ઠેરના ઠેર?
કેનેડામાં ટ્રક ચાલકોનો વિરોધ
કેનેડા સરકારે ટ્રક ચાલકો માટે કોવિડ રસીકરણ ફરજિયાત કરી દેતા ટ્રક ચાલકોએ જાણે આખા દેશને બાનમાં લઈને વિરોધ રેલી કાઢી અને સંસદને ઘેરાવ કર્યો. આ હડતાલથી કેનેડાના અર્થતંત્રને છ અબજ ડૉલરનો ફટકો પડ્યો અને સપ્લાય ચેઈન જે ઓલરેડી ખોરવાઇ હતી એમાં વધુ વિક્ષેપ પડ્યો.
ઈરાનમાં ફરજિયાત હિજાબ સામે ભારે વિરોધ
16 સપ્ટેમ્બરે ઇરાનમાં જીના નામની 22 વર્ષની યુવતી મિત્રો સાથે હિજાબ પહેર્યા વિના નીકળી અને તેની ધરપકડ થઈ. ઝપાઝપીમાં એને ઇજા થઈ અને બાદમાં મૃત્યુ થયું. સરકારે હાર્ટ એટેકથી મોત ગણાવ્યું તો લોકોનો આક્ષેપ હતો કે તેને નિર્દયતાથી માર મરાતા મૃત્યુ થયું. આ ઘટના સામે ઇરાન જ નહીં પણ વિશ્વના ઘણા ભાગોમાં હજીય દેખાવો થઈ રહ્યા છે. જાહેરમાં યુવતીઓએ વાળ કાપીને વિરોધ પ્રદર્શન કર્યા. ઇરાનમાં આવા દેખાવો સામે પોલીસ તૂટી પડી અને 300થી વધુ મહિલાઓનાં મોત નીપજાવ્યાના હેવાલો છે. અંતે ઇરાને મોરલ પોલીસ કાર્યવાહી ન કરે એવી જાહેરાત કરી પણ એમાંય ઘણી અસ્પષ્ટતા છે. આ વિરોધ પણ વિશ્વમાં ચર્ચાસ્પદ બની રહ્યો.
રશિયા સામે વિરોધ
રશિયાએ યુક્રેન પર આક્રમણ કરતા યુરોપ અને અમેરિકામાં રશિયા સામે પ્રચંડ વિરોધ થયો. 27 ફેબ્રુઆરીના રોજ જર્મનીના બર્લિનમાં બ્રાન્ડેનબર્ગ ગેટ પર યુદ્ધ-વિરોધી વિરોધ પ્રદર્શન દરમિયાન પ્રદર્શનકારીઓ યુક્રેનિયન ધ્વજ ધરાવતા અન્ય લોકો ની સાથે પ્લેકાર્ડ ધરાવે છે.
શ્રીલંકા રાંક અને લોકોએ પ્રચંડ વિરોધ કરીને રાષ્ટ્રપતિને ભગાડ્યા
કોરોના કાળમાં સોનાની લંકા શ્રીલંકાની દશા બેઠી અને બે વર્ષથી હાલાકી ભોગવી રહેલા લોકોની ધીરજ ખૂટી. જરૂરી વસ્તુઓ અને બળતણની અછત અને મોંઘવારીથી ત્રસ્ત પ્રજાએ એવો પ્રચંડ વિરોધ કર્યો કે રાષ્ટ્રપતિએ દેશ છોડીને ભાગવું પડ્યું. દેખાવકારોર 13 એપ્રિલે સંસદ ભવનમાં ઘૂસીને દેખાવો કર્યા, તોડફોડ કરી અને રાષ્ટ્રપતિના આલીશાન નિવાસમાં ઘૂસી જઈને સ્વિમિંગ પુલમાં ડુબકી મારી. હવે નવી સરકાર આવી છે. વડા પ્રધાને કહ્યું કે શ્રીલંકામાં અર્થતંત્ર જેવું છે શું કે સુધારા કરીએ.