Gujarat

ક્ષત્રિય સમાજ હવે ભાજપ વિરૂદ્ધ આકરાપાણીએ, રાજ્યમાં ઠેરઠેર વિરોધ પ્રદર્શનો

ગાંધીનગર: (Gandhinagar) પરસોતમ રૂપાલાનો (Purshottam Rupala) વિરોધ કરતાં હવે ધીમે ધીમે ભાજપનો વિરોધ આક્રમક બની રહ્યો છે. રૂપાલાના વિરોધનો ભોગ ભાજપના ઉમેદવાર બની રહ્યાં છે. જામનગરમાં ભાજપના ઉમેદવાર પૂનમ માડમની સભામાં ક્ષત્રિયોએ વિરોધ પ્રદર્શન કર્યો હતો, અને રૂપાલા હાય હાયના નારા લગાવ્યા હતા.

  • જામનગરમાં ભાજપના ઉમેદવારોનો વિરોધ, જામખંભાળિયામાં ‘ભાજપને મત નહીં’નો હુંકાર
  • ભાવનગરના સોનગઢ ગામમાં રૂપાલાના વિરોધમાં બંધ પડાયો, છોટાઉદેપુરના વાસણા ગામે ક્ષત્રિય સમાજની બેઠકમાં ભાજપને ઘરે બેસાડવા રણનીતિ

રાજ્યભરમાં ક્ષત્રિયો હવે આક્રમક બન્યા છે. નારી અસ્મિતાના મુદ્દે કોઈપણ બાંધછોડ કરવા માંગતા નથી. હવે ક્ષત્રિય સમાજ ખુલીને ભાજપનો વિરોધ કરવા મેદાને પડ્યો છે. જામનગરમાં પૂનમ માડમની ચૂંટણી સભામાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના યુવકો પહોંચી ગયા હતા, અને વિરોધ પ્રદર્શન કરી રૂપાલા હાય હાયના નારા લગાવ્યા હતા. આ વિરોધ પ્રદર્શન થતાં જ જાહેર સભામાં સન્નાટો છવાઈ ગયો હતો. બીજી તરફ વિરોધ પ્રદર્શન કરી રૂપાલા હાય હાયના નારા લગાવતા ક્ષત્રિય યુવકોને સમજાવવામાં આવ્યા હતા. જોકે આખરે પોલીસ તેઓને બહાર લઈ ગઈ હતી.

ક્ષત્રિય અસ્મિતા ધર્મરથ જામખંભાળિયા પહોંચ્યો
ક્ષત્રિય સમાજ દ્વારા કાઢવામાં આવેલા ક્ષત્રિય અસ્મિતા ધર્મરથ આજે જામખંભાળિયા પહોંચ્યો હતો, ત્યારે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડી ભાજપનો વિરોધ કર્યો હતો. સાથે જ ક્ષત્રિય સમાજ વાડીમાં મળેલી સમાજની બેઠકમાં સમાજના આગેવાન સંજયસિંહે ભાજપને મત નહીંનો હુંકાર કરીને ઉપસ્થિત તમામ ક્ષત્રિય સમાજના લોકોને ભાજપનો ખુલ્લો વિરોધ કરવા અને કોંગ્રેસને મત આપવા સોગંધ લેવડાવ્યા હતા. આમ હવે ક્ષત્રિય સમાજ ભાજપ સામે ખુલ્લો વિરોધ કરી રહ્યું છે. કોઈપણ સંજોગોમાં ભાજપને વોટ નહીં આપવા સમાજની સાથે અન્ય સમાજને પણ અપીલ કરી રહ્યા છે.

રૂપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જ બંધ રહ્યું
પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ માટે કરવામાં આવેલા વિવાદિત નિવેદન બાદ ક્ષત્રિય સમાજે રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી કરી હતી, પરંતુ ભાજપ દ્વારા રૂપાલાની ટિકિટ રદ ન કરવામાં આવતા ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ મેદાને પડ્યો છે. જેના પગલે રાજ્ય સહિત દેશભરમાં ક્ષત્રિય સમાજ ભાજપનો ખુલ્લેઆમ વિરોધ કરી રહ્યો છે. ભાવનગરના સોનગઢ ગામ ખાતે રૂપાલાના વિરોધમાં આખા ગામે આજે બંધ પાડ્યો હતો, અને રોજગાર, ધંધા, લારી- ગલ્લા સહિત તમામ સંસ્થાઓ બંધ રાખીને ગામ લોકોએ સજ્જડ બંધ પાડીને રૂપાલાની સાથે ભાજપનો વિરોધ કર્યો હતો. ગામ લોકોએ રૂપાલા વિરુદ્ધ સૂત્રચાર કરી ભાજપને મત નહીં આપવા અપીલ કરી હતી.

છોટાઉદેપુરના વાસણા ગામે ક્ષત્રિય સમાજની બેઠક ભાજપને ઘરે બેસાડવા રણનીતિ
રૂપાલાના વિરોધમાં રાજ્યભરમાં ઠેર ઠેર ક્ષત્રિય સમાજની બેઠકો, રેલીઓ, સભાઓ, ધર્મરથ દ્વારા ક્ષત્રિય સમાજના લોકો ભાજપનો વિરોધ કરી રહ્યાં છે. તેવામાં છોટાઉદેપુરના વાસણા ગામ ખાતે ક્ષત્રિય સમાજની એક બેઠક મળી હતી. આ બેઠક આખી રાત ચાલી હતી. આ બેઠકમાં છોટાઉદેપુર વડોદરા, દાહોદ, સહિતના વિસ્તારોના ક્ષત્રિય સમાજના યુવકો આગેવાનો તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા, તેઓએ ભાજપ વિરુદ્ધ મતદાન કરવા અપીલ કરી હતી. સમાજના અગ્રણીએ કહ્યું હતું કે સમાજ હવે જાગી ગયો છે. રૂપાલાને હવે કોઈપણ સંજોગોમાં માફી આપવાના મૂડમાં નથી. રૂપાલાની ટિકિટ ભાજપ દ્વારા રદ ન કરાતા હવે ભાજપે પણ પરિણામ ભોગવવા પડશે. ક્ષત્રિય સમાજ અન્ય સમાજને સાથે રાખીને ભાજપને ઘેર બેસાડવાની રણનીતિમાં લાગી ગયો છે.

Most Popular

To Top