SURAT

વૈકલ્પિક જગ્યા આપ્યા વિના સુરત પાલિકાએ 20 વર્ષ જૂનું અલથાણનું વેજિટેબલ માર્કેટ તોડવાનું શરૂ કરતા રોષ

સુરત: અલથાણ ટેનામેન્ટના રિડેવલપમેન્ટ બાદ સુરત મનપા દ્વારા અલથાણ વેજીટેબલ માર્કેટના રિડેવલપમેન્ટની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવનાર છે. નવા માર્કેટ માટેનો પ્લાન મંજૂર થઈ ગયો છે અને કોન્ટ્રાક્ટ આપી દેવાયા છે.

દરમિયાન અહીં શાકભાજી વેચતા વેપારીઓને વૈકલ્પિક જગ્યા ફાળવવાનું વચન પાલિકા દ્વારા આપવામાં આવ્યું હતું, પરંતુ આજે તા. 16 મેની સવારે જેસીબી લઈ પાલિકાનો સ્ટાફે વેજીટેબલ માર્કેટના શેડ તોડવાની કામગીરી શરૂ કરતા રોષે ભરાયા હતા. વિરોધના પગલે શાકભાજીના લારીવાળાને શિવમ હોસ્પિટલની બાજુમાં વૈકલ્પિક જગ્યા ફાળવવામાં આવતા મામલો શાંત પડ્યો છે.

આ અગાઉ શાકભાજીવાળાઓએ વૈકલ્પિક જગ્યાની માંગણી કરી હતી, પરંતુ અધિકારીઓએ આઝાદ નગરમાં રોડ પર ધંધો કરો એવું ચોપડાવી દીધું હતું. જોકે, વેપારીઓએ વિરોધ કર્યો હતો.

સ્થાનિક વેપારીઓએ રોષ વ્યક્ત કરતાં કહ્યું કે, 20 વર્ષ પહેલાં અહીં પાલિકા દ્વારા જગ્યા ફાળવવામાં આવી હતી. ત્યારે લાયસન્સ બનાવાયા હતા. તેની પર 20 વર્ષથી શાકભાજી વેચી પરિવારનું ગુજરાન ચલાવીએ છે. નવી માર્કેટ બને તેની સામે અમને વાંધો નથી, પરંતુ એ માર્કેટ ક્યારે બનશે તેની સમયમર્યાદા નક્કી નથી. અમારી માંગણી એટલી જ છે કે જ્યાં સુધી નવું માર્કેટ ન બને ત્યાં સુધી અમને શાકભાજી વેચવા માટે યોગ્ય જગ્યા ફાળવવામાં આવે.

જ્યારે ટેનામેન્ટના રહીશોને નવા આવાસ બન્યા ત્યાં સુધી ભાડા આપવામાં આવ્યા તો પાલિકા અમને વેપાર કરવા માટે કોઈ જગ્યા પણ ન આપી શકે? એવો પ્રશ્ન શાકભાજીવાળાઓએ ઉઠાવ્યો હતો. આ સાથે જ શાકભાજીવાળાઓએ એવો સવાલ પણ ઉઠાવ્યો હતો કે નવા માર્કેટમાં જગ્યા કેવી રીતે મળશે તે અંગે પણ પાલિકા દ્વારા કોઈ સ્પષ્ટતા કરાઈ નથી. આ અંગે સ્પષ્ટતા કરવા પણ માંગ કરાઈ છે.

પાલિકાના અધિકારી જતીન દેસાઈએ કહ્યું કે, નવું માર્કેટ બનાવવા માટે જૂનું માર્કેટ તોડવામાં આવી રહ્યું છે. ત્યાં સુધી ફેરિયાઓ આઝાદનગરના રસ્તા પર વેપાર કરી શકે છે. જ્યારે નવું માર્કેટ બનશે ત્યારે જગ્યા ફાળવવામાં આવશે.

અહીં પ્રશ્ન એ ઉઠે છે કે, પાલિકા એક તરફ ઝીરો દબાણ નીતિનો કડક અમલ કરાવે છે બીજી તરફ 20 વર્ષથી લાયસન્સ ધરાવતા વેપારીઓની જગ્યા તોડી તેઓને રસ્તા પર વેપાર કરવા મજબૂર કરે છે. અલથાણના માર્કેટમાં 20 વર્ષ કરતા વધુ સમયથી શાકભાજી કે અન્ય નાની મોટી ચીજો વેચી પોતાનું ગુજરાન ચલાવતા 3000થી વધુ નાના ફેરિયા, વેપારીઓને રોડ પર ધંધો કરવાનું કહી રઝળતા મુકી દેવા એ કેવી નીતિ?

Most Popular

To Top