સાયણ: સરકારના રેલવે મંત્રાલયે ગોથાણથી હજીરા સુધી નવી ગુડ્ઝ ટ્રેઈન માટે નવી ટ્રેક નાંખવા કલેક્ટરે જમીન સંપાદન માટે જાહેરનામું પ્રસિદ્ધ કરતાં ઓલપાડ અને ચોર્યાસી તાલુકાનાં અસરગ્રસ્ત ગામના ખેડૂતોમાં આક્રોશ ફેલાયો છે. જેના પગલે ભોગ બનેલા ખેડૂતોની વહારે ઓલપાડ તેમજ ચોર્યાસી તાલુકા કોંગ્રેસ સમિતિના નેતાઓ આવ્યા છે. જેથી સોમવારે બંને તાલુકાનાં કોંગ્રેસ પ્રમુખોનાં નેજા હેઠળ ઓલપાડ પ્રાંત અધિકારી તેમજ કલેક્ટર કચેરી ખાતે જમીન સંપાદન અધિકારીને આવેદનપત્ર આપી અસરગ્રસ્ત ખેડૂતો સહિત કોંગ્રેસી કાર્યકરોએ સરકાર સામે બાંય ચઢાવી વિરોધનું રણશિંગું ફૂંક્યું હતું.
પ્રાપ્ત વિગત મુજબ ભારત સરકારના રેલવે મંત્રાલયે ગોથાણથી હજીરા સુધી ગુડ્ઝ ટ્રેઈન માટે નવી ટ્રેક નાંખવાનો પ્રોજેક્ટ જાહેર કર્યો છે. જેથી રેલવે અધિનિયમ-૧૯૮૯ના ૨૦-‘એ’ હેઠળ કેન્દ્ર સરકારના રેલવે મંત્રાલયે તા.૧૩/૦૬/૨૦૨૩ના રોજ ગેઝેટ બહાર પાડી સુરત જિલ્લાના ઓલપાડ તેમજ ચોર્યાસી તાલુકાનાં ગામોના ખેડૂતોની ખેતીની જમીનમાંથી ગુડઝ ટ્રેન ટ્રેક નાંખવા માટે જમીન સંપાદનનું જાહેરનામું બહાર પાડ્યું છે. જેના પગલે ઓલપાડ તેમજ ચોર્યાસી તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતોમાં આક્રોશ અને ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
આ જાહેરનામાના વિરોધમાં સોમવાર, તા.૧૭ના રોજ ઓલપાડ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશોકભાઈ પટેલના નેતૃત્વમાં અસરગ્રસ્ત ખેડૂતોએ ઓલપાડ પ્રાંત અધિકારીને જમીન સંપાદન થવાથી ખેડૂતોને નુકસાનનાં જુદાં જુદાં નવ કારણો દર્શાવી આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો.
ઓલપાડ કોંગ્રેસ સમિતિ પ્રમુખે આક્રોશ ઠાલવી જણાવ્યું હતું કે, આ જમીનો ફળદ્રુપ, ઉપજાવ અને ખેતીલાયક તેમજ પશુપાલન માટે ખૂબ જ ઉપયોગી હોવાથી આ જમીન ખેડૂતોની રોજીરોટી અને આજીવિકાનું એકમાત્ર સાધન છે. જેથી અસરગ્રસ્ત ખેડૂતો આવનારી પેઢીના ભવિષ્યને લઈને સતત ચિંતિત હોવાથી ગ્રામજનોમાં ભય સાથે આક્રોશ ફેલાયો છે.
જેથી અસરગ્રસ્ત ખેડૂતો તરફે ઓલપાડ કોંગ્રેસ સમિતિ હોવાથી આ જમીન કોઈપણ સંજોગોમાં સરકાર દ્વારા સંપાદન નહીં કરવા દઈએ અને ખેડૂતોનાં હિત માટે જરૂર પડ્યે અમે અહિંસક આંદોલન કરતાં ખચકાશું પણ નહીં. જેથી આ બાબતે પુનઃ વિચારણા કરવા અમારી સરકારને અપીલ કરી હતી.
ગોથાણથી હજીરા ક્રિભકોની હયાત રેલવેલાઇનની બાજુની પડતર જમીનમાં જ નવો ટ્રેક નાંખો
ચોર્યાસી તાલુકાના મલગામા ગામના અસરગ્રસ્ત ખેડૂતોએ કલેક્ટર કચેરી ખાતે વિરોધ કરી જમીન સંપાદન અધિકારીને આવેદનપત્ર આપતાં જણાવ્યું કે, ગોથાણથી હજીરા સુધીની હાલની હયાત ક્રિભકોની જે રેલવેલાઇન છે. તેની સંપાદન કરેલી જમીન હાલમાં પણ પડતર પડેલ છે.
જ્યારે સરકાર તરફથી હાલમાં નવી રેલવે ટ્રેક નાંખવા માટે જાહેરનામામાં બતાવેલા નકશા મુજબની ખેડૂતોની જમીન સંપાદન થવાથી જમીનના બે ટુકડા થઈ જાય છે. જ્યારે બે રેલવેની વચ્ચે જે જમીન આવેલી છે તે ભૌગોલિક દૃષ્ટિએ અને આર્થિક રીતે જમીનની વેલ્યુ ખૂબ જ નીચી જતી હોવાથી ભવિષ્યમાં ખેડૂતોને આર્થિક રીતે ખૂબ જ મોટું નુકસાન થાય તેમ છે. જ્યારે મલગામા ગામનું ભૌગોલિક દૃષ્ટિએ ગામનું ગામતળ નીચું હોવાથી ખૂબ વરસાદ થવાથી કે પૂર આવે ત્યારે ગામમાં પાણીનો નિકાલ થઇ શકે તેમ નથી. જેથી આ જાહેરનામાનો વિરોધ કરીએ છીએ.