પૃથ્વી પર અનેક જગ્યાએ પ્રકૃતિએ સૌંદર્ય વેર્યું છે, જેનો જન્નતની તસ્વીર તરીકે સ્વીકાર થયો છે, પણ ગંદા મૂડીવાદને રંગે રંગાયેલાઓ પ્રકૃતિશત્રુ તરીકેની ભૂમિકા અદા કરવા તત્પર રહે છે અને તેને દોઝખની તસ્વીર બનાવી દે છે. ધનબળ વડે તેઓ સમાજ અને રાજસત્તા પર ધાર્યો પ્રભાવ પાડી પોતાનો હેતુ સિધ્ધ કરે છે. વિકાસને નામે પ્રકૃતિની છેડછાડ કરે છે, જમીનો કબજે કરી પ્રકૃતિ સંતુલનને બગાડે છે, પ્રદૂષણ ફેલાવે છે. પર્વતો ખોદી માર્ગો કે ટનલો બનાવતાં હોનારતો સર્જે છે, ઋતુચક્રને પણ ફેરવી દે છે, જળ અને વાયુનું વેપારીકરણ ચાલે છે. નર્યા સ્વાર્થ સાથે જ પ્રજાને છેતરે છે.
પ્રકૃતિને ખોળે ઉછરેલી સ્થાનિક પ્રજાની સંસ્કૃતિને હાનિ પહોંચાડે છે. કોઇ ખેડૂતનું ઉદાહરણ યાદ આવે છે કે તેની વિશાળ જમીન, હરિયાળી અને ખેતરની સુરક્ષા કાજે વિશાળ વાડ અને દિવાલોનું નિર્માણ કર્યું હતું તેને ધનબળ અને શાસકીય પ્રભાવથી તોડી પાડતાં આખલા જેવાં પશુઓ ધસી જઇ કુદરતી જગ્યાની દુર્દશા કરી દીધી. અબજોની ધનસંપત્તિ ધારક પ્રકૃતિ મારક બની. આખલા સ્વરૂપે આક્રમક થઇ શકે છે અને ન્યાયની દુહાઇ દઇને કબજો કરી શકે છે. સ્થાનિક પ્રજા વિવશ થઇ સહન કરી લે છે.
ધનપતિઓ વિશેષમાં દલીલ કરી શકે છે કે સ્થાનિક લોકોનો આવો વિશેષાધિકાર રાષ્ટ્રની એકતા, સમભાવની વિરુધ્ધ છે. જો આવી જ દલીલ આગળ વધે તો વિવિધતામાં એકતા ધરાવનાર દેશમાં વિવિધ સંસ્કૃતિઓ, પરંપરાઓ, ધર્મો અને સંગઠનો પણ એકતાવિરોધી બની જાય. અનધિકૃત હસ્તક્ષેપને માન્યતા મળી જાય. કમજોર વર્ગનાં લોકોના અધિકાર ઝૂંટવાઇ જાય. કુદરતે ઉદારતાપૂર્વક ઠેર ઠેર વેરેલી સુંદરતા હવે ભયમાં છે અને તેથી જ તે ઘણી વાર રૌદ્ર સ્વરૂપે વિનાશલીલા પણ દર્શાવે છે. પ્રકૃતિસુરક્ષા આજની પ્રથમ જરૂરત છે. સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વૈવિધ્ય, સુરક્ષા જાળવીને થતો વિકાસ જ માનવસમાજની સાચી દિશા ગણાય.
સુરત – યૂસુફ એમ. ગુજરાતી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
સુરતને હવે ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ આપો
હાલમાં જ સુરત શહેરની જનતા માટે ગૌરવ લેવા જેવો નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવ્યો છે, જે અનુસાર સુરતને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો આપવામાં આવ્યો છે. ગુજરાતનાં મહાનગરપાલિકા ધરાવતાં શહેરો જેમકે અમદાવાદ, વડોદરા અને રાજકોટ તમામ શહેરોમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ છે, પરંતુ એ જ ક્ષમતા ધરાવતા સુરત શહેરમાં કેમ અત્યાર સુધી ઇન્ટરનેશનલ કક્ષાના સ્ટેડિયમનું નિર્માણ થયું નથી? આ અંગે પણ કેન્દ્ર સરકારે ધ્યાન આપી ક્રિકેટપ્રેમી સુરતની જનતા માટે ઇન્ટરનેશનલ સ્ટેડિયમના નિર્માણ અંગે હકારાત્મક નિર્ણય લેવો જ જોઇએ જે માટે સુરતની જનતા સંપૂર્ણ હક્કદાર છે.
સુરત – રાજુ રાવલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે