આણંદ, તા.8
ખંભાત ખાતે યોજાયેલી પ્રાકૃતિક કૃષિ શિબિરને સંબોધતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, ખેતીમાં ઉપયોગ લેવાતા રાસાયણિક ખાતર અને દવાના કારણે ગ્લોબલ વોર્મિંગમાં વધારો થયો છે, એટલું જ નહી પરંતુ રાસાયણિક ખાતર- દવાના વધુ પ્રમાણમાં ઉપયોગને કારણે પ્રકૃતિનું સંતુલન જાળવતા જીવ જંતુ – બેક્ટેરીયા નાશ પામ્યા છે, જેના પરિણામે આજે ધરતી બંજર બની રહી છે. ધરતીને બંજર બનતી અટકાવવાનો અને પર્યાવરણનું જતન કરવાનો એકમાત્ર વિકલ્પ પ્રાકૃતિક કૃષિ છે. આપણે હવા, પાણી અને જમીનને પ્રદુષિત કરીને પ્રકૃતિનું શોષણ કર્યું છે, જેનો દંડ પ્રકૃતિ આપી રહી છે. ગત વર્ષે આવેલા બે વાવાઝોડા તેના સાક્ષી છે. પ્રકૃતિને બચાવવા પ્રાકૃતિક ખેતી જ એક માત્ર અસરકારક હથિયાર સાબિત થઈ શકે એમ છે, તેમ જણાવી રાજયપાલે ઉપસ્થિત સૌને ગુરુદક્ષિણા રૂપે પ્રાકૃતિક કૃષિ અપનાવવા અપીલ કરી હતી.
ખંભાત તાલુકા સાર્વજનિક કેળવણી મંડળ અને પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલય દ્વારા ખંભાત ખાતે યોજાયેલ પ્રાકૃતિક કૃષિ શિબિરને સંબોધતાં રાજયપાલ દેવવ્રતે ઉપસ્થિત તમામને સામાજિક-પારિવારિક પ્રસંગોની ઉજવણી પ્રસંગે એક વૃક્ષ વાવી અને તેનું જતન કરવા અનુરોધ કરતાં ઉમેર્યું હતું કે, વૃક્ષ વાવી તેનું ૩ વર્ષ સુધી રક્ષણ કરશો તો તે વૃક્ષ આખી જિંદગી તમારું રક્ષણ કરશે. વૃક્ષો વાતાવરણમાંથી ઝેરરૂપી કાર્બન ડાયોક્સાઇડ લઈને આપણને અમૃતરૂપી ઓક્સિજન આપે છે. આથી જ વૃક્ષોનું જતન કરવું એ આપણા સૌની ફરજ છે.
પ્રાકૃતિક કૃષિના ફાયદા વર્ણાવતાં રાજ્યપાલએ ઉમેર્યું હતું કે, રાસાયણિક ખાતર અને દવાઓના કારણે ગ્લોબલ વૉર્મિંગમાં સતત વધારો થઈ રહ્યો છે, તેવા સમયે ધરતી માતાને બચાવવા પ્રાકૃતિક કૃષિ અસરકારક શસ્ત્ર સાબિત થઈ શકે છે. પ્રાકૃતિક કૃષિ માટે વપરાતા ગાયના એક ગ્રામ છાણમાં ત્રણ સો કરોડથી વધુ સૂક્ષ્મ જીવાણું હોય છે. ભારતીય દેશી ગાયોનું છાણ બેક્ટેરિયા અને ગૌમુત્ર ખનીજનો ભંડાર છે. જેનાથી બનતા જીવામૃતમાં દર 20 મિનિટે સૂક્ષ્મ જીવાણુંઓની સંખ્યામાં બમણો વધારો થાય છે, આ જીવામૃતનો ખેતીમાં ઉપયોગ કરવાથી જમીનના સેન્દ્રીય કાર્બનમાં વધારો થવાની સાથે જમીનની ગુણવત્તામાં પણ સુધારો થાય છે.
રાજ્યપાલે વધુમાં કહ્યું હતું કે, ખેતીમાં વધૂ પડતા રાસાયણિક ખાતરોના વપરાશને કારણે જમીનમાં સુક્ષ્મ જીવાણુંઓનું પ્રમાણ ઘટતાં ઓર્ગેનિક કાર્બન ઓછો થયો છે, પ્રાકૃતિક ખેતીથી જમીનમાં સુક્ષ્મ જીવાણુંઓનું પ્રમાણ વધે છે એટલું જ નહી, જમીનના ઓર્ગેનિક કાર્બનમાં પણ ઝડપથી વધારો થાય છે. હરિત ક્રાંતિના સમયે સમગ્ર દેશની જમીન જંગલ જેવી ઉપજાઉ હતી. તે સમયે જમીનનો સેન્દ્રીય કાર્બન 2 થી 2.5 ટકા હતો, જે હવે ઘટીને 0.2 થી 0.5 ટકા થઈ ગયો છે. જેનો અર્થ થાય કે હવે દેશની જમીન બિન ઉપજાઉ બની ચૂકી છે.
રાજ્યપાલે ખેતીમાં વપરાતા યુરિયામાં રહેલા નાઇટ્રસ ઓક્સાઈડ કાર્બન ડાયોક્સાઇડથી 312 ગણો વધુ નુકશાનકારક છે અને ગ્લોબલ વોર્મિગ માટે જવાબદાર હોવાનું જણાવી ઉમેર્યું હતું કે, ગત વર્ષે દેશમાં રૂ. 2.5 લાખ કરોડના યુરિયાની આયાત કરવામાં આવી છે. આપણે રૂ. 2.5 લાખ કરોડ રૂપિયા આપીને વિદેશમાંથી ઝેર ખરીદીએ છીએ. તેની સામે જો પ્રાકૃતિક ખેતી અપનાવીએ તો પ્રકૃતિની સાથે રૂપિયાને પણ બચાવી શકીએ.