સુરતઃ યોગીચોક સાવલિયા સર્કલ પાસે આવેલા શુભમ રેસીડેન્સીના પહેલા માળે દુકાનની આડમાં ચાલતા કુટણખાના ઉપર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ બ્રાન્ચે રેડ પાડી હતી. રેડ દરમિયાન સંચાલક અને 3 ગ્રાહકોની ધરપકડ કરી 7 મહિલાઓને મુક્ત કરાવી હતી. પોલીસે દુકાન માલિક અને અન્ય એક સંચાલક સહિત બેને વોન્ટેડ જાહેર કર્યા છે.
- યોગીચોકમાં દુકાનની આડમાં ચાલતું કુટણખાનું ઝડપાયું
- પોલીસે એક સંચાલક, 3 ગ્રાહકની ધરપકડ કરી 7 મહિલા મુક્ત કરાવી
- અન્ય સંચાલક, દુકાન માલિક વોન્ટેડ
પોલીસ પાસે મળતી માહિતી મુજબ ક્રાઇમ બ્રાન્ચની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે બાતમી મળી હતી કે યોગીચોકમાં આવેલી શુભમ રેસીડેન્સીમાં દુકાનની આડમાં કૂટણખાનું ચાલી રહ્યું છે. પોલીસની ટીમે બાતમીના આધારે યોગીચોક સાવલિયા સર્કલ પાસે આવેલા શુભમ રેસીડેન્સીના પહેલા માળે દુકાન નં.110 અને 111માં રેડ કરી હતી.
રેડ દરમિયાન દેહ વેપારનો ધંધો ચલાવતા સંચાલક બિશ્વારૂપ બારૂન દેય (ઉં.વ.28, રહે., મચ્છી માર્કેટ પાસે, નાનપુરાસ સુરત. મૂળ પશ્ચિમ બંગાળ) તથા ગ્રાહક રોહિત પરષોત્તમભાઈ પટેલ (ઉં.વ.૨૯ રહે., ત્રિકમનગર સોસાયટી, લંબેહનુમાન રોડ, વરાછા, મૂળ રહે., જુનાગઢ), માનવ વિજયભાઇ પાંડવ (ઉં.વ.૨૨ રહે., રમણનગર સોસાયટી, અખંડ આનંદ કોલેજ પાસે, વેડ રોડ, કતારગામ, મૂળ અમરેલી) અને વિશાલ રમેશભાઇ ટાંક (ઉં.વ.24 રહે., ૪૦૨, અંજલી વિલા એપાર્ટમેન્ટ, અંબિકાનગર, કતરાગામ, મૂળ અમરેલી)ની ધરપકડ કરી હતી.
પોલીસે સ્થળ પરથી રોકડા 14 હજાર તથા 36,500 ના 4 મોબાઈલ ફોન તેમજ લાઈટ બીલ મળી કુલ 50,500 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે પોલીસે અન્ય એક સંચાલક આરોપી ગૌરવ અને દુકાન માલિક દીપકને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે રેડ દરમિયાન 7 મહીલાઓને મુકત કરાવી છે. પોલીસે ધી ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એકટ અંતર્ગત ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.