શહેરના ઔદ્યોગિક વિસ્તારમાં ઈન્ડસ્ટ્રીયલ યુનિટની આડમાં ચાલતું કૂટણખાનું પકડાયું છે. વરાછાના ઘનશ્યામનગરમાં એક યુનિટની અંદર ઘણા સમયથી દેહવેપાર ચાલતો હતો. બાતમીના આધારે વરાછા પોલીસે રેડ કરતા લલનાઓ સાથે કઢંગી હાલતમાં 6 ગ્રાહકો પકડાયા હતા. મહિલા દ્વારા આ કુટણખાનું ચલાવવામાં આવી રહ્યું હતું, તે મહિલા સંચાલક પણ પકડાઈ છે. દેહવેપારમાં સામેલ 3 લલનાનું રેસ્ક્યુ કરાયું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર બાતમીના આધારે વરાછા પોલીસે ઘનશ્યામનગર સ્થિત એક યુનિટમાં દરોડા પાડ્યા હતા. તપાસ દરમિયાન દેહવેપારમાં સંડોવાયેલી ત્રણ મહિલાઓનું રેસ્ક્યુ કરાયું હતું, જ્યારે એક મહિલા સંચાલિકા તથા છ ગ્રાહકોને પકડી લેવાયા હતા. આ કૂટણખાનું છેલ્લા બે મહિનાથી ચાલી રહ્યું હોવાની તપાસમાં વિગતો બહાર આવી છે.
ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં કામ કરતા પરપ્રાંતીયો માટે અહીં કૂટણખાનું શરૂ કરાયું હતું. ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં કાર્યરત શ્રમિકો આ કૂટણખાનામાં આવતા હતા. ગ્રાહકોને સ્પેશિયલ રૂમોમાં શરીર સુખની સુવિધાઓ પૂરી પાડવામાં આવતી હતી. આ આખું નેટવર્ક મહિલા સંચાલિકા જ ચલાવતી હતી. ગ્રાહક પાસેથી 500, 700 અને 1000 રૂપિયા વસૂલવામાં આવતા હતા.
વરાછા પોલીસે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહિલા સંચાલક તેમજ છ ગ્રાહકો સામે ‘દ ઇમોરલ ટ્રાફિકિંગ (પ્રિવેન્શન) એક્ટ, 1956’ની લાગુ પડતી કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ત્રણેય મહિલા દેહવેપારની શિકાર બની હોવાનું અનુમાન છે, જેના આધારે તેમને રેસ્ક્યૂ કરીને સેફ હાઉસમાં ખસેડવામાં આવી છે.
મહિલા સંચાલકની પૂછપરછ દ્વારા આ નેટવર્કના બીજા સદસ્યો, તેમના સંપર્કો તથા કોને કોને ગ્રાહક તરીકે બોલાવવામાં આવતા હતા તેની વિગત મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.