સુરત: દેહના સોદાગરો પોલીસથી બચવા માટે અવનવી તરકીબો અજમાવતા રહે છે. સુરત શહેરમાં હવે શોપિંગ કોમ્પલેક્સ, મોલ્સમાં આવેલી દુકાનો અને હોટલોમાં એજન્ટ મારફતે લલનાઓને મોકલી દેહવ્યાપાર કરાવવામાં આવી રહ્યો છે. જોકે, સુરત પોલીસની નજરથી આ ગોરખધંધો બચી શક્યો નથી.
- ક્રિસ્ટલ પ્લાઝાની સાથી હોટલનો સંચાલક ચલાવતો હતો
- એજન્ટો ગ્રાહકને મોકલતા અને હોટલ સંચાલક લલના ઉપલ્બ્ધ કરાવતો હતો
- પોલીસે હોટલ સંચાલક કાલુરામ અને ગ્રાહક હીરા દલાલ જિગ્નેશ સાંઘાણીને પકડ્યા, બે એજન્ટ વોન્ટેડ
સુરત પોલીસે કાપોદ્રાના સિલ્વર ચોક પાસેના ક્રિસ્ટલ પ્લાઝામાં આવેલી ઓયો હોટલમાંથી કુટણખાનું પકડી પાડ્યું છે. ક્રિસ્ટલ પ્લાઝાના પહેલાં માળે 64-એફ દુકાન નં. 112, 113માં સાથી રૂમની હોટલમાં બાતમીના આધારે રેડ કરી હતી. આ હોટલનો સંચાલક કાલુરામ બસ્તીરામ સરગરા (ઉં.વ. 45, રહે. 64-એફ, દુકાન નં. 113, સાથી રૂમ, ક્રિસ્ટલ પ્લાઝા, મૂળ આઉવા તા. મારવાડ, જી. પાલી , રાજસ્થાન) પોતાની હોટલમાં દેહવ્યાપારની સગવડ પુરી પાડતો હતો.
પોલીસે રેઈડ કરી ત્યારે ભારતીય મૂળની લલના સાથે ગ્રાહક જિગ્નેશ કનુ સાંઘાણી (ઉં.વ. 28, હીરા દલાલ, રહે. ડી-3-401, ક્રિષ્ણા ટાઉનશીપ, યમુના ચોક, મોટા વરાછા, સુરત, મૂળ વતન મહાદેવવાડી, ગોંડલ, રાજકોટ) પકડાયો હતો. જિગ્નેશે એજન્ટ દેવા અને મોન્ટી મારફતે સાથી હોટલમાં જવાનું નક્કી કર્યું હતું. તેથી પોલીસે દેવા અને મોન્ટીને વોન્ટેડ જાહેર કર્યા છે.
આ રીતે થતો દેહનો સોદો
સાથી હોટલનો સંચાલક કાલુરામ સરગરા પોતાની હોટલમાં લલનાઓને દેહવ્યાપાર કરવાની સગવડ પુરી પાડતો હતો. તેનું એજન્ટો સાથે સેટિંગ હતું. એજન્ટો ગ્રાહકને હોટલ પર મોકલતા હતા. ત્યાર બાદ કાલુરામ હોટલના રૂમમાં ગ્રાહકોને શરીર સુખ માણવાની સગવડ પુરી પાડતો હતો. આમ તે ઓયો હોટલની આડમાં દેહવ્યાપારનો ગોરખધંધો ચલાવતો હતો.