સુરતમાં હોટલ, સ્પા બાદ હવે હેર એન્ડ કેર સલૂનમાં પણ કૂટણખાના શરૂ થઈ ગયાનું સામે આવ્યું છે. સરથાણાના યોગીચોક વિસ્તારમાં હેર એન્ડ કેરના સલૂનની અંદર ચાલતા કુટણખાનાનો પર્દાફાશ કરાયો છે. અહીં આવેલા પેલેડિયમ મોલમાં આલીશાન હેર એન્ડ કેર દુકાનની આડમાં દેહ વ્યાપારનો ધંધો ચાલતો હોવાની બાતમી પોલીસને મળી હતી.
આ બાતમીના આધારે સુરત પોલીસ દ્વારા આ જગ્યા પર દરોડો પાડવામાં આવતા દુકાનની અંદરથી 3 યુવતી દેહ વ્યાપારનો ધંધો કરતી હોવાનું સામે આવ્યું હતું.
પોલીસે તાત્કાલિક અસરથી આ 3 યુવતીઓને દેહ વ્યાપારની પ્રવૃત્તિમાંથી મુક્ત કરાવી હતી. પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો ત્યારે આલીશાન હેર એન્ડ કેરના સંચાલક અનિતા અને એક પુરુષ તેમજ બે ગ્રાહકો પોલીસના હાથે ઝડપાયા હતા.
ગ્રાહક પાસેથી શરીર સુખ માણવાના 2000થી 3000 રૂપિયા લેવામાં આવતા હતા અને સંચાલક દ્વારા આ યુવતીઓને 500થી 1000 રૂપિયાની ચૂકવણી કરવામાં આવતી હતી. પોલીસને એવું પણ જાણવા મળ્યું હતું કે, અનિતા અને તેના પાર્ટનરે સાથે મળીને આલીશાન હેર એન્ડ કેરની જગ્યા ભાડે રાખીને તેની અંદર ત્રણ જેટલી કેબિન બનાવીમાં દેહ વ્યાપારની પ્રવૃત્તિ કરાવતા હતા.
