Charchapatra

મેટ્રોનો ફાયદો અને નુકસાન

પાછલા રવિવારના ‘ગુજરાતમિત્ર’માં મેટ્રોના ઈજનેરના બુદ્ધિવિહીન પરાક્રમની યોગ્ય જ ધૂળ ખંખેરી છે. આવું જ એક કરતૂત સ્ટાર બજાર, અડાજણ પાસે પાલ તરફ જતા અને પાલ તરફથી આવતા બંને રસ્તા પર ટ્રાફિકને નડતરરૂપ તોતિંગ પીલરો ઊભા કરી દીધા છે. તેવી જ રીતે મધુવન સર્કલ તરફથી કેબલ બ્રિજ જતો રસ્તો કોઈ પણ આગોતરી જાણ કર્યા વિના બંધ કરી દેવાયો છે અને ક્યાં સુધી બંધ રહેશે તે અંગે કોઈ માહિતી નથી. આવું તો શહેરમાં કેટલીય જગ્યાએ થયું/થતું હશે.

મેટ્રોના અધિકારીઓ કોઈને પણ જવાબદેહી હશે કે કેમ? વળી, મધ્યમ અને નિમ્ન આર્થિક પરિસ્થિતિવાળા દેશોમાં મેટ્રો સફળ ન થવાના ઘણા રીપોર્ટ પ્રકાશિત થયા છે. મેટ્રોના નિર્માણમાં વપરાતા લોખંડ અને સિમેન્ટ ટને અનુક્રમે આશરે ૨ અને ૦.૯૫ ટન ગ્રીનહાઉસ ગેસ વાતાવરણમાં છોડે છે. આમાં ટ્રાફિક ડાયવર્ઝન અને બેરિકેડને લીધે વધારાનું ઈંધણ પ્રદૂષણમાં વધારો કરે છે. ૨૦૧૨માં IIT Delhiમાં થયેલ સંશોધન મુજબ દિલ્હી મેટ્રો CNG બસ કરતાં ૫૦% વધુ ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન કરે છે. આમ, મેટ્રોને લીધે ફાયદો થતો થશે પરંતુ વાતાવરણને તો નુકસાન થઈ જ રહ્યું છે.
સુરત     – ડૉ. પરિમલ પરીખ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

ગ્રાહક રાજા કે બિચારો?
‘આપણે આંગણે આવેલ ગ્રાહક રાજા છે અને તેનું વચન સત્ય ગણી તેને માન આપવું, આવું કાંઈક ગાંધીજી વર્ષો અગાઉ કહી ગયા છે. આ વાક્યો ટાંકીને ભારત સરકાર તેમ જ  ગુજરાત સરકાર અવારનવાર અખબારો તેમ જ ટી.વી. પર મોટી જાહેરાતો પ્રગટ કરાવે છે. પરંતુ સરકારી ખાતાઓ તેનાથી ઉલ્ટું વર્તન કરી રહ્યા છે. ભારતીય ટપાલ ખાતું આકાશવાણી, દૂરદર્શન, પોલિસ ખાતું વ. નાગરિકતા, ફરિયાદ નોંધાવની ના પાડે છે. અનેક સરકારી ખાતાંઓ ફરિયાદ-સૂચન પર કોઈ કાર્યવાહી કરતા નથી કે પગલાં લેતાં નથી. જૂની ઘરડેમાં બધું ચાલ્યા કરે છે. શાળાઓમાં શિક્ષકની ઘટ કે ખંડેર જેવાં મકાનોની હાલત વિશેની ફરિયાદ કોઈ સરકારી ખાતું ધ્યાને લેતું નથી. ખૂબ વિરોધ થાય ત્યારે સરકાર ભરતીની જાહેરાત કરે છે. પરંતુ જાહેરાત મુજબ ભરતી થતી નથી. માહિતી આપવાનો ઈન્કાર કરે છે અથવા અન્ય ખાતાં પર જવાબદારી તબદીલ કરી દે છે.  ગ્રાહક બિચારો થઈ ગયો છે. કોઈ કાયદાની અસરકારકતા રહી નથી.
બનાસકાંઠા – અશ્વિનકુમાર ન. કારીઆ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top