National

GSTમાં માત્ર બે સ્લેબ રાખવાની દરખાસ્ત સ્વીકારાઇ

નવી દિલ્હી, તા. ૨૧ : વિવિધ રાજ્યોના મંત્રીઓનું જીએસટી દર તર્કસંગતીકરણ માટેનું જૂથ આજે જીએસટીના દરોના સ્લેબોમાં કાપ મૂકવા માટેની કેન્દ્ર સરકારની દરખાસ્ત સાથે સંમત થયું હતું, જે સાથે જીએસટી કર વ્યવસ્થામાં મોટા ફેરફારની દિશામાં એક પગલું આગળ ભરાયું હતું. હવે તેમની ભલામણો ઉચ્ચ સત્તાઓ ધરાવતી GST કાઉન્સિલ પાસે જશે, જે સુધારાઓ પર અંતિમ નિર્ણય લેશે.

આજે મળેલી એક મહત્વની બેઠકમાં રાજ્યોના મંત્રીઓની સમિતિએ જીએસટીમાં હાલના ચાર સ્લેબો ઘટાડીને બે મુખ્ય પ ટકા અને ૧૮ ટકાના સ્લેબો રાખવાની કેન્દ્ર સરકારની દરખાસ્તને મંજૂર રાખી હતી. આ પગલુ જેને જીએસટી ૨.૦ કહેવામાં આવે છે તે વ્યવસ્થાની શરૂઆત ગણવામાં આવે છે, જેનું પાલન સરળ છે અને કુટુંબો તથા ધંધાઓ પરનો બોજ તે ઘટાડશે એવી આશા છે. આ નવી વ્યવસ્થામાં ૧૨ અને ૨૮ ટકાના સ્લેબો નાબૂદ થઇ જશે. કેન્દ્ર સરકારે કેટલીક પથી ૭ વસ્તુઓ પર ૪૦ ટકાના સ્લેબની પણ દરખાસ્ત મૂકી છે, તે જો કે માત્ર સિગારેટ જેવી કેટલીક હાનિકારક વસ્તુઓ અને કેટલીક ચોક્કસ વૈભવી વસ્તુઓ પર જ લાગુ પડશે. યોજના એવી છે કે જેમના પર અગાઉ ૧૨ ટકા જીએસટી લેવાતો હતો તેવી ૯૯ ટકા વસ્તુઓ હવે પ ટકાના સ્લેબમાં આવશે અને જેમના પર અગાઉ ૨૮ ટકા જીએસટી લેવાતો હતો તેવી ૯૦ ટકા વસ્તુઓ હવે ૧૮ ટકાના સ્લેબમાં આવશે. એવો અંદાજ છે કે આને કારણે ૯૦ ટકા જેટલી ચીજવસ્તુઓ સસ્તી થશે.

આ મંત્રીઓના જૂથ અધ્યક્ષતા બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી સંભાળે છે. અન્ય સભ્યોમાં ઉત્તર પ્રદેશના નાણામંત્રી સુરેશ કુમાર ખન્ના, રાજસ્થાનના આરોગ્ય મંત્રી ગજેન્દ્ર સિંહ, પશ્ચિમ બંગાળના નાણામંત્રી ચંદ્રિમા ભટ્ટાચાર્ય, કર્ણાટકના મહેસૂલ મંત્રી કૃષ્ણ બાયરે ગૌડા અને કેરળના નાણામંત્રી કે એન બાલાગોપાલનો સમાવેશ થતો હતો. નાણા મંત્રાલય તરફથી વિગતવાર દરખાસ્તોની સમીક્ષા કર્યા પછી મંત્રીઓ એક વ્યાપક સંમતિ પર પહોંચ્યા હતા. છ સભ્યોની પેનલ, જેમાં ભાજપ શાસિત રાજ્યો બિહાર, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના 3 સભ્યો અને વિપક્ષ શાસિત રાજ્યો કર્ણાટક (કોંગ્રેસ), કેરળ (ડાબેરી મોરચો) અને પશ્ચિમ બંગાળ (ટીએમસી)ના એટલા જ સભ્યોનો સમાવેશ થાય છે.
જીએસટી ઘટવાથી સસ્તી થનારી અન્ય કેટલીક વસ્તુઓ

આ ઉપરાંત, નોન-ઇલેક્ટ્રિક વોટર ફિલ્ટર્સ, ઇલેક્ટ્રિક ઇસ્ત્રી, વેક્યુમ ક્લીનર્સ, 1,000 રૂપિયાથી વધુ કિંમતના તૈયાર કપડાં, 500-1,000 રૂપિયાની રેન્જમાં જૂતા, મોટાભાગની રસીઓ, HIV/TB ડાયગ્નોસ્ટિક કીટ, સાયકલ અને વાસણો પર પણ ઓછા દરે કર લાગશે. ભૂમિતિ બોક્સ, નકશા, ગ્લોબ્સ, ગ્લેઝ્ડ ટાઇલ્સ, પ્રિ-ફેબ્રિકેટેડ ઇમારતો, વેન્ડિંગ મશીનો, જાહેર પરિવહન વાહનો, કૃષિ મશીનરી, સોલાર વોટર હીટર જેવા ઉત્પાદનો પણ 12% ટેક્સ સ્લેબમાં આવે છે. બે સ્લેબની મંજૂરી પછી, આ પર 5% ટેક્સ લાગશે.

આ વસ્તુઓ સસ્તી થશે

  • ડ્રાયફ્રૂટ્સ • બ્રાન્ડેડ નમકીન • ટૂથ પાવડર • ટૂથપેસ્ટ, • સાબુ, • હેર ઓઇલ • જનરલ એન્ટિબાયોટિક્સ • પેઇનકિલર દવાઓ • પ્રોસેસ્ડ ફૂડ • ફ્રોઝન શાકભાજી • કન્ડેન્સ્ડ મિલ્ક • સિલાઈ મશીન • પ્રેશર કૂકર

ટેક્સ 28% થી ઘટાડીને 18% કરાતા સિમેન્ટ સહિતની વસ્તુઓ પણ સસ્તી થશે
સિમેન્ટ, બ્યુટી પ્રોડક્ટ્સ, ચોકલેટ, રેડી-મિક્સ કોંક્રિટ, ટીવી, રેફ્રિજરેટર, વોશિંગ મશીન, એસી, ડીશવોશર, પ્રાઇવેટ પ્લેન, પ્રોટીન કોન્સન્ટ્રેટ, સુગર સીરપ, કોફી કોન્સન્ટ્રેટ, પ્લાસ્ટિક પ્રોડક્ટ્સ, રબર ટાયર, એલ્યુમિનિયમ ફોઇલ, ટેમ્પર્ડ ગ્લાસ, પ્રિન્ટર, રેઝર, મેનીક્યુર કીટ, ડેન્ટલ ફ્લોસ.

GST સ્લેબમાં ફેરફારથી રિયલ એસ્ટેટનો ખર્ચ ઘટશે અને ઘર ખરીદવું સરળ બની શકે
આજની તારીખે, ઘર બનાવવા માટે જરૂરી સામગ્રી જેમ કે સિમેન્ટ પર 28%, સ્ટીલ પર 18%, પેઇન્ટ પર 28% અને ટાઇલ્સ અને સેનિટરીવેર પર 18% GST વસૂલવામાં આવે છે . આના પર વધુ કર ડેવલપરનો ખર્ચ વધારે છે અને આ ઘરની કિંમતોને સીધી અસર કરે છે. હવે જો મોટાભાગની વસ્તુઓ ફક્ત 5% અને 18% ટેક્સ સ્લેબ હેઠળ આવે છે, તો ડેવલપર્સની બાંધકામ કિંમતમાં ઘટાડો થશે. જ્યારે બિલ્ડરો પરનો બોજ ઓછો થશે, ત્યારે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ તેનો લાભ ખરીદદારોને આપશે. સાથે જ પોસાય તેવા આવાસને મજબૂત બનાવી શકે છે અને નાના શહેરો (ટાયર-2 બજારો) માં ઘર ખરીદવાની માગમાં વધારો કરી શકે છે.

Most Popular

To Top