રિયાધ: (Riyadh) સાઉદી અરેબિયા સરકારે મક્કા મદીના જતા પ્રવાસીઓને અમૂલ્ય ભેટ આપી છે. હવે અહીં જતા લોકો ઇસ્લામ સાથે જોડાયેલી મહત્વની જગ્યાઓ નિહાળી શકશે. સાઉદી સરકારે (Saudi Government) મુહમ્મદ પયગંબરના (Prophet Muhammad) જીવન અને ઇસ્લામિક ઇતિહાસની મહત્વપૂર્ણ ઘટનાઓ સાથે સંબંધિત મદીનામાં 100 સ્થળોને પુનઃસ્થાપિત કરવા માટે બે વર્ષ પહેલાં પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. આગામી વર્ષ 2025 સુધીમાં મદીનાની આ તમામ સાઇટ્સને સામાન્ય લોકો માટે ખોલવાની યોજના છે. આ સાથે રમઝાન માસમાં 1400 વર્ષથી પણ જુનો સલમાન અલ ફારસી કૂવો પણ ખુલ્લો મુકાયો છે.
સાઉદી સરકાર દ્વારા મદીનામાં આવેલો ઐતિહાસિક કૂવો યાત્રાળુઓ અને પ્રવાસીઓ માટે ફરીથી ખોલવામાં આવ્યો છે. પયગંબર હઝરત મુહમ્મદના યુગનો આ કૂવો અલ-ફકીર કૂવો અને સલમાન અલ-ફારસી કૂવો તરીકે ઓળખાય છે. સાઉદી પ્રેસે અહેવાલ આપ્યો છે કે વિકાસ કાર્યો પછી કૂવો ફરીથી ખોલવામાં આવ્યો છે. સલમાન અલ ફારસી કૂવો મદીનાના આલિયા જિલ્લામાં સ્થિત છે. તેની આસપાસ એક બગીચો છે અને વચ્ચે એક કૂવો છે. હવે આ કુવાની ફરતે લોખંડની એંગલ બાઉન્ડ્રી બનાવવામાં આવી છે જે લોકોની સુરક્ષા માટે લગભગ એક મીટર ઉંચી છે. મુલાકાતીઓના આરામ અને આનંદને વધારવા માટે સ્ટોન બેન્ચ પણ સ્થાપિત કરવામાં આવી છે. આ જગ્યા રમઝાન મહિનાની શરૂઆત સાથે ખોલવામાં આવી છે.
આ કૂવો 14મી સદીનો છે, જે પ્રોફેટ મોહમ્મદના દયા અને દાનના કાર્યોનું પ્રતીક છે. ઐતિહાસિક સંશોધક, ફૌદ અલ-મઘમિસીના જણાવ્યા અનુસાર આ કૂવો સલમાન અલ ફારસીની પ્રખ્યાત વાર્તા સાથે જોડાયેલો છે. સલમાન બગીચામાં ગુલામ તરીકે કામ કરતો હતો અને પ્રોફેટ મોહમ્મદ દ્વારા તેના માલિકને ચૂકવણી કરીને તેને મુક્ત કરવામાં આવ્યો હતો. તેથી જ આ બગીચો અને કૂવો સલમાન અલ ફારસી કૂવો તરીકે ઓળખાય છે.