નવસારી: (Navsari) રાજય ચૂંટણી આયોગ ગાંધીનગર દ્વારા આગામી 28મી ફેબ્રુઆરીના રોજ યોજનાર તાલુકા પંચાયત/જિલ્લા પંચાયત તથા નગરપાલિકાઓની સામાન્ય તેમજ પ્રસંગોપાત ખાલી પડેલી બેઠકોની પેટા ચૂંટણી (Election) યોજવાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે અનુસાર નવસારી જિલ્લામાં તાલુકા પંચાયત-જિલ્લા પંચાયત તથા નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીનું મતદાન આગામી 28મી ફેબ્રુઆરી તેમજ મતગણતરી આગામી 2જી માર્ચના રોજ થનાર છે. કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે નવસારી જિલ્લામાં આવેલા દારૂના (Alcohol) પરવાનેદારો ઉપર દારૂના ખરીદ-વેચાણ-સંગ્રહ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
રાજય ચૂંટણી આયોગ ગાંધીનગરના આદેશ મુજબ કાયદો અને વ્યવસ્થાની જાળવણી અંગે સબંધિતોએ રાષ્ટ્રીય પક્ષો, ઉમેદવારો, સત્તાધારી પક્ષ, પદાધિકારીઓ, જિલ્લાની સરકારી કચેરીઓએ અમલ કરવાની આદર્શ આચારસંહિતા ગત 23મી જાન્યુઆરીથી અમલમાં આવેલ છે. જે અન્વયે જિલ્લામાં કોઇપણ પ્રકારની સુલેહ શાંતિનો ભંગ ન થાય, જાહેર સલામતિ, કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે નવસારી જિલ્લા મેજીસ્ટ્રેટ આદ્રા અગ્રવાલે મળેલી સત્તાની રૂએ નવસારી જિલ્લામાં આવેલા દારૂના પરવાનેદારો ઉપર દારૂના ખરીદ-વેચાણ-સંગ્રહ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
મતદાનના આગલા બે દિવસ, મતદાનનો દિવસ, મતગણતરીના દિવસનો અગાઉનો, મતગણતરીનો દિવસ કે મતગણતરી પૂર્ણ થવાના રોજ દારૂના પરવાનેદારો ઉપર દારૂના ખરીદ-વેચાણ-સંગ્રહ બંધ રાખવાના રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યકિત ભારતીય દંડ સંહિતાની કલમ-188 હેઠળ શિક્ષાને પાત્ર થશે.
મતદાન મથકના 200 મીટર વિસ્તારમાં ટેબલ- ખુરશી ગોઠવવા પર પ્રતિબંધ
નવસારી : નવસારી જિલ્લા મેજીસ્ટ્રેટ આદ્રા અગ્રવાલએ એક જાહેરનામાં દ્વારા નવસારી જિલ્લામાં મતદાનના દિવસે આગામી 28મી ફેબ્રુઆરીના રોજ મતદાન મથકની 200 મીટરની અંદર કોઇ ટેબલ કે ખુરશીઓ કે કોઇ મંડપ કે તાડપત્રીના ટુકડાની કે છત્રીની વ્યવસ્થા કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ હુકમનો ભંગ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ 1951 ની કલમ-131 મુજબ સજાને પાત્ર થશે.
તાપી જિલ્લામાં આચારસંહિતાનો ભંગ થાય તેવાં કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ
વ્યારા: આગામી દિવસોમાં જિલ્લા/તાલુકા પંચાયત તથા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાનાર છે. તે અંતર્ગત આચારસંહિતાના અમલીકરણ દરમિયાન જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તથા મુક્ત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે સુરુચિ અથવા નીતિભંગ ન થાય એવા કૃત્યો કરવા પર તંત્રએ જાહેરનામું બહાર પાડી પ્રતિબંધ ફરમાવ્યો છે.
જાહેરનામામાં જણાવ્યા મુજબ છટાદાર ભાષણો આપવા, ચાળા પાડવા, અથવા નકલો કરવા, ચિત્રો, નિશાનીઓ, જાહેરખબરો અથવા પદાર્થ અથવા વસ્તુઓ તૈયાર કરવા, દેખાડવા અથવા તેનો ફેલાવો કરવા અથવા અધિકારીઓના અભિપ્રાય પ્રમાણે સુરુચિ અથવા નીતિનો ભંગ થતો હોય અથવા તેનાથી રાજ્યની સલામતી જોખમાતી હોય અથવા જેના પરિણામે રાજ્ય ઉથલી પડવાનો સંભવ હોય તેવાં છટાદાર ભાષણો કરવાની, ચાળા પાડવાની અને તેના ચિહ્નો, નિશાનીઓ વગેરે તૈયાર કરવાની દેખાદેખી અથવા તેનો ફેલાવો કરવાના કૃત્યો પર જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા.૨૮મી જન્યુઆરીથી તા.06 માર્ચ સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.