ગુજરાતની દારૂબંધીને 66 વર્ષ પૂરાં થવાના છતાં ગુજરાતમાં દારૂબંધી સફળ થઈ શકી નથી. પોલીસ દારૂ વેચનારાં અને પીનારાંઓને પકડે તો છે જ પરંતુ પોલીસ નહિવત્ છે અને પીનારાં અનેક છે. દારૂ પીનારાં અનેક લોકો પડોશી રાજ્યોમાંથી આવતો દારૂ ખુલ્લેઆમ મળતો હોઈ રોજ ગેરકાયદે દારૂ પીને કાયદાનો ભંગ કરે છે ત્યારે કાયદાનું માન રહેતું નથી. કોઈ પણ કાયદો ત્યારે જ સફળ થાય જ્યારે લોકો એ કાયદાને માન આપે પરંતુ લોકો હવે દારૂબંધીને માનતા જ ન હોય અને ગેરકાયદે દારૂ પીતાં જ હોય તો પછી સરકારે આબકારી આવક શા માટે ગુમાવવી જોઈએ?
આવી સ્થિતિમાં દારૂબંધી ગુજરાત રાજ્યના હિતમાં હોય તેવું લાગતું નથી તો આવી દારૂબંધી ક્યાં સુધી ચાલુ રાખવી? દારૂ પીનારાંઓ ગેરકાયદે દારૂ પીએ જ છે તેથી ગુજરાતની દારૂબંધીથી સરકારને હજારો કરોડની આબકારી આવકનું નુકસાન થાય છે તેમ છતાં સરકાર દારૂબંધી વિશે વિચારતી નથી અને આબકારી આવક ગુમાવે છે. હમણાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલા દારૂબંધી હટાવવા સક્રિય થયા છે. તેઓ આવનાર ચૂંટણીમાં અપીલ કરી છે કે ગુજરાતની પ્રજા હવે એવા જ પક્ષને મત આપે જે દારૂબંધી હટાવવાના પક્ષમાં હોય. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી જો આવું કહેતા હોય તો પછી સરકારે પણ ગંભીરતાથી વિચારવું જરૂરી છે.
સુરત – વિજય તુઈવાલા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે