શિયાળામાં સ્વાસ્થ્યવર્ધક ખોરાકની બોલબાલા વધી જાય. વળી લીલાxછમ શાકભાજી, ફળોની મોસમ એટલે આનંદ થઈ જાય. ચોખ્ખા ઘી, તેલમાં વિવિધ ખાદ્ય પદાર્થો બનાવીને ખાવામાં જલસો પડે પણ, જો ઘી અને તેલમાં ભેળસેળ હોય તો? શાકભાજી અને ફળો વધુ ખાતરીવાળાં હોય તો, ફાયદો કે નુકસાન? અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, જંતુનાશક દવાઓનો પ્રભાવ શાકભાજી કે ફળો ધોયા પછી કે છાલ ઊતર્યા પછી પણ રહી જાય છે. જેની ખરાબ અસર લીવર, કીડની અને નર્વસ સિસ્ટમ માટે બહુ ઘાતક સિદ્ધ થાય છે. બીજું, રાસાયણિક ખાતર અને જંતુનાશકને પરિણામે શાકભાજીમાંથી મળતાં ગુણો 15 થી 20 ટકા નાશ પામે છે. ટૂંકમાં ફળો, શાકભાજી અને અનાજ પૂરતું પોષણ આપી શકતાં નથી. સ્વાસ્થ્ય સુધારવા ફળો, શાકભાજી કે ખાદ્ય પદાર્થો , જે પૈસા ખર્ચીને ખાવામાં ફાયદાકારક નહિ પણ નુકસાનકારક સાબિત થઈ શકે છે. વળી આ બનાવટના જમાનામાં આનો કોઈ કાયમી ઉકેલ જણાતો નથી. ચાલો, વિશ્વાસના આધારે જીવનનૌકા હંકારીએ.
નવસારી – કિશોર આર. ટંડેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
રખડતાં ઢોર પકડવામાં ઢીલાશ કેમ?
૧૯/૧ નું ‘ગુજરાતમિત્ર’ ‘સચિનમાં મનપાની ટીમ ઉપર હુમલો કરી, મહિલા દાંતરડાથી દોરડું કાપી, ત્રણ પશુઓ છોડાવી ગઇ’! ગુજરાત હાઇકોર્ટની લાલ આંખ અને મુખ્યમંત્રીના આદેશ બાદ ઢોર પકડવાની ઝુંબેશ શરૂ તો થઇ છે પણ ધારી સફળતા મળી નથી. હજુ પણ ગુજરાતનાં દરેક શહેરોમાં રખડતાં ઢોરો બેફામ જ છે! યાત્રાધામ સોમનાથમાં ચાની દુકાન બહાર બેઠેલાં વૃધ્ધ દંપતીને આખલાએ ઉછાળ્યાં. આનાથી દુ:ખદ બીજું શું હોઇ શકે? ગુજરાતની ચૂંટણી પહેલાં સરકારને માલધારીઓના વોટ ઓછા થાય એ બીક હોવાથી ઢોરોને પકડવા આંખ આડા કાન કરાયા, પણ હવે જયારે પ્રચંડ બહુમતી મળી છે ત્યારે આ કામમાં ઢીલાશ કેમ? સૂરતના રસ્તા ઉપર માલધારીઓ સ્કુટર ઉપર સવાર થઇ આગળ ઢોરોને દોડાવે છે અને રસ્તે ચાલતાં રાહદારીઓને ‘જોઇને ચાલવા’ ધમકાવે છે. આ તે કયાંનો ન્યાય? ઉપરના સચિનના કિસ્સામાં તો એસઆરપી જવાનોની હાજરીમાં મહિલા ઢોરોને છોડાવી ગઇ, કેટલી હદે દાદાગીરી! આ બધું જોતાં આશા રાખીએ કે સુરત સહિત રાજયભરમાં ઢોરો પકડવાની કામગીરી વધુ સઘન બનાવાય એ નાગરિકોના હિતમાં હશે!
સુરત – ભાર્ગવ પંડયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.