Comments

કામ માટેનાં કલાકોથી નહીં, કામ માટેની સમજથી ઉત્પાદકતા જળવાશે

યોગેશ્વર કૃષ્ણે ‘કર્મેષુ કૌશલમ્’ કહી માનવકર્મને સ્વ-મુક્તિ માટેના યોગ તરીકે પ્રતિપાદિત કર્યું. ઇ.સ. પૂર્વે ૫૯૯માં વિહરમાન જૈન સિદ્ધાંત અનુસાર મહાવીર સ્વામીએ મનુષ્યકર્મ મુક્તિનો શાશ્વત માર્ગ છે તેમ જણાવ્યું. સાથોસાથ મનુષ્યશરીર આત્મજ્ઞાની છે તેવી ઘોષણા કરી. પૃથ્વી ઉપરનો માનવસમાજ જેમ જેમ વિકસિત થતો ગયો છે તેમ તેમ અસ્તિત્વ અંગેના ખ્યાલો વધુ ને વધુ સ્પષ્ટ થતા ગયા છે. આજથી ૨૧૪ર વર્ષ પહેલાં મહર્ષિ ચરકે માનવશરીરને રસ-પંચત્વ કર્યું. તો ૨૦મી સદીના પ્રારંભે રસાયણશાસ્ત્ર નોબેલ પુરસ્કૃત ટ્રેડરિક સેંગરે કહ્યું વિશ્વ રસાયણ છે.

પૃથ્વી ઉપર રહીને બ્રહ્માંડને જોતાં હવે વિજ્ઞાન પણ વિશ્વને ઊર્જા તરીકે સ્વીકારતું થયું છે. આમ છતાં સૂક્ષ્મદર્શક યંત્રોના સહારે વિજ્ઞાન આજે પણ ઊર્જાને સંકલિત કરનાર ચૈતન્ય તત્ત્વને પકડી શક્યું નથી. જો કે ઉપનિષદકાળમાં ઋષિમુનિઓએ આત્માને જ્ઞાની જાણી માણસના સ્વભાવમાં સહજ રીતે રહેલ આનંદ, શાંતિ, પ્રેમ અને સ્વાતંત્ર્ય જેવા ગુણોની નોંધ લીધી છે. ઉપનિષદના સમયની આધારભૂત ખોજને આગળ ધપાવતા વિજ્ઞાનીઓ દ્વારા શરીરની જૈવિક રચના, માનવીય પ્રવૃત્તિ અને તેની કેમેસ્ટ્રી વિષયે હવે રસપ્રદ અભ્યાસો થતા રહ્યા છે, જે માનવવિકાસનાં ઇતિહાસમાં નોંધનીય બને છે.

કેનેડાની યુનિવર્સિટી ઓફ સ્ટેન્ડફર્ડના સાયકોલોજીના પ્રાધ્યાપક ડૉ. સેન્દ્રાવાયસેમના સંશોધન અનુસાર લોહીમાં એસ્ટ્રોજનનો ફલો વધે તો જ મસ્તિષ્ક આનંદની સ્થિતિનો અનુભવ આપે છે. બ્રિટીશ યુનિવર્સિટીનાં ન્યુરો કેમેસ્ટ્રી વિભાગનાં જર્નલમાં પ્રકાશિત સંશોધન અનુસાર પુરુષ કરતાં સ્ત્રીઓનું મસ્તિષ્ક ૩ સે.મી. નજીક હોય છે અને પુરુષ કરતાં સ્ત્રીઓના લોહીમાં ૧૫% એસ્ટ્રોજન વધુ હોવાથી પુરુષ કરતાં સ્ત્રીઓમાં આત્મઘાતી વલણ પ્રમાણમાં ઓછું રહે છે.

શરીરશાસ્ત્ર કહે છે કે, માણસની દૈનિક પ્રવૃત્તિઓ તેના રંગ સૂત્રોના સ્વભાવથી વિરુદ્ધ જાય છે તો પિટ્યુટરી નામની ગ્રંથિમાંથી આર્સેનિક નામે રસાયણ વહે છે, લોહીમાં ભળતા, વ્હાઇટ સેલ વધે છે, હિમોગ્લોબીન ઘટે છે, આવા સમયે હૃદયને ઓકિસજનનું સ્તર જાળવી રાખવા વધારે ઝડપથી ધબકવું પડે છે. બીજી તરફ કીડની લોહીમાં વધતા આર્સેનિકને ઘટાડવા મહેનત કરે છે અને પરિણામે શરીરમાંથી પ્રોટીન ઘટતું જાય છે.

રોજબરોજના અનુભવના આધારે ખ્યાલ આવે છે કે માણસ પાસેથી કોઇ આગ્રહવશ, નિયત સમયમર્યાદા નક્કી કરી કામ લે છે તો તરત શરીરમાંથી આર્સનિક રસાયણ વધે છે ને માણસને એસીડીટીનો અનુભવ થવા લાગે છે, છાતીમાં બળે છે, માથુ દુઃખવા લાગે છે, ખાટા ઓડકાર આવે છે અને આથી વિપરીત પ્રેમભાવથી ઘરનું સહુથી નાનું બાળક પણ દાદાજીને ઘુંટણે પાડી તેના પર સવારી કરે છે તો પણ બુઝુર્ગનું સ્વમાન ઘવાતું નથી.

ઉલટું, સ્નેહભાવે, ગમતું કામ થતાં લોહીમાં એસ્ટ્રોજન ભળે છે, શરીરમાં સ્ફૂર્તિનો અનુભવ થાય છે, આનંદ આવે છે અને રહ્યો-સહ્યો થાક પણ ઊતરી જાય છે. શરીરનો એક આગવો ધર્મ છે, જે હંમેશા જૈવિક અનુકૂલન તરફ માણસને દોરી જાય છે. ભારતીય સંસ્કૃતિનું ૮૦૦૦ વર્ષનું દર્શનશાસ્ત્ર, રાજા, રાજ્ય, સમાજ અને ઇશ્વર પ્રત્યે વફાદાર રહેવા માણસને સતત દોરે છે, આમ છતાં બદલા એક સામાજિક મૂલ્યો વચ્ચે માણસ પૈસા થકી ખરીદી શકાતા બાયોફેર્ટ પ્રત્યે હવે સમાજ વધુ ને વધુ આકર્ષાતો રહ્યો છે.

મનુષ્ય સમુદાય પોતાની સમજ અંગે સતત સંશોધનાત્મક રહ્યો છે ત્યારે મૂલ્યાત્મક પરિવર્તનની આ ભૂમિકાએ માણસે પોતાનું કાર્ય પરફોર્મન્સ પ્રેશર તરીકે લેવાનું નથી, ઇશ્વર, રાજા કે ધાર્મિક ગુરુઓ પ્રત્યેની વફાદારી વ્યક્ત કરવા કાર્ય કરવાનું નથી. પોતાનાં કારખાનાં, દુકાન કે સંસ્થાના માલિકોને ખુશ રાખવા શરીર ઘસવાનું નથી, પણ પોતાના શરીરમાં વહેતાં રસાયણોમાં એસ્ટ્રોજન વધે તે માટે પ્રવૃત્ત રહેવાનું છે. સફળતા અથવા નિષ્ફળતા પ્રકારના માપદંડો છોડીને માણસે શરીરને વારસાગત રીતે મળતા જીન્સના સ્વભાવને અનુરૂપ વર્તવાનું છે.

શ્રી રમણ મહર્ષિ કહે છે, સ્વભાવ આપોઆપ ઉભરી આવે ‘ઇન્દ્રીય કર્મનુ અહમ્ બળ ‘ઇન્દ્રીય કર્મનું અહમ્ બળ ઘટતાં શાંતિ રૂપી માનવ છે.’ જેમ દરિયાની ભરતી ઊતરી જાય અને માટી હટી જતાં શંખ-છીપલાં દેખાય છે તેમ વ્યક્તિની સ્વસ્થતા તેને આનંદિત રાખે છે. યાદ રહે, શાંતિ, સુખ, પ્રેમ, સ્વાતંત્ર્ય બહાર શોધવા જવાનું નથી. પણ હિતોપદેશની વાર્તાના ‘આનંદી કાગડા’ માફક એ સત્ત્વ માણસના જીન્સમાં રહેલા છે. માણસે પોતાના ચૈતન્ય સ્વભાવને બહાર પણ લાવવા મથવાનું નથી. બસ ઇન્દ્રિય અહમની મર્યાદાઓ ખસેડી દઇએ એટલે શ્રી રામકૃષ્ણ પરમહંસ કહેતા તેમ પાણી આપમેળે સ્વચ્છ થશે. માનવનું કર્મ યોગ છે, તેવું ભગવાન કૃષ્ણે કહ્યું પરંતુ તેથી વિશેષ બ્રહ્માંડના એક અંશ તરીકે જીનેટિકલ નેચર સાથે આકાર લેતાં માનવશરીરનો પણ ઇન્દ્રિય સ્વભાવ હોય છે. આ સ્વભાવથી નજીક જીવન જીવવામાં સુખ છે, આનંદ છે, તે સમજવાનો હવે સમય પાકી ગયો છે.

કોવિડ પછીની સ્થિતિમાં જર્મની, નેધરલેન્ડ, બેલ્જિયમ વગેરે દેશોએ સ્વીકાર્યું છે. વર્ક લાઇફ સમતુલિત રાખવાથી વ્યક્તિનું સ્વાસ્થ્ય અને ઉત્પાદન સમાન રીતે જળવાઇ રહે છે. સ્ટીવ જોબ્સે સ્ટેનફર્ડનાં દીક્ષાંત પ્રવચનમાં પણ કહ્યું કે કાર્યનો આનંદ કામના કલાકો પર નહીં પરંતુ કર્મચારીની ગુણવત્તા અને કામની લગન પર આધાર રાખે છે. આખરે કર્મચારીની તંદુરસ્તી, ખુશી અને જીવન પ્રત્યે હકારાત્મક દૃષ્ટિકોણ જ ઉત્પાદક્તાના સ્તરને જીવંત રાખી શકે છે અને આ જ તો ગીતાનો કર્મયોગ છે. યાદ રહે માણસ કેટલા કલ્લાક કામ કરે છે તેથી વધુ અગત્યનું કેટલી સમજથી ઉત્પાદકતા જાળવે છે તે મહત્ત્વનું છે.
ડો.નાનક ભટ્ટ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top