SURAT

પોલિયેસ્ટર કાપડના ઉત્પાદન માટે જાણીતો સુરતનો કાપડ ઉદ્યોગ હવે નીટિંગ ફેબ્રિક્સ તરફ આગળ વધી રહ્યો છે

સુરત: (Surat) અત્યાર સુધી પોલિયેસ્ટર (Polyester) કાપડના ઉત્પાદન માટે જાણીતો સુરતનો કાપડ ઉદ્યોગ (Textile Industry) હવે ધીમે-ધીમે નીટિંગ ફેબ્રિક્સ (Knitting Fabrics) તરફ આગળ વધી રહ્યો છે. થોડાં વર્ષો પહેલાં સુરતના કાપડ ઉદ્યોગકારો લુધિયાણા, અમૃતસર, તિરૂપુર, કોઇમ્બતુરથી નેટ ફેબ્રિક્સ મંગાવતા હતા. જો કે, બજારમાં ડિમાન્ડ વધતાં સુરત અને સેલવાસમાં મોટા પાયે ઉદ્યોગકારોએ નિટિંગ ફેબ્રિક્સની મશીનોમાં રોકાણ કરતાં ફેબ્રિક્સનું ઉત્પાદન વધ્યું છે. માત્ર સેલવાસમાં જ 2400 કરોડનું ફેબ્રિક્સ ઉત્પાદન થાય છે.

સતત બદલાઇ રહેલી ફેશનના આધારે સુરતના કાપડ ઉદ્યોગકારોએ પણ તેમની ઉત્પાદનમાં ફેરફારો કર્યા છે. સુરતના કાપડ ઉદ્યોગકારો નવી-નવી વેરાયટીનાં કાપડ બનાવી રહ્યાં છે. માત્ર સાડી અને ડ્રેસ સિવાય હવે ડેનિમ અને ગારમેન્ટ તરફ પણ સુરતનો કાપડ ઉદ્યોગ વળી રહ્યો છે. હાલ દેશભરમાં નેટના કાપડની ડિમાન્ડ વધતાં મોટા પાયે ઉદ્યોગકારો નિટિંગ ફેબ્રિક્સના ઉત્પાદન માટે રોકાણ કરી રહ્યા છે. કેટલાક ઉદ્યોગકારોએ વિદેશોથી મશીનો પણ મોટી સંખ્યામાં આયાત કરી ઉત્પાદનમાં વધારો કર્યો છે.

ટફ યોજનાનો લાભ ઉઠાવી સુરતના ઉદ્યોગકારોએ 4000 આધુનિક મશીનરી વસાવી
નેટ ફેબ્રિક્સનો ઉપયોગ એક સમયે હોમ ટેક્સટાઇલ અને ઓટો મોબાઇલ ટેક્સટાઇલ સ્વરૂપે થતો હતો. તે પછી પંજાબનાં શહેરોમાંથી નેટ ફેબ્રિક્સ સુરતના બજારમાં ઠલવાતું હતું. તેનું માર્કેટ મોટું હોવાથી સુરતના વોર્પ નિટર્સ દ્વારા આધુનિક મશીનરી માટે ચીન અને તાઇવાનમાં ઓર્ડર આપી સાડી, જીન્સ, પેન્ટ સહિતનું ફેબ્રિક્સ બની શકે તેવી મશીનરી આયાત કરી હતી. છેલ્લાં પાંચ વર્ષમાં ટેક્નોલોજી અપગ્રેડેશન ફંડનો લાભ ઉઠાવી 4000 આધુનિક મશીનરી માત્ર સુરતમાં વસાવવામાં આવી છે. જે ઉત્તર અને દક્ષિણ ભારતની ડિમાન્ડ પૂરી કરી રહી છે.

સુરતના નેટ ફેબ્રિક્સની ગલ્ફના દેશોમાં ભારે ડિમાન્ડ
સુરતમાં તૈયાર કરવામાં આવતા નેટ ફેબ્રિક્સની ડિમાન્ડ બાંગ્લાદેશ અને ગલ્ફના દેશોમાં વધારે થઇ રહી છે. બાંગ્લાદેશમાં રેડિમેડ ગારમેન્ટમાં ઉપયોગ માટે મોટા પાયે ત્યાંના ઉદ્યોગકારો તરફથી ઓર્ડર મળે છે. જ્યારે ગલ્ફના દેશોમાં પણ ફેશનેબલ બુરખા, સ્કાફ અને ડ્રેસિસ માટે ત્યાંના ઉદ્યોગકારો ઓર્ડર આપી રહ્યા છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top