Columns

દૂધનું ઉત્પાદન ફેક્ટરીઓમાં કરવાની યોજના?

ગુજરાતના માલધારીઓ તોફાને ચડ્યા છે, કારણ કે ચિત્તાઓની ચિંતા કરનારી BJP સરકાર હિન્દુઓ જેને માતા ગણે છે તે ગાયની બિલકુલ પરવા કરતી નથી. લમ્પી વાયરસને કારણે હજારો ગાયો મરી ગઈ તો પણ સરકારના પેટનું પાણી હલતું નથી. ભાજપના કાર્યકરો ગાયો માટે રાજસ્થાનમાં આંદોલન કરી શકે છે, કારણ કે ત્યાં કોંગ્રેસની સરકાર છે, પણ ગુજરાતમાં ગાયો માટે તેમને આંદોલન કરવાનો વિચાર આવતો નથી. ગુજરાત સરકારે ગોશાળાઓ અને પાંજરાપોળો માટે ૫૦૦ કરોડ રૂપિયા ફાળવવાનું વચન આપ્યું હતું તે પાળ્યું નથી. અધૂરામાં પૂરું શહેરમાં રખડતાં ઢોરો માટેનો કાયદો કરીને સરકાર પશુપાલકોના પેટ પર લાત મારવાની તૈયારી કરી રહી છે. સરકારે સમજી લેવું જોઈએ કે આ માલધારીઓ તનતોડ મહેનત કરે છે, માટે પ્રજાને સસ્તું અને ચોખ્ખું દૂધ મળે છે. જો દૂધનું ઉત્પાદન ઉદ્યોગપતિઓના હવાલે કરી દેવામાં આવશે તો દૂધનો ભાવ 1000 રૂપિયે લિટર થઈ જશે.

ભારતમાં એક સમયે ઘી-દૂધની નદીઓ વહેતી હતી, જેને કારણે સમાજના તમામ વર્ગોને સસ્તું અને સુલભ પોષણ મળી રહેતું હતું. આપણા દેશમાં દૂધ વેચવામાં પાપ માનવામાં આવતું હતું. ગામડામાં તો લગભગ દરેક ઘરમાં દૂઝણું ઢોર રહેતું હતું, જેના દૂધ, ઘી અને છાશ વડે પરિવારના દરેક સભ્યને પૂરતું પોષણ મળતું હતું. જેમના ઘરે દૂઝણું ઢોર હોય તેઓ વધારાનું દૂધ બજારમાં જઇને વેચતા નહોતા પણ પોતાના ગરીબ પડોશીને મફત આપતા હતા. ઘણા લોકો દૂધમાંથી ઘી બનાવીને વેચતા હતા. ઘી બનાવતી વખતે જે છાશ નીકળે તે તેઓ ગરીબોને મફતમાં આપતા હતા. આ રીતે ગરીબોને મફતમાં દૂધ અને કાંઇ નહીં તો છાશ તો દરેક ગામડાંમાં મળી રહેતી હતી અને કુપોષણનું નામ પણ સાંભળવા નહોતું મળતું. સ્વ. ડો. વર્ગીઝ કુરિયન અમેરિકા જઇને ડેરી ઉદ્યોગની તાલીમ લઇ આવ્યા.

તેમણે આણંદમાં દેશની સૌ પ્રથમ ડેરીની સ્થાપના કરવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો. આણંદમાં અમૂલ ડેરી થવાને કારણે ખેડા જિલ્લાના જે પશુપાલકો અગાઉ દૂધ પોતાના ગામમાં જ વેચતા હતા અથવા તેનું ઘી બનાવતા હતા, તેઓ ડેરીમાં દૂધ વેચવા લાગ્યા. આ કારણે ગામના લોકોને જે સસ્તું અને તાજું દૂધ મળતું હતું તે બંધ થઇ ગયું. જેઓ ગામમાં રહીને દૂધમાંથી ઘી બનાવતા હતા તેઓ પણ હવે ડેરીમાં દૂધ વેચવા લાગ્યા, જેને કારણે ગરીબોને મફતમાં જે છાશ મળતી હતી તે પણ બંધ થઇ ગઇ. હવે સરકાર પશુપાલકોના પેટ પર લાત મારવા દૂધનું ઉત્પાદન ફેક્ટરીમાં કરવા તરફ આગળ વધી રહી છે. તેમાં ઉદ્યોગપતિઓના સ્થાપિત હિતો ભળ્યા છે. નેસ્લે કંપનીએ તેની જાહેરાત પણ કરી દીધી છે.

ડેરી ઉદ્યોગના સમર્થકોનો એવો દાવો છે કે ગુજરાતમાં ડેરી ઉદ્યોગને કારણે દૂધનું ઉત્પાદન વધ્યું છે. આ ‘સફેદ જૂઠ’ છે. અગાઉ આપણાં ગામડાંઓમાં પેદા થતું દૂધ બજારમાં વેચાવા નહોતું આવતું. ડેરી ઉદ્યોગનો વિકાસ થયો ત્યારે ઘર-ઘરમાં વપરાતું દૂધ બજારનો હિસ્સો બની ગયું, માટે દૂધનું ઉત્પાદન વધ્યું હોવાનો માત્ર ભ્રમ પેદા થયો છે. ડેરી ઉદ્યોગના સમર્થનમાં સૌથી મુખ્ય દલીલ એવી કરવામાં આવે છે કે તેને કારણે ગામડાંના પશુપાલકોની આવકમાં ધરખમ વધારો થયો છે. આ વાત સાચી હોય તો પણ તેને કારણે પશુપાલકોને નક્કર લાભ નથી થયો.

જે પશુપાલકો અગાઉ પોતાનાં ઘરમાં પેદા થતું દૂધ પોતાનાં બાળકોને પિવડાવતા તેઓ હવે આ દૂધ ડેરીમાં વેચીને રૂપિયા કમાય છે. આ રૂપિયામાંથી તેઓ કોકા-કોલા કે પેપ્સી ખરીદીને પોતાનાં બાળકોને પિવડાવે છે. આ કારણે બાળકો કુપોષણનો ભોગ બની રહ્યાં છે. પશુપાલકો પાસે કમાણી વધે તો તેઓ કલર TV, ફ્રીજ, વોશિંગ મશીન, કોમ્પ્યુટર, મોબાઇલ અને મોટરબાઇક ખરીદે છે. બાઇકમાં પેટ્રોલ પૂરાવવા કે મોબાઇલમાં ટોકટાઇમ પૂરાવવા તેઓ દૂધ વેચે છે. આ લાઇફસ્ટાઇલનો ફાયદો વિદેશી કંપનીઓને થાય છે. જો આવું ન બન્યું હોત તો ડેરી ઉદ્યોગના વિકાસ સાથે કુપોષણની સમસ્યા હલ થઇ ગઇ હોત.

આજની તારીખમાં આપણા દેશમાં ગાયનું દૂધ વેચવામાં આવે છે, માટે પ્રાચીન કાળમાં કેવી પરિસ્થિતિ હશે, તેની આપણે કલ્પના કરી શકતા નથી. આ માટે એક સરખામણી કરીએ. આજે દેશમાં માતાનું દૂધ વેચાતું નથી, માટે તેનું કેટલું ઉત્પાદન થાય છે, કેટલું વેચાણ થાય છે, વગેરે આંકડાઓ બહાર પાડવામાં આવતા નથી. બીજા શબ્દોમાં કહીએ તો આપણા દેશમાં બજારમાં વેચી શકાય તેવાં માતાના દૂધનું ઉત્પાદન થતું નથી અને જીડીપીમાં પણ તેનો કોઇ ફાળો નથી.

જે શ્રીમંત સ્ત્રીઓ આજે પોતાનાં ફિગર માટે સભાન છે, તેઓ પોતાનાં સગાં બાળકને માતાના દૂધથી વંચિત રાખે છે, અથવા બહુ ઓછા દિવસ માટે બાળકને પોતાનું દૂધ પિવડાવે છે. ધારી લો કે આવતી કાલે કોઇ ઉદ્યોગપતિને માતાના દૂધનું પણ વેચાણ કરવાનો વિચાર આવે છે. આ શ્રીમંત સ્ત્રીઓ તેની તરત જ ગ્રાહક બની જશે. બીજી બાજુ કેટલીક ગરીબ માતાઓને સમજાવવામાં આવશે કે તમે જો તમારું દૂધ વેચશો તો તમને ભારે આર્થિક લાભ થશે. કેટલીક ગરીબ સ્ત્રીઓ લાચારીવશ પોતાનાં પેટનાં જણ્યા બાળકને પાવડરનું દૂધ પિવડાવીને પોતાનું દૂધ વેચશે.

હવે માતાનું દૂધ માર્કેટેબલ કોમોડિટી ગણાશે. જેમ જેમ વધુ માતાઓ પોતાનું દૂધ વેચતી થશે, તેમ આપણને કહેવામાં આવશે કે મનુષ્યના દૂધનું ઉત્પાદન વધી રહ્યું છે. તેને કારણે GDP પણ વધશે.  આ ઉદ્યોગનો વિકાસ બધાને દેખાશે, પણ માતાના દૂધ વિના ટળવળતાં ગરીબ બાળકોની ચિંતા કોઇ નહીં કરે. આજે ગાયનું દૂધ માર્કેટેબલ કોમોડિટી બની ગયું છે માટે આપણને દૂધનું વધી ગયેલું ઉત્પાદન દેખાય છે પણ તેને કારણે ગામડાંઓમાં પેદા થયેલી દૂધની અછત અને બાળકોમાં વધી રહેલું કુપોષણ કોઇને દેખાતું નથી. મલ્ટીનેશનલ કંપનીઓની હવેની યોજના દૂધનું ઉત્પાદન કારખાનાંઓમાં કરવાની છે, જેને કારણે કરોડો પશુપાલકો બેરોજગાર થઈ જશે.

Most Popular

To Top