National

દેશમાં મોંઘવારી વધી, ઔદ્યોગિક ઉત્પાદન ફરી ઘટી ગયું

ફેબ્રુઆરીમાં છૂટક ફુગાવો વધીને પ.૦૩ ટકા થયો હતો જે મુખ્યત્વે ખોરાકી ચીજવસ્તુઓની વધેલી કિંમતોને કારણે થયું હતું એમ સરકારી આંકડાઓએ આજે જણાવ્યું હતું.

કન્ઝયુમર પ્રાઇઝ ઇન્ડેક્સ(સીપીઆઇ) આધારિત છૂટક ફુગાવો જાન્યુઆરીમાં ૪.૦૬ ટકા હતો. આ પહેલા ઉંચો દર નવેમ્બર ૨૦૨૦માં ૬.૯૩ ટકા નોંધાયો હતો. ફૂડ બાસ્કેટમાં ભાવવધારાનો દર ફેબ્રુઆરીમાં વધીને ૩.૮૭ ટકા થયો હતો, જેની સામે તેના અગાઉના મહિનામાં આ દર ૧.૮૯ ટકા હતો એમ નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ(એનએસઓ) દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડાઓ જણાવતા હતા.

ફ્યુઅલ એન્ડ લાઇટ કેટેગરીમાં પણ ફુગાવો આ મહિના દરમ્યાન વધેલો રહ્યો હતો જે દર ૩.પ૩ ટકા હતો જે જાન્યુઆરીમાં ૩.૮૭ ટકા હતો. તેલ અને ચરબીની બાબતમાં ફુગાવો ૧૯.૭૧ ટકા પરથી વધીને ૨૦.૭૮ ટકા થયો હતો, જ્યારે ફળોની બાબતમાં ફુગાવો ૪.૯૬ ટકા પરથી વધીને ૬.૭૮ ટકા થયો છે.

શાકભાજીની બાબતમાં ડીફ્લેશનની સ્થિતિ ચાલતી હતી અને ફુગાવો માઇનસમાં હતો, હવે શાકભાજીના ભાવો ઉંચા આવવાને કારણે તે દર માઇનસ ૧પ.૮૪ પરથી વધીને માઇનસ ૬.૨૭ ટકા થયો છે. જો કે દૂધ અને તેની બનાવટો, કઠોળ, ઇંડામાં જાન્યુઆરીની સરખામણીમાં ફેબ્રુઆરીમાં ફુગાવો ઘટ્યો છે.

ઇકરાના મુખ્ય અર્થશાસ્ત્રી અદીતી નાયરે જણાવ્યું છે કે ઇંધણના ભાવવધારાની પ્રથમ રાઉન્ડની અસર ફુગાવા પર મર્યાદિત છે ત્યારે બીજા રાઉન્ડની અસર નોંધપાત્ર છે તેથી જો સરકાર વેરા નોંધપાત્ર પ્રમાણમાં ઘટાડશે નહીં તો ફુગાવાનું દબાણ રિઝર્વ બેન્કને દર કાપ નહીં કરવા દે. રિઝર્વ બેન્ક, કે જે તેની નાણાકીક નીતિ નક્કી કરતા પહેલા છૂટક ફુગાવા પર ઘણો આધાર રાખે છે તેને આ છૂટક ફુગાવો બંને બે બાજુએ બે ટકાની છૂટ સાથે ૪ ટકા પર રાખવાનું કામ સોંપવામાં આવ્યું છે.

બીજી બાજુ, જાન્યુઆરી મહિનામાં ભારતનું ઔદ્યોગિક ઉત્પાદન ૧.૬ ટકા સંકોચાયું છે એમ મુજબ આજે સત્તાવાર આંકડાઓએ દર્શાવ્યું હતું. આ સાથે જ દેશનું ઔદ્યોગિક ઉત્પાદન ફરીથી નેગેટિવ ટેરિટરીમાં પ્રવેશ્યું છે.

ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રિયલ પ્રોડકશન(આઇઆઇપી)ના આંકડાઓ પ્રમાણે જાન્યુઆરી ૨૦૨૧માં મેન્યુફેકચરીંગ સેકટરનું ઉત્પાદન બે ટકાથી સંકોચાયું હતું. માઇનીંગ સેકટરનું ઉત્પાદન ૩.૭ ટકા સંકોચાયું હતું જ્યારે વિજળી ઉત્પાદનમાં જાન્યુઆરીમાં પ.પ ટકાનો વધારો થયો હતો.

જાન્યુઆરી ૨૦૨૦માં આઇઆઇપીમાં ૨.૨ ટકાની વૃદ્ધિ થઇ હતી. સૌથી ખરાબ દેખાવ કેપિટલ ગુડ્સ સેકટરનો હતો જેમાં ૯.૬ ટકાનું સંકોચન જોવા મળ્યું હતું, જેની સરખામણીમાં એક વર્ષ પહેલા તેમાં ૪.૪ ટકાનો ઘટાડો નોંધાયો હતો. સપ્ટેમ્બર, ઓકટોબરમાં પોઝિટિવ બન્યા બાદ ઔદ્યોગિક ઉત્પાદન નવેમ્બરમાં ફરીથી નેગેટિવ થયું હતું, ડીસેમ્બરમાં પોઝિટિવ ઝોનમાં પ્રવેશ્યા બાદ જાન્યુઆરી ૨૦૨૧માં તે ફરીથી નેગેટિવ ટેરિટરીમાં પ્રવેશ્યું છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top