દેલાડ: સાયણ વિસ્તારમાં રવિવારની સાંજે પોલીસે (Police) નશાની હાલતમાં મારામારી અને સરકારી મિલ્કતોની તોડફોડ કરી આતંક મચાવનારા આરોપીઓને જાહેરમાં સરઘસ (Procession in public) કાઢ્યું હતું જેથી કરી સાયણ વિસ્તારમાં અન્ય અસામાજીક તત્વોને બોધપાઠ મળે અને ગામમાં શાંતિ જળવાઇ રહે એ હેતુથી પોલીસે આરોપીઓને જનતાની માફી માગતા હોય એ રીતે જાહેરમાર્ગો પર ફેરવ્યા હતા.
ગત્ તારીખ ૨૫/૬/૨૦૨૧ના રોજ રાત્રે સાયણ સુગર રોડ પર આવેલા અનુપમ ડ્રીમ એપાર્ટમેન્ટનાં ફ્લેટ નંબર ૨૦૭માં રહેતી જાનવી કેતનભાઇ કાછડીયા તથા કામરેજ ભક્તિનગર વેદનગરીના પાંચમા માળે ફ્લેટ નંબર ૫૦૪માં રહેતો હરેશભાઈ રાણાભાઈ કારડીયા તથા અમરોલીની ગણેશપુરા હાઉસિંગ મકાન નંબર ૬૯૫માં રહેતો અતુલભાઇ વિજયભાઈ કુટે (મરાઠી) સાથે મળીને એ જ એપાર્ટમેન્ટમાં રહેતા દેવસિંગ સુંદરલાલ રાજપૂતના પરિવાર સાથે ગુટકા ખાઈને ઠુકવાની બાબતે ઝઘડો કર્યો હતો ત્યાર બાદ પરિવાર સાથે મારામારી અને તેમના ફલેટમાં તોડફોડ કરી આતંક મચાવ્યો હતો.
આ ઘટના બાબતે દેવસિંગભાઈ સાયણ પોલીસમાં ફરિયાદ કરવા ગયા હતા ત્યાં પણ આ ત્રણેય વ્યક્તિઓ ઘસી જઈ ફરી ઝઘડો કરી સાયણ ચોકીને બાન લઈ તોડફોડ કરી આંતક મચાવ્યો હતો ત્યાર બાદ આ ત્રણેય આરોપીઓને નશાની હાલતમાં પોલીસે ઝડપી પાડયા હતા, ત્યારબાદ રવિવારના રોજ પોલીસે બંને માથાભારે આરોપીઓને સાયણ વિસ્તારમાં જાહેરમાં ફેરવી બે હાથ જોડી માફી મંગાવી હતી. અસામાજીક તત્વોમાં ફફડાટ ફેલવવા પોલીસે કરેલી કામગીરીની લોકોએ સરાહના કરી હતી.
બિયરના ટીન સાથે પિતા-પુત્રની અટકાયત
સુરત: શહેરના પાલ અડાજણ ખાતે રહેતા કાપડ દલાલીનું કામ કરતા પિતા-પુત્રને પોલીસે દારૂની બાટલી અને બિયરના ટીન સાથે પકડી પાડ્યા હતા. પોલીસે પિતાની સામે કરફ્યૂ ભંગનો તથા પિતા-પુત્ર સામે પ્રોહિબિશનનો ગુનો દાખલ કર્યો હતો.
અડાજણ પોલીસને બાતમી મળી હતી કે, અડાજણ પાલનપોર ગૌરવપથ સ્તુતિ આઈકોન સામે એક વ્યક્તિ બીયરનું વેચાણ કરે છે. બાતમીના આધારે અડાજણ પોલીસની ટીમે છટકુ ગોઠવ્યું હતું. સ્તુતિ આઈકોન પાસે આવતા પોલીસે અશોકભાઈ ઇશ્વરલાલ ચાંદવાની (ઉ.વ.67, રહે.સ્તુતિ આઈકોન, પાલ અડાજણ) ને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી મોટર સાયકલ પર લટકાવેલા બિયરના ચાર ટીન મળી આવ્યા હતા. પોલીસે અશોકભાઈને મોટર સાયકલ જીજે 5 એચજી 6524 બાબતે પુછતા તે તેમના પુત્રની હોવાનું જણાવ્યું હતું. પોલીસે આ બિયર ટીન ક્યાંથી લાવ્યા અંગે પુછપરછ કરતા તેમના ઘરમાં બિયરની ટીન અને દારૂની બાટલી રાખી હોવાનું કબુલ્યું હતું. પોલીસે ઘરમાં જઈને ચેક કરતા તેમનો પુત્ર લલીત (ઉ.વ.44) પાસેથી પણ બિયર અને દારૂની બોટલ મળી હતી. પોલીસે પિતા-પુત્ર પાસેથી 8 બિયરના ટીન અને બે દારૂની બાટલી કબજે લીધી હતી. બંને પિતા-પુત્ર કાપડની દલાલી કરે છે. પોલીસની પુછપરછમાં તેમને પોતાના પીવા માટે તથા મિત્રો સાથે બેસવા દારૂની બોટલ લાવ્યાની કબુલાત કરી હતી.